લિંગરાજનું મંદિર ભુવનેશ્વર (ઓરિસા)

January, 2004

લિંગરાજનું મંદિર, ભુવનેશ્વર (ઓરિસા) : ઓરિસામાં દસમી સદી પછી બંધાયેલું લિંગરાજનું મંદિર. ત્યાંનાં મંદિરોમાં તે મહત્વનું છે.

લિંગરાજ મંદિર, ભુવનેશ્વર

156 મી. 139.5 મી. વિસ્તાર ધરાવતા ચોકની વચ્ચે તે આવેલું છે. શરૂઆતમાં આ મંદિરમાં દેઉલ (ગર્ભગૃહ) અને જગમોહન(મંડપ)ના જ ભાગો હતા. પાછળથી તેમાં નટમંડપ અને ભોગમંડપ ઉમેરવામાં આવ્યા. ગર્ભગૃહ ઉપરનું શિખર 48 મી. ઊંચું છે. 15 મી. સુધી શિખર-લંબ છે. તે પછી વળાંક લઈને અંદરની તરફ વળે છે. આ વળાંક શિખરના કંઠ અને તેની પરના આમલકને જઈને મળે છે. શિખર પરની ઊભી રેખાઓને લીધે તેનો બહારનો ભાગ દર્શનીય બન્યો છે. પરિપૂર્ણ રચના, અંગ-ઉપાંગોની સપ્રમાણતા અને આકર્ષક શિલ્પોને કારણે તે ભારતના મંદિર-સ્થાપત્યમાં સીમાચિહનરૂપ છે.

થોમસ પરમાર