લિક્વિડેટર : કંપનીનું વિસર્જન (liquidation) કરવાની કાર્યવહી કરવા માટે નિમાયેલો અધિકારી. તેની નિમણૂક અદાલત અથવા શૅરહોલ્ડરો અથવા કંપનીના લેણદારો દ્વારા કરવામાં આવતી હોય છે. કંપનીને બંધ કરવાનાં અનેક કારણો હોઈ શકે છે. તેમાં મુખ્યત્વે કાયદાકીય વિધિના પાલનમાં કંપનીની ક્ષતિઓ, દેવાં ચૂકવવાની તેની અશક્તિ, કંપનીની સ્થાપના સમયે નિશ્ચિત કરેલા સમયનું પૂરું થવું, તેના બંધારણમાં વર્ણવેલી અપેક્ષિત ઘટનાનું ઘટવું, ભવિષ્યમાં તેનું સંચાલન અશક્ય બનવું, લઘુમતી શૅરહોલ્ડરો અથવા લેણદારોની દાદ–ફરિયાદ વગેરે ગણાવી શકાય.

કંપનીના અધિનિયમ 1956માં સૂચવેલી વિધિ પ્રમાણે તે ત્રણ રીતે થઈ શકે છે : (1) અદાલત દ્વારા ફરજિયાત વિસર્જન, (2) સ્વૈચ્છિક વિસર્જન અને (3) અદાલતની દેખરેખ હેઠળ વિસર્જન (ધારા 425).

(1) અદાલત દ્વારા ફરજિયાત વિસર્જન : કંપનીઓના વિસર્જન માટે ભારતના દરેક રાજ્યની વડી અદાલતમાં સત્તાવાર વિસર્જન-અધિકારી (official liquidator) અને નાદારોની મિલકતોના વહીવટ માટે દરેક જિલ્લા-ન્યાયાલયમાં સત્તાવાર આદાતા(official receiver)ની નિમણૂક કરવામાં આવેલી હોય છે : વિવિધ સંજોગો જેવા કે (ક) કંપની પોતાની કાયદાકીય સભા (statutory meeting) ભરવામાં અથવા કંપની પોતાનું કાયદાકીય નિવેદન રજિસ્ટ્રારને પહોંચાડવામાં ક્ષતિ કરે, (ખ) કંપની તેની સ્થાપનાનું પ્રમાણપત્ર મેળવ્યા પછી એક વર્ષ સુધીમાં કામકાજ શરૂ ન કરે અથવા શરૂ કર્યું હોય છતાં મુલતવી રાખે, (ગ) જાહેર કંપનીના શૅરહોલ્ડરોની સંખ્યા 7થી અને ખાનગી કંપનીના શૅરહોલ્ડરોની સંખ્યા 2થી ઓછી થઈ જાય, અથવા (ઘ) કોઈ લેણદાર અથવા લેણદારોનું જૂથ, અંશદાતા (contributory), કંપની-રજિસ્ટ્રાર અથવા કેન્દ્ર-સરકારના અધિકૃત અધિકારી અદાલત સમક્ષ કંપનીના વિસર્જન માટે અરજી કરે અને અદાલતને ખાતરી થાય કે કંપની દેવાં ચૂકવી શકે તેમ નથી અથવા તેનું વિસર્જન કરવું ન્યાયી અને વાજબી છે તો અદાલત કંપનીનું ફરજિયાત વિસર્જન કરવા માટે હુકમ કરી શકે છે. (ધારા 433 અને 439). આવો હુકમ કર્યા પહેલાં અરજીની સુનાવણી દરમિયાન અદાલત કામચલાઉ વિસર્જન-અધિકારી તરીકે લિક્વિડેટરની નિમણૂક કરી શકે છે. અદાલતનો અંતિમ હુકમ થયા પછી જ લિક્વિડેટર સત્તાવાર વિસર્જન-અધિકારી કહેવાય છે. (ધારા 450). લિક્વિડેટરની નિમણૂક થાય એટલે કંપનીની સર્વ માલ-મિલકતનો તે કબજો સંભાળી લે છે. (ધારા 456). તેની સમક્ષ કંપનીના નિયામક, સંચાલક અથવા અધિકારીએ ઠરાવેલા સમયમાં ઠરાવેલા પ્રરૂપ(form)માં કંપનીના સર્વ વ્યવહારોનું નિવેદન (statement of affairs) રજૂ કરવું પડે છે. કંપનીનો કોઈ પણ લેણદાર ઠરાવેલી ફી ભરીને સમુચિત સમયે આ નિવેદન તપાસવાનો અને તેની નકલ ઉતારવાનો અધિકાર ધરાવે છે. (ધારા 454) આ નિવેદન મળ્યા પછી લિક્વિડેટરે 6 માસની અંદર અદાલત સમક્ષ (i) અંશદાતાઓ પાસેથી વસૂલ કરવાનાં લેણાં, (ii) શૅરહોલ્ડરોએ ચૂકવ્યા ન હોય તેવા કૉલ, (iii) કંપનીની નિષ્ફળતાનાં કારણો, (iv) ધંધાની ગતિવિધિ અને (v) કંપનીના ધંધામાં થયેલા અપ્રામાણિક અને દગાપૂર્ણ વ્યવહારો અંગે વિગતવાર હેવાલ રજૂ કરવો પડે છે. (ધારા 455). કંપનીના અધિનિયમ 1956 હેઠળ લિક્વિડેટરને કંપનીની વિસર્જન-પ્રક્રિયા માટે વિશાળ સત્તાઓ આપવામાં આવેલી છે. તે કંપનીના નામે દાવા દાખલ કરી શકે છે; કંપનીના સુચારુ વિસર્જનના હિતમાં આડતિયાની નિમણૂક કરીને જરૂર પડે તેટલો ધંધો કરી શકે છે; કંપનીની સ્થાવર-જંગમ મિલકતો અને દેવાં લિલામથી અથવા ખાનગી કરાર દ્વારા વેચી શકે છે તેમજ માલમિલકતના રક્ષણ માટે નાણાં ઊભાં કરી શકે છે. (ધારા 457) તે પોતાની મદદ માટે અદાલતની પરવાનગી લઈને વકીલની નિમણૂક કરી શકે છે (ધારા 459) અને લેણદારોની સભા બોલાવીને તથા તેમનો અભિપ્રાય મેળવીને પોતાની વિવેક-બુદ્ધિથી કંપનીનો સુચારુ વહીવટ કરી શકે છે. (ધારા 460)

