લા પાઝ : બોલિવિયાનું રાજકીય પાટનગર તથા સૌથી મોટું શહેર. તે ટીટીકાકા સરોવરથી આશરે 68 કિમી. અગ્નિખૂણે લગભગ 16° 20´ દ. અક્ષાંશવૃત્ત તથા 68° 10´ પ. રેખાંશવૃત્ત પર આવેલું છે. ઈ. સ. 1548માં કપ્તાન ઍલોન્સો દ મેન્ડોઝા (Alanso de Mendoza) દ્વારા તેની સ્થાપના થઈ હતી. લા પાઝ, ઍન્ડિઝ ગિરિમાળા સંલગ્ન બોલિવિયાના ઉચ્ચપ્રદેશ પર સમુદ્રસપાટીથી લગભગ 3,250થી 4,100 મી.ની ઊંચાઈ વચ્ચે વસેલું છે, જેથી તે વિશ્વમાં સૌથી વધુ ઊંચાઈએ આવેલા પાટનગર તરીકેની ખ્યાતિ ધરાવે છે. તે ઉચ્ચ પ્રદેશમાં આશરે 457 મી. નીચે લા પાઝ નદી અથવા ચોક્વેયાપુ નદીની ખીણમાં આવેલી એક સીધા ઢોળાવવાળી ટેકરી પર મર્યાદિત જગ્યા પર વસેલું હોવાથી કદમાં નાનું તથા સુબદ્ધ આકારવાળું નગર બની શક્યું છે.
આ નગરમાં વિવિધ વસવાટ-વિભાગો જોઈ શકાય છે. તેના વધુ ઊંચાઈવાળા વિભાગમાં ઇન્ડિયનોનાં રહેઠાણો, તેનાથી નીચા એટલે કે મધ્ય વિભાગમાં વહીવટી તથા વ્યાપાર-ધંધાને લગતાં સંકુલો અને છેક નીચેના વિભાગમાં શહેરી જનોના વસવાટી વિસ્તારો આવેલા છે. સંસ્થાનકાળની થોડીક જૂની ઇમારતોને બાદ કરતાં બાકીનું બધું જ બાંધકામ આધુનિક શૈલીનું છે. તે માત્ર દેશનું વહીવટી મથક જ નહિ, પણ એક અગત્યનું વ્યાપારિક, સાંસ્કૃતિક તથા શૈક્ષણિક કેન્દ્ર પણ છે. અહીં કેથીડ્રલ, શૈક્ષણિક સંસ્થાઓ, સરકારી કચેરીઓ, ધારાસભ્યોના નિવાસો વગેરે આવેલાં છે. આ નગરમાં ખાસ કરીને ખાદ્યપ્રક્રમણ તેમજ વપરાશી માલનું ઉત્પાદન કરતા ઉદ્યોગોનું પ્રમાણ વિશેષ છે. આ નગરની વસ્તી લગભગ 83,28,700 (2000) જેટલી છે. તે હવાઈ મથક ધરાવે છે. વળી રેલ તથા સડકમાર્ગે દેશના અન્ય ભાગોને તે સાંકળે છે. સુક્રે (sucre) એ બોલિવિયાનું પાટનગર (legal capital) છે.
બીજલ પરમાર