લિંગ અને લિંગપૂજા (શૈવ સંપ્રદાય) : ભગવાન શિવનું પૂજાતું સ્વરૂપ. શિવની પૂજા કરવામાં આવતી નથી, ફક્ત તેમના ચિહની પૂજા કરવામાં આવે છે કે જેને શિવલિંગ કહે છે. સ્કંદપુરાણ મુજબ આકાશ લિંગ છે અને પૃથ્વી તેની વેદી કે પીઠિકા છે. શિવની આઠ મૂર્તિઓમાં આકાશ પણ એક મૂર્તિ છે. શિવલિંગમાં દેવી પાર્વતી તો રહે છે જ, પરંતુ શિવલિંગ બધા દેવોનું રહેઠાણ છે અને આખી સૃષ્ટિ તેમાં લય પામે છે, સાથે સાથે સર્જન-સમયે આખી સૃષ્ટિ તેમાંથી જ ફરી ઉત્પન્ન થાય છે. આમ સૃષ્ટિની ઉત્પત્તિ અને લયનું કારણ હોવાથી પણ તેને લિંગ કહે છે. શિવ જેમ લિંગરૂપે પૂજાય છે તેમ વિષ્ણુ શાલિગ્રામરૂપે પૂજાય છે.
શિવલિંગની ઉત્પત્તિ વિશે ‘પદ્મપુરાણ’, ઉત્તરખંડના અધ્યાય 78 મુજબ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશમાં કોણ પૂજનીય છે તે નક્કી કરવા ઋષિઓએ ભૃગુને કહ્યું. ભૃગુઋષિ શિવને મળવા ગયા ત્યારે નંદીએ શિવ પાર્વતી સાથે વિલાસક્રીડામાં છે એમ કહી અપમાનિત કર્યા. આમ છતાં ઘણા દિવસો સુધી ભૃગુએ ત્યાં રાહ જોઈ. અન્નજળ વિના રહેલા ભૃગુએ અંતે નારીસંગરત શિવને યોનિલિંગ-સ્વરૂપ થવાનો અને શિવનું નિર્માલ્ય અગ્રાહ્ય બનવાનો શાપ આપ્યો.
‘નારદપંચરાત્ર’ની તૃતીય રાત્રીના પ્રથમ અધ્યાય મુજબ બ્રહ્મા, વિષ્ણુ અને અન્ય દેવોની વિનંતિ સ્વીકારી દેવી આદ્યાશક્તિ મહામાયા દક્ષ પ્રજાપતિની પુત્રી તરીકે જન્મ લઈ શિવની પત્ની બન્યાં. શિવ સાથે વિલાસક્રીડા પછી દક્ષપુત્રી ખડાં થઈ જવાથી બંનેનું તેજ પૃથ્વી પર પડ્યું અને બધે જ યોનિસહિતનાં શિવલિંગોની ઉત્પત્તિ થઈ.
ત્રીજી અનુશ્રુતિ મુજબ દારૂક વનમાં ભિક્ષા માટે ગયેલા નગ્ન શિવને જોઈ ઋષિસ્ત્રીઓ કામવિહવળ બનતાં ક્રોધથી ભૃગુઋષિએ શિવનું લિંગ નીચે પડવાનો શાપ આપ્યો. પછી પસ્તાવો થતાં ભૃગુએ પાર્વતીની સ્તુતિ કરી અને પાર્વતીને શિવનું લિંગ ધારણ કરવા મનાવ્યાં. તેથી સયોનિલિંગની ઉત્પત્તિ થઈ.
અન્ય અનુશ્રુતિ મુજબ વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે ચઢિયાતા હોવાની સ્પર્ધા સમયે શિવલિંગ ઉત્પન્ન થયું. તેને માપવા વિષ્ણુ વરાહનું અને બ્રહ્મા હંસનું રૂપ લઈને ગયા. આ મહાકાય લિંગને માપી નહિ શકેલા બંને દેવો લિંગને શરણે ગયા.
