લિંગ-દ્વિરૂપતા : સજીવની એક જ જાતિના નર અને માદા વચ્ચે રંગ, આકાર, કદ અને રચનામાં જોવા મળતા તફાવતો. આ તફાવતો જનીનિક દ્રવ્યમાં રહેલી એક અથવા બીજી લિંગી ભાત (sexual pattern) આનુવંશિક બનતાં ઉત્પન્ન થાય છે. આ તફાવતો ઘણા મોટા હોઈ શકે; દા.ત., લિંગી પસંદગી (sexual selection) માટેના અનુકૂલન (adaptation) સ્વરૂપે નર મોરમાં શૃંગારિત પીંછાં અને આકર્ષક સુંદર રંગ જોવા મળે છે અથવા રક્ષણ માટે નર બબૂનમાં મોટા કદના રાક્ષી દાંત હોય છે. ઘણાં પક્ષીઓમાં રંગમાં દ્વિરૂપતા જોવા મળે છે. માદા પક્ષીઓ માળામાં છુપાઈને રહી શકે તેવો રંગ ધરાવે છે, જ્યારે નર પક્ષીઓ વધારે સુંદર રંગ ધરાવે છે અને પ્રેમયાચના (courtship) અને પ્રાદેશિક (territorial) વર્તણૂક દરમિયાન તેનું નિદર્શન કરે છે. નર દેડકાનો રંગ પ્રજનન ઋતુ દરમિયાન ચકચકિત લીંબુ જેવો પીળો હોય છે, જેમાં લીલા રંગનાં ટપકાં જોવા મળે છે; જ્યારે માદાનો રંગ ભૂખરો બદામી હોય છે અને તેમાં ઘેરા રંગનાં ટપકાં હોય છે. નર દેડકો માદાને આકર્ષવા અને પ્રજનન-સ્થળનો સંકેત આપવા નીચલા જડબાની નીચલી સપાટીએ બંને બાજુએ સ્વરકોથળીઓ ધરાવે છે, જેથી તેનો અવાજ અનેકગણો મોટો બને છે. નર દેડકાના અગ્ર ઉપાંગની અંદરની બાજુની આંગળીના તલભાગે મૈથુન ગાદી (nuptial pad) હોય છે, જેથી નર દેડકો માદાને સમાગમ દરમિયાન જકડી રાખી શકે છે. માદા દેડકામાં સ્વરકોથળીઓ કે મૈથુનગાદી હોતી નથી. કાંટાળી ગરોળી (sceloporus jarrovi) આહારની ટેવની દૃષ્ટિએ લિંગ-દ્વિરૂપતા દર્શાવે છે. આ ગરોળીના સમાન કદનાં નર અને માદા જુદાં જુદાં કદનો ભક્ષ્ય શોધે છે. સસ્તનોની બહુ ઓછી જાતિઓમાં નર કરતાં માદાનું કદ મોટું હોય છે. સસ્તન સિવાયનાં પૃષ્ઠવંશીઓ (vertebrates) અને ઘણાં અપૃષ્ઠવંશીઓ(invertebrates)માં આ સ્થિતિ જોવા મળે છે.

મનુષ્યમાં પુરુષ કદાવર હોય છે અને તે ઘેરો અવાજ અને દાઢી-મૂછ ધરાવે છે. તેની સ્તન-ગ્રંથિ અવિકસિત હોય છે. સ્ત્રીનું કદ નાનું અને અવાજ તીણો હોય છે. તેને દાઢી-મૂછ હોતાં નથી અને સ્તનગ્રંથિ વિકસિત હોય છે.

બળદેવભાઈ પટેલ