લિંગવિભેદન (sex differentiation) : તટસ્થ (neutral) ભ્રૂણીય રચનાઓમાંથી નર અને માદા પ્રજનનાંગોની વિકાસની પ્રક્રિયા. કોઈ પણ જાતિ(sex)નો સામાન્ય માનવ-ભ્રૂણ જનીનિક અને અંતસ્રાવી અસર હેઠળ નર કે માદા પ્રજનનાંગોનો વિકાસ કરવાની ક્ષમતા ધરાવે છે. આરંભમાં ‘Y’ રંગસૂત્ર ઉપર રહેલા જનીનિક સંકેતો દ્વારા અને પછીથી શુક્રપિંડોમાં ઉદભવતા નર અંત:સ્રાવો નર પ્રજનનતંત્રના વિકાસ માટે જરૂરી છે. આ અંત:સ્રાવોની ગેરહાજરીમાં વ્યક્તિગત જનીનિક બંધારણને ગણતરીમાં લીધા સિવાય માદા પ્રજનનાંગોનો વિકાસ થાય છે.
ભ્રૂણમાં બે પૂર્વગ(precursor)-પ્રજનનાંગો હોય છે; વૉલ્ફિયન નલિકા નર પ્રજનનાંગોનો અને મુલેરિયન નલિકા માદા પ્રજનનાંગોનો સ્રોત છે. નર અંત:સ્રાવો ભ્રૂણવિકાસના આઠમા અઠવાડિયાની શરૂઆતમાં નર ભ્રૂણમાં મુલેરિયન નલિકાનો વિકાસ અટકાવે છે અને વૉલ્ફિયન નલિકા ઝડપથી વિકાસ ચાલુ રાખે છે અને થોડાક જ સમયમાં શુક્રપિંડો જોવા મળે છે. માદામાં વૉલ્ફિયન નલિકા દીર્ઘસ્થાયી હોય છે, પરંતુ નર અંત:સ્રાવોની ગેરહાજરીમાં તેનો વિકાસ થતો નથી; અને પૂર્વગ મુલેરિયન નલિકામાંથી માદા પ્રજનનાંગોનો વિકાસ ચાલુ રહે છે. ભ્રૂણવિકાસ દરમિયાન, નર કરતાં માદામાં પ્રજનનાંગોનો વિકાસ ધીમો હોય છે, તેથી ગર્ભધારણના 12મા અઠવાડિયે અંડપિંડો જોવા મળે છે.
બળદેવભાઈ પટેલ