શિવલિંગનું નિરૂપણ 11,000 શ્લોકોના બનેલા લિંગપુરાણમાં અને લિંગોપનિષદમાં પણ કરવામાં આવ્યું છે. વેદમાં શિવનું રુદ્રરૂપે વર્ણન છે, લિંગરૂપે નહિ. અથર્વવેદના સમયથી શિવલિંગના ઉલ્લેખો મળે છે.
શિવલિંગો ભારતમાં અસંખ્ય સ્થળે છે, પરંતુ તેમાં 12 મુખ્ય લિંગોને જ્યોતિર્લિંગો કહે છે. તેમાં સૌરાષ્ટ્રમાં સોમનાથ, શ્રીશૈલમાં મલ્લિકાર્જુન, ઉજ્જૈનમાં મહાકાલ, નર્મદાતટે ઓંકારેશ્વર, દેવગઢમાં વૈદ્યનાથ, રાજમહેન્દ્રીમાં ભીમશંકર, સેતુબંધમાં રામેશ્ર્વર, દારૂકવનમાં નાગેશ, વારાણસીમાં વિશ્ર્વનાથ, ગોમતીતટે ત્ર્યંબકેશ્ર્વર, હિમાલયમાં કેદારનાથ અને ધુસૃણેશ અથવા ગૌતમેશનો સમાવેશ થાય છે.
અસંખ્ય શિવલિંગો ધરાવતા ભારતમાં અસંખ્ય પ્રકારનાં શિવલિંગો છે. વિવિધ દૃષ્ટિએ શિવલિંગના અનેક પ્રકારો પાડવામાં આવ્યા છે. અકિંચનથી ધનાઢ્ય સુધી બધા જ બનાવી શકે તેવા અનેક પ્રકારો ધરાવતા શિવલિંગ અને તેનું પૂજન કરવાનાં ફળો પણ વિવિધ છે. સર્વપ્રથમ કૃત્રિમ અને અકૃત્રિમ – એમ બે પ્રકારનાં લિંગો છે. નદીના પ્રવાહમાં અફળાઈને બનતાં તે કુદરતી કે અકૃત્રિમ છે, જ્યારે મનુષ્યે બનાવેલાં કૃત્રિમ છે. અમરનાથનું લિંગ કુદરતી લિંગનો ઉત્કૃષ્ટ દાખલો છે. મંદિરોમાં સ્થાપેલાં તે અચલ અથવા સ્થિર લિંગો અને હાથમાં લઈ શકાય તે ચલ કે જંગમ પ્રકારનાં લિંગો છે. વળી બીજા ચાર પ્રકાર એકમુખી, ત્રિમુખી, ચતુર્મુખી અને પંચમુખી શિવલિંગોના પણ છે. તેની વેદી કે યોનિ મુજબ ગોળ, ચતુષ્કોણ, ષટ્કોણ, અષ્ટકોણ, દ્વાદશકોણ અને ષોડશકોણ એવા શિવલિંગના પ્રકારો પણ અસ્તિત્વ ધરાવે છે. વળી લિંગની સંખ્યા મુજબ અષ્ટોત્તરશત લિંગ અને સહસ્રલિંગ ધરાવતાં મંદિરો છે. ગુજરાતના પાટણમાં સહસ્રલિંગ મંદિરની સ્થાપના તળાવની ગોળ ફરતે કરવામાં આવેલી છે. વળી જળાશયમાંથી જેનો અભિષેક સરળતાથી થાય તેવાં ધારાલિંગ પણ હોય છે. તે જ રીતે (1) સ્વયંભૂ, (2) દૈવ, (3) પાલક, (4) આર્ષ અને (5) માનસ શિવલિંગો પણ હોય છે. એમાં સ્વયંભૂ લિંગના દર્શનથી બધાં પાપોથી મુક્ત થઈ મોક્ષ પ્રાપ્ત થાય છે. જુદા જુદા દેવોને પ્રિય એવાં શિવલિંગો આ પ્રમાણે છે : વિષ્ણુનું પ્રિય શંખ આકારનું, બ્રહ્માનું કમળ જેવું, ઇન્દ્રનું છત્ર જેવું, બે મસ્તકવાળું