દેવાં-લેણાંની સમગ્ર પરિસ્થિતિ ઉપર કાબૂ મેળવીને અને મિલકતોને રોકડમાં ફેરવીને લિક્વિડેટર તેમાંથી (i) સૌથી પ્રથમ સલામત લેણદારોને પૂરેપૂરાં નાણાં ચૂકવે છે; (ii) ત્યારપછી વિસર્જનના ખર્ચા ચૂકવે છે અને પોતાની ઠરાવેલી ફી વસૂલ કરે છે; (iii) ત્યારપછી પસંદગીના લેણદારોનાં નાણાં ચૂકવે છે; (iv) પછીનાં નાણાં વધે તો બિનસલામત લેણદારોને ચૂકવે છે; જો નાણાં ઓછાં પડે તો તેમની વચ્ચે લેણાના પ્રમાણમાં વરાડે ચૂકવે છે; (v) પછી નાણાં વધે તો પ્રેફરન્સ શૅરહોલ્ડરોને ચૂકવે છે અને (vi) ત્યાર-પછી પણ જો નાણાં વધે તો ઇક્વિટી શૅરહોલ્ડરોએ રોકેલી શૅરમૂડીના પ્રમાણમાં તેમને વરાડે ચૂકવે છે. લિક્વિડેટર કંપની તથા તેના લેણદારોનો ટ્રસ્ટી છે; તેથી તે પોતાના હોદ્દાનો દુરુપયોગ કરીને અંગત સ્વાર્થ સાધી શકે નહિ. આમ છતાં જો તે તેમ કરવા પ્રયત્ન કરે તો અદાલત તેને જવાબદાર ઠરાવીને શિક્ષા કરી શકે છે. કંપનીની વિસર્જનક્રિયા પૂરી થાય ત્યારે લિક્વિડેટર અદાલતને તે અંગેની જાણ કરે છે, જેના આધારે અદાલત કંપનીનું કાયદેસર વિસર્જન થયાનો હુકમ કરે છે. લિક્વિડેટર આ હુકમની નકલ કંપનીના રજિસ્ટરને મોકલી આપે છે, જેના આધારે રજિસ્ટ્રાર કંપનીનું નામ કંપનીઓના રજિસ્ટર(પત્રક)માંથી રદ કરે છે. (ધારા 481)

