લિંગપ્પા, કલ્લેનાહલ્લી રંગપ્પા

January, 2004

લિંગપ્પા, કલ્લેનાહલ્લી રંગપ્પા (જ. 8 જૂન 1922, કલ્લેના હલ્લી, જિ. ચિક્મગલુર; કર્ણાટક) : કન્નડ લોકવાર્તાકાર. તેમણે મૈસૂર યુનિવર્સિટીમાંથી બી.એ. અને મુંબઈ યુનિવર્સિટીમાંથી એલએલ.બી.ની  પદવી મેળવી. પછી તેઓ વકીલાતના વ્યવસાયમાં જોડાયા. તેઓ મૈસૂર અને બૅંગ્લોર યુનિવર્સિટીના સેનેટ-સભ્ય; જનપદ અકાદમી અને રાજ્યસાહિત્ય અકાદમીની રાજ્ય સમિતિના સભ્ય તેમજ જનપદ સાહિત્ય કલા સંઘના સ્થાપક-પ્રમુખ રહ્યા.

તેમણે કન્નડમાં 2 ગ્રંથો આપ્યા છે. તેમાં ‘મહાનવમી પદગલુ’ તેમનો ઉલ્લેખનીય લોકવાર્તાસંગ્રહ છે. આ ઉપરાંત તેમણે સંખ્યાબંધ લોકગીતો અંગેની કૃતિઓનું સંપાદન સંભાળ્યું.

આ માટે તેમને કર્ણાટક સાહિત્ય અકાદમી અને જનપદ અકાદમી ઍવૉર્ડ આપવામાં આવ્યા હતા. વળી તેમને ‘જનપદ કોગિલે’, ‘જનપદ જાદુગર’ અને ‘જનપદ ભાસ્કર’ના ખિતાબથી પણ સન્માનિત કરવામાં આવ્યા હતા.

બળદેવભાઈ કનીજિયા