અગ્નિનું, યમનું ત્રિપદ, તલવાર જેવું નૈઋતનું, વરુણનું કળશ જેવું, વાયુનું ધ્વજ જેવું, કુબેરનું ગદા જેવું, ઈશાનનું ત્રિશૂળ જેવું લિંગ વગેરે દૈવલિંગમાં આવે છે. પાલક લિંગ પારાનું બનેલું હોય છે. કપિત્થ ફળ જેવું લિંગ આર્ષલિંગ કહેવાય અને જે મનથી જ કલ્પેલું હોય તે માનસલિંગ કહેવાય છે. વળી શિવની નાભિ જેવું ગોળ લિંગ પણ દૈવલિંગ કહેવાય છે. તે નારંગી જેવું ગોળ હોય છે. આ નાભિલિંગ ચાર આંગળનું હોય તો ઉત્તમ, બે આંગળનું હોય તો મધ્યમ અને એક આંગળનું હોય તો અધમ એવા તેના ત્રણ પ્રકારો પડે છે. ગંગા, યમુના, નર્મદા જેવી નદીઓમાંથી જે લિંગ મળી આવે તેને રૌદ્રલિંગ કહે છે. એમાં નર્મદા નદીમાંથી મળેલું નાર્મદ રૌદ્રલિંગ ઉત્તમ ફળ આપનારું છે. તેનાથી ઉત્તમ લિંગ એ બાણલિંગ નામે ઓળખાય છે. જે લિંગ રૌદ્ર એટલે નદીમાંથી મળેલું ના હોય તેને બાણલિંગ કહેવાય; પરંતુ ખરેખર જે લિંગની તુલા ચોખાથી ત્રણ, પાંચ કે સાત વાર કરવામાં આવે અને દરેક વખતે તેનું વજન એકસરખું રહે તેને બાણલિંગ કહે છે. અનુશ્રુતિ મુજબ બાણાસુરના કહેવાથી શિવે બનાવેલાં અને બાણાસુરે પૂજેલાં હોવાથી તેને બાણલિંગ એવું નામ આપવામાં આવ્યું છે. અન્ય કરોડ લિંગનાં પૂજનનું ફળ એક બાણલિંગ આપે છે અને તે ભુક્તિ અને મુક્તિ બંને ફળો આપે છે. વળી બાણલિંગ કર્કશ, ચપટું, એક બાજુવાળું, ઉપરથી તૂટેલું, છિદ્ર કે કાનવાળું, બહુ લાંબું, ધારદાર, વાંકું, ત્રાંસું, ખૂબ જાડું કે ખૂબ પાતળું કે તદ્દન નાનું હોય તો તે મોક્ષાર્થી સંન્યાસીને જ સારું ફળ આપે છે, ગૃહસ્થને સારું ફળ આપતું નથી. બાણલિંગની પ્રતિષ્ઠા, આવાહન અને સંસ્કાર કરવા ના જોઈએ. મંત્ર બોલીને તેનું ધ્યાન કરી મનથી જ તેને ગંધપુષ્પ વગેરે અર્પણ કરી તેનું પૂજન મનથી કરાય છે. એ પછી તેના મંત્રનો જપ કરી પ્રાણાયામ કરાય છે. બ્રાહ્મમુહૂર્તમાં જાગી કરેલું બાણલિંગનું સ્મરણ સર્વત્ર વિજય અપાવે છે. બાણલિંગના પ્રકારોમાં (1) સિદ્ધો વડે સેવાયેલું સ્વયંભૂ લિંગ, (2) મૃત્યુંજય લિંગ, (3) નીલકંઠલિંગ, (4) ત્રિલોચનલિંગ, (5) કાલાગ્નિરુદ્રલિંગ, (6) ત્રિપુરારિલિંગ, (7) ઈશાનલિંગ, (8) અર્ધનારીશ્ર્વરલિંગ અને (9) મહાકાલલિંગ એ શિવનાં સ્વરૂપો પર આધારિત લિંગો છે.
