લાકલન (Lachlan) : ઑસ્ટ્રેલિયાના ન્યૂ સાઉથ વેલ્સના મધ્ય-પશ્ચિમ ભાગમાં આવેલી નદી. તે ગ્રેટ ડિવાઇડિંગ રેઇન્જમાંના ક્યુલેરિન નજીકથી નીકળે છે અને આશરે 2,400 કિમી.ની લંબાઈમાં વહી મરુમ્બિગી નદીને મળે છે. મરુમ્બિગીની તે મુખ્ય સહાયક નદી છે. ગુનિંગથી તે 13 કિમી. પૂર્વ તરફ તથા કોવરાથી 48 કિમી. ઉત્તર તરફ આવેલી છે. પાંચ જેટલી બીજી સહાયક નદીઓ લાકલનને મળે છે. તેનો કુલ થાળાવિસ્તાર 84,690 ચોકિમી. જેટલો છે.

આ નદી પર કોવરા નજીક વ્યાંગલા બંધ બાંધવામાં આવેલો છે. તેની ઊંચાઈ 85 મીટર છે અને તેની પાછળના જળાશયની જળસંગ્રહક્ષમતા 122 કરોડ ઘનમીટર જેટલી છે. જળાશયનાં પાણીનો ઉપયોગ પીવા માટે તથા સિંચાઈ માટે કરવામાં આવે છે. 1961 અને 1969માં બંધની ઊંચાઈ વધારીને તેની ક્ષમતા વધારવામાં આવી છે.

1815માં જ્યૉર્જ વિલિયમ ઇવાન્સે આ નદીની ખોજ કરેલી. ન્યૂ સાઉથ વેલ્સના 1810–21ના ગાળા માટે રહેલા ગવર્નર લાકલન માક્વેરીના માનમાં તેને ‘લાકલન’ નામ અપાયેલું છે.

નદીખીણ-વિસ્તારમાં ઉપરવાસમાં ઘઉંની ખેતી અને ઘેટાંઉછેર થાય છે. હેઠવાસમાં કાંપના સમતળ મેદાની ભાગમાં સિંચાઈ દ્વારા શાકભાજીની ખેતી થાય છે. ફૉર્બિસથી હિલ્સનના વિસ્તારમાં ઘઉં અને ઊન તથા હિલ્સનથી હેઠવાસમાં માત્ર ઊનની પેદાશ લેવાય છે.

ગિરીશભાઈ પંડ્યા