લાસવેલ, હૅરલ્ડ ડી. (જ. 13 ફેબ્રુઆરી 1902, ડોનેલ્સન, ઇલિનૉઈ, અમેરિકા; અ. 18 ડિસેમ્બર 1978) : રાજકારણ, રાજકીય સત્તા અને વ્યક્તિત્વ વચ્ચેના રાજકીય-મનોવૈજ્ઞાનિક (political psychological) સંબંધોનો અભ્યાસ કરનાર અગ્રણી અમેરિકન રાજ્યશાસ્ત્રી. 1926માં શિકાગો યુનિવર્સિટીમાંથી પીએચ.ડી. થયા તે પૂર્વે આ યુનિવર્સિટીમાંથી તેમણે શૈક્ષણિક કારકિર્દીનો આરંભ કરીને 1924થી 1938 સુધી અધ્યાપનકાર્ય કર્યું હતું. વૉશિંગ્ટન સ્કૂલ ઑવ્ સાઇકાયેટ્રી (1938–39), યેલ યુનિવર્સિટી (1946–71) તથા ટેમ્પલ યુનિવર્સિટીની જૉન લે કૉલેજ ઑવ્ ક્રિમિનલ જસ્ટિસમાં તેમણે અધ્યાપનકાર્ય કર્યું હતું. બીજા વિશ્વયુદ્ધ (1939–45) દરમિયાન લાઇબ્રેરી ઑવ્ કૉંગ્રેસ ખાતે યુદ્ધ-સંવહન (communications) અંગે થતા અભ્યાસોના તે નિયામક રહ્યા હતા. આ અભ્યાસોને સ્પર્શતા અનુભવોમાંથી તેમનો ‘પ્રૉપેગૅન્ડા ટૅકનિક્સ ઇન ધ વર્લ્ડ વૉર’ (1971) ગ્રંથ પ્રકાશન પામ્યો હતો.
સાંપ્રત સમયમાં રાજ્યશાસ્ત્રના અધ્યયન અને સંશોધનમાં જે વિદ્વાનોએ સૌથી મહત્વનો અને શકવર્તી ફાળો આપ્યો છે, તેમાં તેમનું સ્થાન અગ્રિમ પંક્તિમાં છે. રાજ્યશાસ્ત્રમાં સંશોધનમાં, નવી ક્ષિતિજોના ઉઘાડમાં, એ વિષયનાં જુદાં જુદાં ક્ષેત્રોમાં સંશોધન હાથ ધરી શકાય તે સારુ અદ્યતન–સુઘડ પદ્ધતિઓ અને તે માટેનાં નવાં સાધનો અને ઉપકરણોના વિકાસમાં, મનોવૈજ્ઞાનિક, વિશેષ તો સામાજિક-મનોવૈજ્ઞાનિક વિભાવનાઓને રાજ્યશાસ્ત્રના અભ્યાસસંશોધનમાં પ્રયોજવામાં લાસવેલનું પ્રદાન વિશેષ ઉલ્લેખનીય છે.
વર્તનલક્ષી રાજ્યશાસ્ત્રના બૌદ્ધિક પિતા અને અમેરિકાની શિકાગો યુનિવર્સિટીના વિદ્વાન પ્રોફેસર ચાર્લ્સ મેરિયમના એક પ્રતિભાવાન અનુયાયી એવા લાસવેલે રાજ્યશાસ્ત્રના અભ્યાસના પરંપરાગત અભિગમો પડકાર્યા; એટલું જ નહિ, નવાં અભિગમો અને વિભાવનાઓને વિકસાવવામાં મહત્વનું યોગદાન આપ્યું છે.
રાજ્યશાસ્ત્રના અભ્યાસમાં લાસવેલના પ્રદાનનું મૂલ્યાંકન કરવામાં એક મુશ્કેલી એ રહી છે કે તેઓ કોઈ એક વિભાવનાત્મક માળખાને લાંબો સમય વળગી રહેતા નથી. શરૂઆતમાં તેઓ કાર્લ માર્કસના વિચારોથી પ્રભાવિત થયા, પણ પાછળથી તેમણે સિગમન્ડ ફ્રૉઇડના વિચારોથી પ્રભાવિત થઈને ‘સાઇકોપેથૉલૉજી ઍન્ડ પૉલિટિક્સ’(1939, પુનર્મુદ્રણ 1977)માં એક તદ્દન નવા જ વિભાવનાત્મક માળખાનો સ્વીકાર કર્યો. તેમનો આ ગ્રંથ તદ્દન નવો ચીલો પાડતો હતો. થોડાં વર્ષો બાદ ‘સત્તા’ અને ‘રાજકીય અગ્રવર્ગ’ની સંકલ્પનાઓને કેન્દ્રમાં રાખીને ‘પૉલિટિક્સ : હૂ ગેટ્સ, વૉટ, વ્હેન, હાઉ’ (1936) ગ્રંથ લખીને રાજકારણને સમજવાનો નવતર ચીલો પાડ્યો. ‘રાજકારણ એટલે કોણ, શું, ક્યારે અને કેવી રીતે પ્રાપ્ત કરે છે તે પ્રક્રિયા.’ એ રીતે રાજકારણની તદ્દન નવી અને મૌલિક કહી શકાય એવી વ્યાખ્યા આપી. રાજકારણમાં સત્તા અથવા પ્રભાવ પ્રાપ્ત કરવામાં અને તેને દૃઢ કરવામાં રાજકીય અગ્રવર્ગ ‘ભાષા’ અને ‘પ્રતીકો’નો કેવી રીતે ઉપયોગ કરે છે, તેની સુંદર છણાવટ તેમણે ‘લૅંગ્વેજ ઑવ્ પૉલિટિક્સ’ પુસ્તકમાં કરી છે.