શિવલિંગની વેદિકા કે યોનિ તાંબું, સ્ફટિક, સોનું, ચાંદી અને પથ્થરની બનાવી તેના પર નાર્મદ લિંગને મૂકી તેની પૂજા કરવાથી ઐહિક સુખ અને મોક્ષ બંને ફળ મળે છે. જ્યારે પાષાણ અર્થાત્ પથ્થરના લિંગને સંસ્કાર કરવા પડે છે. સુવર્ણ અને ચાંદીના બનેલા લિંગને ત્રણ દિવસ દૂધમાં રાખી ત્ર્યંબક મંત્ર બોલીને સ્નાન કરાવી પછી તેની ષોડશોપચાર પૂજા કરાય છે. એ પછી ગંગાજળમાં ત્રણ દિવસ રાખી વેદોક્ત વિધિથી લિંગના સંસ્કાર કરાય છે. તે પછી તેનું નિત્ય પૂજન કરવામાં આવે છે. લિંગ સારાં લક્ષણોવાળું હોવું જરૂરી છે, નહિ તો તે હાનિ કરે છે. પાર્થિવ લિંગ બનાવવું હોય તો બ્રાહ્મણે સફેદ માટીનું, ક્ષત્રિયે લાલ માટીનું, વૈશ્યે પીળી માટીનું અને શૂદ્રે કાળી માટીનું બનાવવાથી તેનું શુભ ફળ મળે છે.
શિવલિંગ અનેકાનેક દ્રવ્યોથી બનાવી શકાય છે અને દરેકનું ફળ પણ ચોક્કસ હોય છે. સ્વયંભૂ લિંગ પાપનાશ કરી મોક્ષનું ફળ આપે છે. શૈલજ લિંગ ભુક્તિ અને મુક્તિ આપે છે. પાર્થિવ લિંગ ભુક્તિ અને અંતે મોક્ષ આપે છે. દારુજ એટલે લાકડાંનું લિંગ પણ મોક્ષ આપે છે. સોનાનું લિંગ લક્ષ્મી અને રાજ્ય આપે છે. તાંબાનું લિંગ પુત્રપ્રાપ્તિનું ફળ આપે છે. પારાનું લિંગ મોટી સમૃદ્ધિ આપે છે. મોતીનું લિંગ સૌભાગ્ય આપે છે. ચંદ્રકાન્ત મણિનું લિંગ મૃત્યુ દૂર રાખે છે. હીરા વગેરે મણિઓનું લિંગ બધી કામનાઓ પૂરી કરે છે. સુગંધિત દ્રવ્યોનું લિંગ સૌભાગ્ય આપે છે. ફૂલોનું લિંગ મોક્ષ આપે છે. રેતીનું લિંગ વિવિધ ગુણો આપે છે. મીઠાનું લિંગ સૌભાગ્ય આપે છે. ધૂળનું લિંગ ઉત્તમ ગતિ આપે છે. ઝીલેલા છાણનું લિંગ લક્ષ્મી આપે છે. જવનું લિંગ લક્ષ્મી, ઘઉંનું લિંગ પુષ્ટિ અને ચોખાનું લિંગ પુત્ર આપે છે. સાકરનું લિંગ આરોગ્ય આપે છે. હરતાળ, સૂંઠ, મરી અને પીપરનું લિંગ વશીકરણ કરનારું છે. ગાયના ઘીનું લિંગ બુદ્ધિ આપે છે. તલના કચરિયાનું લિંગ કામના પૂરી કરે છે. ફોતરાનું લિંગ મારણ કરવાનું ફળ આપે છે. ભસ્મનું લિંગ બધાં ફળ આપે છે. ગોળનું લિંગ ખુશી વધારે છે. વાંસના અંકુરનું લિંગ વંશ વધારે છે. કેશ અને અસ્થિનું લિંગ શત્રુઓનો નાશ કરે છે. પીસેલા