લાહિરી, બપ્પી (જ. 27 નવેમ્બર 1952, પં. બંગાળ અ. 15 ફેબ્રુઆરી 2022, મુંબઈ) : ‘તું મેરી મંઝિલ’થી ‘રંભા હો’ સુધીની સફર ખેડનાર ડિસ્કોકિંગ.

બપ્પી લાહિરી
એક ઘરેડથી અલગ, કંઈક અલગ જ મિજાજનું સંગીત પીરસનાર સંગીતકાર એટલે બપ્પી લાહિરી. આમ તો એમનું મૂળ નામ આલોકેશ. જલપાઈગુરી, પશ્ચિમ બંગાળમાં જન્મેલ આલોકેશ, તેમનાં માતા-પિતા અપરેષ લાહિરી અને બાંસુરી લાહિરીનું એકમાત્ર સંતાન હતા. માતા-પિતા બંને શાસ્ત્રીય સંગીતનાં ગાયકો હોવાથી સંગીત તો આલોકેશનાં લોહીમાં જ હતું. વળી, તેમના કુટુંબમાં એમના મામા એટલે લોકલાડીલા ગાયક કિશોરકુમાર. આલોકેશે ફક્ત ત્રણ વર્ષની ઉંમરે તબલાં વગાડવાનું શરૂ કર્યું. શરૂઆતની સંગીતની તાલીમ માતા-પિતા પાસેથી મેળવી. હિંદી ફિલ્મમાં સંગીતકાર બનવાનું સ્વપ્ન તેમને 19 વર્ષની વયે મુંબઈ ખેંચી લાવ્યું. લતા મંગેશકરની સલાહથી તેમણે સામતાપ્રસાદ પાસેથી તબલાંની તાલીમ લીધી હતી. આમ તો, એમણે 1972માં બંગાળી ફિલ્મ ‘દાદુ’ની જવાબદારી સંભાળેલી, પણ મુંબઈ આવ્યા પછી કિશોરકુમારના ભત્રીજા શોમુ મુખર્જીની ‘નન્હા શિકારી’ ફિલ્મનાં સંગીતની જવાબદારી લીધી. બાળપણમાં તેમનું હુલામણું નામ મીરાં લાહિરીએ ‘બપી’ પાડ્યું હતું, જે પાછળથી 1973માં આલોકેશે વ્યાવસાયિક ધોરણે ‘બપ્પી’ કર્યું અને ‘બપ્પી લાહિરી’ તરીકે ઓળખાયા. ‘નન્હા શિકારી’નાં ગીતોએ તાહિર હુસેનને ખૂબ પ્રભાવિત કર્યાં. ‘જખ્મી’ ફિલ્મથી બપ્પીની પ્રતિભાને તેમણે નવો વળાંક આપ્યો. કિશોરવયથી તેમને પશ્ચિમી સંગીતકાર એલ્વીસ પ્રિસલીનું આકર્ષણ હતું. આ આકર્ષણે જ બપ્પીના દેખાવને એક અલગ જ રૂપ આપ્યું. તેઓ હંમેશાં સોનાનાં જરઝવેરાત પહેરતા. તેમને પોતાની આગવી ઓળખ બનાવવાનો શોખ હતો. જે તેમણે પોતાના અલગ દેખાવથી પોતાને મળેલી સફળતા બાદ ઊભો કર્યો. 1976માં ‘ચલતે ચલતે’ ફિલ્મનાં બધાં જ ગીતો સુપરહિટ જતાં તેમને સંગીતકાર તરીકે ભારતમાં ખાસ ઓળખ મળી. શ્રી સુલક્ષણા પંડિત સાથે ગાયેલ ‘જાના કહાં હૈ’ ગીતે તેમને એક અચ્છા ગાયક તરીકે સ્થાપ્યા. 1983થી 1985ના ગાળામાં (મુખ્ય નાયક જિતેન્દ્ર) તેમણે 12 સુપરહિટ સિલ્વર જ્યૂબિલી ફિલ્મોમાં સંગીતનિયોજન કરીને રેકૉર્ડ બનાવ્યો. 1986માં 33 ફિલ્મોમાં 180થી પણ વધુ ગીતો રેકૉર્ડ કરીને તેમણે ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકૉર્ડમાં સ્થાન મેળવ્યું. માત્ર ગીતો જ નહીં, ‘એતબાર’ ફિલ્મની ગઝલ ‘કિસી નજરકો તેરા ઇંતજાર’ ખૂબ વખણાઈ. 1980થી 1990ના દસકામાં બપ્પી લાહિરી ડિસ્કોકિંગ તરીકે જાણીતા થયા. 1979માં જ્યારે પહેલી વાર બપ્પીએ શિકાગોની નાઇટ ક્લબમાં સાંભળેલ ‘સેટરડે નાઇટ’માંથી ડિસ્કો સંગીતની પ્રેરણા લીધેલી, ત્યારે તેમને ખુદને પણ બિલકુલ અંદાજ ન હતો કે આ પ્રેરણા તેમને હરિ ઓમ હરિ, રંભા હો, જવાની જાનેમન જેવાં કર્ણપ્રિય ડિસ્કોગીતો આપવા સુધી ખેંચી જશે. આ ડિસ્કોકિંગ ને ‘લાઇફટાઇમ અચીવમેન્ટ ઍવૉર્ડ તથા મિરચી મ્યુઝિક ઍવૉર્ડથી સન્માનિત કરવામાં આવેલ. ‘શરાબી’ ફિલ્મ માટે શ્રેષ્ઠ સંગીતકારનો ફિલ્મફેર ઍવૉર્ડ મળ્યો હતો.
બીજલ બુટાલા