(2) સ્વૈચ્છિક વિસર્જન : વિવિધ સંજોગો જેવા કે (i) કંપનીની સ્થાપના માત્ર ચોક્કસ સમય માટે જ કરવામાં આવી હોય અને તે સમય પૂરો થયો હોય, (ii) કોઈ અપેક્ષિત બનાવ બને ત્યારે કંપનીનું વિસર્જન કરવાનું તેના બંધારણમાં ઠરાવ્યું હોય અથવા (iii) કંપની તેનું સંચાલન કરવાનું અશક્ય માનતી હોય તો શૅરહોલ્ડરો કંપનીની સામાન્ય સભામાં વિશિષ્ટ ઠરાવ કરીને તેનું સ્વેચ્છાપૂર્વક વિસર્જન કરવાનું ઠરાવી શકે છે. (ધારા 484) શૅરહોલ્ડરો આ ઠરાવ દ્વારા એક કે વધારે લિક્વિડેટરોની નિમણૂક કરીને તેમનું મહેનતાણું ઠરાવી શકે છે. (ધારા 490). આવો ઠરાવ થયા પછી કંપનીના નિયામક અને સંચાલકોના બધા અધિકારોનો અંત આવે છે. (ધારા 491) કંપની લિક્વિડેટરની નિમણૂકની નોટિસ રજિસ્ટ્રારને મોકલી આપે તે સાથે જ લિક્વિડેટર કંપનીનો વહીવટ સંભાળી લે છે. (ધારા 493) લિક્વિડેટર મિલકતોને રોકડમાં ફેરવીને વિસર્જનના ખર્ચા અને લેણદારોનાં નાણાં ચૂકવીને અને અંતે પ્રેફરન્સ શૅરહોલ્ડરો અને ઇક્વિટી શૅરહોલ્ડરોને તેમની શૅરમૂડી સંજોગો અનુસાર પૂરેપૂરી અથવા વરાડે ચૂકવીને કંપનીની વિસર્જન-પ્રક્રિયા પૂરી કરે છે તેમજ શૅરહોલ્ડરોની સામાન્ય સભા બોલાવીને તેમની સમક્ષ હિસાબો રજૂ કરે છે. આ વિધિ પૂરી કર્યા પછી તેની એક-એક નકલ સત્તાવાર વિસર્જન-અધિકારી અને કંપનીના રજિસ્ટ્રારને મોકલે છે. કંપનીના હિસાબોની ચકાસણી કર્યા પછી જો સત્તાવાર વિસર્જન-અધિકારીને સંતોષ થાય કે વિસર્જન-પ્રક્રિયામાં કશું વાંધાજનક નથી તો તે અદાલત સમક્ષ હેવાલ રજૂ કરે છે. હેવાલની રજૂઆત સાથે જ કંપનીનું વિસર્જન થયું છે તેમ માનવામાં આવે છે. બીજી તરફ કંપનીના રજિસ્ટ્રાર કંપનીનું નામ કંપનીઓના રજિસ્ટર(પત્રક)માંથી રદ કરે છે. (ધારા 497)

(3) અદાલતની દેખરેખ હેઠળ વિસર્જન : કંપનીએ સ્વેચ્છાએ વિસર્જન કરવાનો ઠરાવ કર્યો હોય છતાં પણ અદાલત (i) લઘુમતી શેરહોલ્ડરો અથવા (ii) લેણદારોની દાદ-ફરિયાદ સાંભળીને અદાલતની દેખરેખ હેઠળ કંપનીનું વિસર્જન કરવાનો હુકમ કરી શકે છે.

(i) કંપનીના કોઈ પણ સભ્ય તરફથી અરજી કરવામાં આવે ત્યારે અદાલતને એમ લાગે કે કંપનીનો ઠરાવ લઘુમતી શૅરહોલ્ડરો માટે હાનિકારક છે અથવા તે છળકપટથી તેમજ લાગવગનો ઉપયોગ કરીને કરવામાં આવ્યો છે તો કંપનીના વિસર્જનની પ્રક્રિયા અદાલતની દેખરેખ હેઠળ થશે તેવો હુકમ અદાલત કરી શકે છે. આમ શૅરહોલ્ડરોએ નીમેલા લિક્વિડેટર ઉપર અદાલતનો અંકુશ રહે છે તથા તેનાં અધિકાર અને સત્તા અદાલત દ્વારા નિર્ધારિત થાય છે. (ધારા 522થી 527)

(ii) કંપનીએ નીમેલો લિક્વિડેટર હોદ્દો સંભાળે પછી તેને એમ જણાય કે કંપનીની મિલકતમાંથી બધાં દેવાં પૂરેપૂરાં ચૂકવી શકાય તેમ નથી તો તેણે તુરત જ લેણદારોની સભા બોલાવવી પડે છે. (ધારા 495) આ પરિસ્થિતિમાં કંપનીનું વિસર્જન શૅરહોલ્ડરો કરતા નથી; પરંતુ લેણદારો કરે છે તેમ માનવામાં આવે છે. (ધારા 498) લિક્વિડેટરે બોલાવેલી સભામાં લેણદારો દ્વારા વિસર્જન માટે પસાર થયેલો ઠરાવ શૅરહોલ્ડરોએ અગાઉ કરેલા તેવા ઠરાવ પછી તુરત જ પસાર કરવામાં આવ્યો છે તેમ પણ માનવામાં આવે છે. લેણદારો અને શૅરહોલ્ડરોએ જુદી જુદી વ્યક્તિઓની લિક્વિડેટર તરીકે નિમણૂક કરી હોય તો લેણદારોએ નીમેલી વ્યક્તિ જ લિક્વિડેટર તરીકે કામ કરી શકે છે. વળી લેણદારોને યોગ્ય લાગે તો 5 સભ્યોથી વધારે નહિ તેવી નિરીક્ષણ-સમિતિ નીમી શકે છે. (ધારો 500) લેણદારોએ નીમેલા લિક્વિડેટર ઉપર પણ અદાલતનો અંકુશ રહે છે તથા તેનાં અધિકાર અને સત્તા અદાલત દ્વારા નિર્ધારિત થાય છે.

જયન્તિલાલ પો. જાની