લોટનું લિંગ સ્થંભન અને મારણનું ફળ આપે છે. વૃક્ષને પીસીને બનાવેલું લિંગ ગરીબી આપે છે. દહીં અને દૂધનું લિંગ કીર્તિ, લક્ષ્મી અને સુખ આપે છે. અનાજનું લિંગ અનાજ આપે છે. ફળનું લિંગ ફળો આપે છે. આંબળાનું લિંગ મોક્ષ આપે છે. માખણનું લિંગ કીર્તિ અને સૌભાગ્ય આપે છે. ધરોનું લિંગ અપમૃત્યુ દૂર કરે છે. કપૂરનું લિંગ ભુક્તિ અને મુક્તિ આપે છે. લોહચુંબકનું લિંગ સામાન્ય સિદ્ધિ આપે છે. હીરાનું લિંગ શત્રુનાશ કરે છે. નીલમણિનું લિંગ પુષ્ટિ આપે છે. સૂર્યકાંત મણિનું લિંગ કુળને વધારે છે. સ્ફટિકનું લિંગ બધી કામનાઓ પૂરી કરે છે. વૈદૂર્ય મણિનું લિંગ શત્રુને ભગાડે છે. ચાંદીનું લિંગ પુષ્ટિ અને પિતૃઓને મુક્તિ આપે છે. પિત્તળનું લિંગ ભુક્તિ અને સામાન્ય મુક્તિ આપે છે. સીસું અને લોખંડનું લિંગ શત્રુનાશ કરે છે. મિશ્ર આઠ ધાતુઓનું લિંગ બધી સિદ્ધિ આપે છે. કાંસાનું લિંગ કીર્તિ આપે છે. કસ્તૂરીનું લિંગ ધન આપે છે. ગોરોચનનું લિંગ સરસ રૂપ આપે છે. કંકુનું લિંગ કાંતિ આપે છે. સફેદ અગરુનું લિંગ પુષ્કળ બુદ્ધિ આપે છે. કાળા અગરુનું લિંગ યાદશક્તિ આપે છે. માટીના લિંગ કરતાં પથ્થરના લિંગની પૂજા બમણું અને સોનાના અને ચાંદીના લિંગની પૂજા ચારગણું ફળ આપે છે. લાખનું લિંગ રોગ આપે છે. મરકત મણિનું લિંગ બધી સિદ્ધિ આપે છે. પારાનું લિંગ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ ત્રણે દેવોને ધારણ કરતું હોવાથી તેની પૂજા કરનાર જાતે જ શિવરૂપ બની જાય છે. આ પારાનું લિંગ બનાવતી વખતે આવતાં વિઘ્નો દૂર કરવા માટે શાંતિપાઠ અને સ્વસ્તિવાચન કરવું પડે છે. પારો શિવનું બીજ કે વીર્ય હોવાથી તેના પર આઘાત ન કરવો જોઈએ. આઘાત કરવાથી ધન નાશ પામે છે અને મનુષ્ય રોગી બની મૃત્યુ પામે છે. માટે પારાનું શિવલિંગ બનાવતી વખતે કાળજી રાખવી પડે છે. એ પછી તે લિંગ એની પૂજા કરનારને મોક્ષનું શુભ ફળ આપે છે. બધી જ જાતનાં લિંગ તેની નિત્ય પૂજા કરનારને જ ફળ આપે છે. આથી લિંગપૂજા એ ખરી મહત્વની છે. પ્રત્યેક લિંગ સુલક્ષણ ધરાવતું હોય એ જરૂરી છે, સુલક્ષણ ના હોય તેવું લિંગ ગૃહસ્થ માણસને માટે નકામું છે.