લાસવેલ, મહદંશે, રાજ્યશાસ્ત્રને સત્તાના શાસ્ત્ર (સાયન્સ ઑવ્ પાવર) તરીકે ઘટાવે છે અને કોઈ પણ સમાજમાં મૂલ્યવાન ગણાતી બાબતો જેવી કે સલામતી, સંપત્તિ, આદર વગેરેનાં સ્વરૂપ અને સંરચનામાં કેવી રીતે અને કોના થકી ફેરફાર થાય છે, તેની છાનબીન કરવી એ રાજકીય વિશ્લેષણનું મુખ્ય કાર્ય છે એમ માને છે.
રાજકારણ, લાસવેલની દૃષ્ટિએ એક વ્યાપક ખ્યાલ છે. તેઓ રાજકારણના કે રાજકીય પ્રક્રિયાઓના અભ્યાસને રાજ્ય અથવા રાજકીય સંસ્થાઓની કામગીરી પૂરતો સીમિત રાખવામાં માનતા નથી. રાજકારણ કે રાજકીય પ્રક્રિયાઓ સમાજમાં સર્વત્ર કાર્યરત હોય છે. તેમના મતે રાજકીય પ્રક્રિયા એ સામાજિક પ્રક્રિયાથી ભિન્ન કે અલગ એવી કોઈ સ્વતંત્ર પ્રક્રિયા નથી, પણ આંતરક્રિયાત્મક સમગ્રનું એક રાજકીય પાસું કે પરિમાણ માત્ર છે. તેમની વિવિધ અર્થચ્છાયાઓ સાથે ‘સત્તા’ (પાવર) અને ‘પ્રભાવ’‘વગ’ (ઇન્ફ્લ્યુઅન્સ) લાસવેલના રાજકીય વિશ્લેષણમાં ચાવીરૂપ સ્થાન ધરાવે છે અને એથી જ તેમની દૃષ્ટિએ રાજકારણનો અભ્યાસ એટલે વગ અને વગ ધરાવનારાઓનો અભ્યાસ.
સમાજ સાથેના રાજકારણના અનુબંધ પર ભાર મૂકતા લાસવેલ રાજ્યશાસ્ત્રે એક ‘નીતિવિજ્ઞાન’ (પૉલિસી સાયન્સ) તરીકે વિકસવું જોઈએ, એવી હિમાયત કરે છે. તેમની નજરે, રાજ્યશાસ્ત્રના અભ્યાસે નીતિ-ઘડવૈયાઓ સમક્ષ વિવિધ નીતિવિકલ્પો રજૂ કરવા જોઈએ. એમ કરીને જ રાજ્યશાસ્ત્ર પોતાની પ્રસ્તુતતા સિદ્ધ કરી શકે.
રાજ્યશાસ્ત્રનાં વિવિધ પાસાંઓ પર લાસવેલે ઘણું લખ્યું છે. રાજ્યશાસ્ત્રને એક ‘વિજ્ઞાન’ બનાવવા પર એમણે સવિશેષ ભાર મૂક્યો છે. અને તે માટે શક્ય હોય ત્યાં સંખ્યાત્મક પદ્ધતિ અપનાવવાની તેમણે હિમાયત કરી છે. તેઓ માત્ર પદ્ધતિશાસ્ત્રી નથી, ઊંચા ગજાના રાજકીય સિદ્ધાંતકાર અને અમુક દૃષ્ટિએ રાજકીય ચિંતક પણ છે. ‘પાવર ઍન્ડ પર્સનાલિટી’ (1948, પુનર્મુદ્રણ 1976) તથા આર્નોલ્ડ રોગૉવ સાથે ‘પાવર, કરપ્શન ઍન્ડ રેક્ટિટ્યૂડટ (1963, પુનર્મુદ્રણ 1977) તેમના ઉલ્લેખનીય ગ્રંથો છે.
દિનેશ શુક્લ