લાહિરી, ઝુમ્પા (જ. 1967, લંડન; અ. 10 એપ્રિલ 2000, લંડન) : 40 વર્ષથી ઓછી વયની 20 અમેરિકન સર્વશ્રેષ્ઠ લેખિકાઓ પૈકીનાં એક. તેમણે બોસ્ટન યુનિવર્સિટીમાંથી અંગ્રેજી સાથે એમ.એ.ની ડિગ્રી મેળવી. મૂળ બંગાળી માતા-પિતાનાં પુત્રી. તેમનો ઉછેર રહોડ આયર્લૅન્ડમાં થયો. તેમના પિતા ગ્રંથપાલ અને માતા શિક્ષિકા હતાં. તેમણે એ જ યુનિવર્સિટીમાંથી સર્જનાત્મક લખાણમાં અને તે પછી કમ્પેરેટિવ લિટરેચર ઍન્ડ ધી આર્ટ્સમાં એમ.એ.ની પદવીઓ પ્રાપ્ત કરી. તે ઉપરાંત તેમણે ‘રેનેસાં’ (પુનરુજ્જીવન) વિષય સાથે પીએચ.ડી.ની ડિગ્રી પણ મેળવી.

તેઓ તેમના પ્રથમ વાર્તાસંગ્રહ ‘ધી ઇન્ટરપ્રિટર ઑવ્ મેલડિઝ : સ્ટૉરિઝ ફ્રૉમ બૉસ્ટન, બંગાલ ઍન્ડ બિયૉન્ડ’થી ન્યૂયૉર્કના મેનહટન વિસ્તારમાં ખૂબ પ્રસિદ્ધિ પામ્યાં. તેમનો એ સંગ્રહ ફક્ત 198 પાનાંનો 9 વાર્તાઓનો છે. તેમની ‘ઇન્ટરપ્રિટર ઑવ્ મેલડિઝ’ શીર્ષક હેઠળની પ્રથમ વાર્તાને ઓ’ હેન્રી તથા શ્રેષ્ઠ અમેરિકન વાર્તાનાં પારિતોષિકો મળ્યાં છે. આ વાર્તાસંગ્રહની 14મી આવૃત્તિ પ્રગટ થઈ છે; જેની 2,00,000 નકલો માત્ર અમેરિકામાં ચપોચપ વેચાઈ ગઈ હતી. તેને ‘ધ ન્યૂયૉર્કર’ તરફથી કેટલાંક ઇનામો અને પેન-હેમિંગ્વે ઍવૉર્ડ પણ પ્રાપ્ત થયા છે. તેમના આ પ્રથમ વાર્તાસંગ્રહ બદલ કોલંબિયા યુનિવર્સિટી ખાતે પુલિત્ઝર પ્રાઇમ બૉર્ડે 84મા વાર્ષિક પ્રતિષ્ઠાજનક પુલિત્ઝર પુરસ્કારની જાહેરાત કરી. આમ તેઓ માત્ર ભારતીય કુળની જ નહિ પણ દક્ષિણ એશિયાની પ્રથમ પુલિત્ઝર પારિતોષિકવિજેત્રી બન્યાં.

ઝુમ્પા લાહિરી

તેમની વાર્તાઓમાં મુખ્ય વિષય ‘લગ્ન’ રહ્યો છે. વડીલો દ્વારા ગોઠવાતાં કેટલાંક લગ્નો, કલ્પનાતીત ઉતાવળે ગોઠવાતાં લગ્નો, એકમેકથી છેતરાવાનું બનતું હોય એવાં લગ્નો અને કેટલાંક ઊબકી ગયેલાં લગ્નોની ઘટનાઓ તેમણે તેમની વાર્તાઓમાં સુંદર રીતે ગૂંથીને રજૂ કરી છે.

તેઓ અવારનવાર ભારત આવતાં હતાં. તેમની વાર્તાઓનાં અનેક પાત્રો તેમના ભારત અને ભારત બહારનાં અવલોકનમાંથી જન્મ્યાં જણાય છે. તેમાં ઉચ્ચ મધ્યમ વર્ગનાં પાત્રો કે સામાન્ય કક્ષાના નોકર-ચાકરો કે સમાજને છેડે વસતાં પાત્રો પણ છે. તેમનાં આ પાત્રોમાં તેમની પોતાની લાગણીઓનું પ્રતિબિંબ પણ જોવા મળે છે.

‘વ્હેન મિસ્ટર પિરઝાદા કેઇમ ટુ ડાઇન’ વાર્તા આત્મકથનાત્મક નથી પણ તેમના સ્વાનુભવના કારણે લખાયેલી છે. ‘ધ થર્ડ ઍન્ડ ફાઇનલ કૉન્ટિનન્ટ’ તેમના પિતાના ભૂતકાળની વાસ્તવિક જીવન પર આધારિત વાર્તામાં સત્ય પ્રગટ કરતી સર્જક તરીકેની તેમની ઉત્કૃષ્ટ ઉપલબ્ધિની પ્રતીતિ થયા વિના રહેતી નથી. તેમની આ સંગ્રહની વાર્તાઓ પરથી ભારતીયો તેમને ભારતીય અને અમેરિકનો તેમને અમેરિકન ગણે છે, કારણ કે તેમણે અમેરિકામાં જઈ વસેલાં ભારતીયોને ત્યાં જન્મેલાં સંતાનોની બીજી પેઢીની મૂંઝવણોને તેમની વાર્તાઓમાં વાચા આપી છે. તેઓ લોકોની સંવેદનાને વાચા આપનારાં ‘ઇન્ટરપ્રિટર’ ગણાયાં છે.

તેઓ ‘ટાઇમ’ મૅગેઝિનના સહસંપાદક આલ્બર્ટો સાથે ત્રણ દિવસની પરંપરાગત વિધિથી કૉલકાતામાં લગ્નગ્રંથિથી જોડાયાં હતાં. તેઓ પ્રણાલિકા, જાઝ-અમેરિકન હબસીઓના સંગીતમય નૃત્ય, બ્લૂઝ-નિગ્રો મૂળનું વિષાદયુક્ત સંગીત, રૉક ઍન્ડ રોલ, જેમ્સ જૉઇસ, મિડનાઇટ્સ ચિલ્ડ્રન, રવીન્દ્રનાથ ટાગોર, વર્જિનિયા વુલ્ફ, આશાપૂર્ણા દેવી, જેન આયર, ભારતીય શાસ્ત્રીય સંગીત તથા કોલકાતા અને ન્યૂયૉર્કનાં ચાહક રહ્યાં છે.

બળદેવભાઈ કનીજિયા