શિવલિંગની પૂજા વેદમાં નથી. વેદમાં ‘શિશ્નદેવ’ એવો શબ્દ વાપરવામાં આવ્યો છે તે લિંગપૂજા કરનાર અનાર્ય લોકો માટે પ્રયોજાયો છે. વેદમાં રુદ્રપૂજાનો ઉલ્લેખ છે. યજુર્વેદમાં રુદ્રના આઠ અધ્યાયો છે. એટલે વેદકાળના આર્યો રુદ્રપૂજા કરતા હતા. આર્યો પંજાબના પ્રદેશમાં આવ્યા ત્યારે ત્યાં રહેનારા અનાર્યો લિંગપૂજા કે શિશ્નપૂજા કરતા હતા. અથર્વવેદના સમય સુધી આ સ્થિતિ રહી. એ પછી આર્યો ઉત્તર ભારતમાં પૂર્વના પ્રદેશોમાં ગંગાના મુખપ્રદેશ તરફ આગળ વધ્યા અને અંગદેશમાં પ્રવેશ્યા ત્યારે આર્યોની રુદ્રપૂજા અને અનાર્યોની લિંગપૂજા બંને એક થઈ અને લિંગપૂજા આર્યોએ પણ આરંભી. એટલે લિંગોપનિષદમાં શિવલિંગ અને લિંગપૂજાનું માહાત્મ્ય વર્ણવવામાં આવ્યું છે.
લિંગપૂજામાં લિંગનો સંસ્કાર જરૂરી હોય તો તે કરીને એ પછી નિત્ય તેની ષોડશોપચાર પૂજા થાય છે. તેમાં માનસપૂજા પણ જ્ઞાની મનુષ્યો કરે છે. સામાન્ય મનુષ્ય પ્રત્યક્ષ દર્શનની પૂજા જ કરવા લાયક હોય છે. લિંગપૂજાનો અધિકાર બધા જ વર્ણના લોકોને છે. કુંવારી ન હોય તેવી સ્ત્રીઓ અને શૂદ્ર તથા ઉપનયન ન કરનાર ત્રણેય વર્ણના પુરુષોએ શિવલિંગનો સ્પર્શ ન કરવો, પરંતુ પૂજા કરવી એમ ધર્મશાસ્ત્રમાં કહ્યું છે. વસ્ત્રથી ગાળેલા પાણી વડે શિવલિંગને સ્નાન કરાવવાથી લાખ અશ્વમેધ યજ્ઞો જેટલું પુણ્ય પ્રાપ્ત થાય છે. સુગંધી ચંદન લિંગને લગાવવાથી ભક્તને સ્વર્ગ પ્રાપ્ત થાય અને ત્યાં અપ્સરાઓ તેને સુગંધી દ્રવ્યોનો લેપ કરે છે. લિંગપૂજા ન કરે તેને ઘણું નુકસાન થાય છે. બધાં દાન, વિવિધ વ્રતો, તીર્થો, નિયમો અને યજ્ઞોનું ફળ ફક્ત લિંગની આરાધના આપે છે. લિંગપૂજા કરવાથી મુશ્કેલી દૂર થઈ ભુક્તિ અને મુક્તિ મળે છે. આથી બીજું બધું બાજુએ મૂકી એકમાત્ર લિંગપૂજા કરવી જોઈએ. સકળ જગત ફક્ત લિંગપૂજાને આધારે જ ટકી રહ્યું છે એમ તંત્રશાસ્ત્ર માને છે. તંત્રશાસ્ત્ર મુજબ લિંગપૂજાનું પુણ્ય હજારો અશ્વમેધ યજ્ઞો અને સેંકડો વાજપેય યજ્ઞોના પુણ્ય કરતાં 16 ગણું વધારે છે. લિંગપૂજા વડે ધર્મ, અર્થ, કામ અને મોક્ષના માલિક બનાય છે. લિંગપૂજા વડે આઠ ઐશ્વર્ય પ્રાપ્ત થાય છે. લિંગપૂજાથી બધા દેવોની પૂજા થઈ જાય છે એમ લિંગપુરાણ કહે છે. ગંગાજળ, સત્સંગ, કાશીનિવાસ એ ત્રણની સાથે શિવલિંગપૂજા એ અસાર સંસારનો ચોથો સાર ગણાવાયો છે. અન્ય મનુષ્યની હિંસા કરનારો જો લિંગપૂજા કરે તો પાપમાંથી મુક્ત થાય છે. વેદો, યજ્ઞો અને અગ્નિહોત્રનું પુણ્ય લિંગપૂજાના કરોડમા ભાગ જેટલું પણ નથી. અનેક યોનિઓમાં ભમતા જીવને લિંગપૂજાથી મોક્ષ મળે છે. શક્તિ, વિષ્ણુ, સૂર્ય, ગણપતિ વગેરેની ઉપાસના કરનારો લિંગપૂજા વગર મોક્ષ પામી શકતો નથી. લિંગપૂજા કર્યા વિના અન્ય દેવોની પૂજા કરનાર કલિયુગમાં પાપી બને છે. એની અન્ય દેવની પૂજા નિષ્ફળ જઈ તે નરકમાં પડે છે. લિંગપૂજા ન કરનાર બ્રાહ્મણ, ક્ષત્રિય અને વૈશ્ય ચાંડાળ બને છે અને શૂદ્ર ભુંડ બને છે. બિલ્વપત્ર એ લિંગપૂજાનું શ્રેષ્ઠ સાધન છે. ધર્મશાસ્ત્ર જણાવે છે કે કારતક સુદ 14ને દિવસે ચોખા મૂકી લિંગ તેના પર સ્થાપી ષોડશોપચાર લિંગપૂજા કરવાથી શિવલોક પ્રાપ્ત થાય છે. વળી જો કારતક સુદ 13 શનિવારવાળી હોય તો પ્રદોષે શિવનામનો જપ કરી લિંગપૂજા ષોડશોપચારથી કરનારની કામના પૂરી થાય છે.
છેલ્લે, ઉત્તર ભારતમાં કુશાન સમ્રાટ હુવિષ્કની સોનામહોર ઉપર ઊર્ધ્વલિંગ શિવમૂર્તિની છાપ છે. તક્ષશિલા અને ઉજ્જૈનમાંથી પણ શિવલિંગની છાપવાળી મહોરો મળે છે, જે લિંગપૂજાનો પ્રભાવ અને પ્રસાર સિદ્ધ કરે છે. મોહેં-જો-ડરો અને હરપ્પાની સંસ્કૃતિમાં પથ્થરનાં શિવલિંગો મળે છે. તેમાં લિંગ અને વેદી કે યોનિ બંનેની પથ્થરની મૂર્તિ અલગ મળે છે. તે બતાવે છે કે તે સમયે લિંગ અને વેદી કે યોનિની અલગ અલગ પૂજા થતી હશે. સિંધુ સંસ્કૃતિમાં રૂઢ થયેલી આ લિંગપૂજા વૈદિક આર્યોને પહેલાં પસંદ ન હતી; પરંતુ પાછળથી તેમને તે માન્ય બની. દક્ષિણ ભારતમાં વીરશૈવ ધર્મના અનુયાયી એવા લિંગાયત સંપ્રદાયના લોકો પ્રાણલિંગને જીવશક્તિ અને ભાવલિંગને પરબ્રહ્મ માની તેમનું ધ્યાન ધરે છે. આ સંપ્રદાયના લોકો પોતાના શરીર પર લિંગ પહેરે છે. લિંગની સેવા અને આરાધના કરે છે કે જે લિંગપૂજાનું ચરમ સોપાન છે.
પ્ર. ઉ. શાસ્ત્રી