લાવણી : એક ઉપરાગ, જે દેશી રાગ તરીકે પ્રસિદ્ધ છે. ‘સંગીત રાગ કલ્પદ્રુમ’માં લાવણીને ‘ઉપરાગ’ કહેવામાં આવ્યો છે. એને દેશી કહેવાનું કારણ એ છે કે જુદા જુદા દેશ(પ્રદેશ)માં એને અનુરૂપ નામ ધારણ કરે છે. લાવણીનો વિકાસ લોકગીતોમાં થયેલો છે. તેનો સંબંધ મગધ પાસેના લવણદેશ સાથે હોઈને એ લાવણી કહેવાઈ છે. મિયાં તાનસેને જે મિશ્રિત રાગિણીઓને શાસ્ત્રીયતા અર્પી હતી એમાં લાવણી પણ હતી. નિર્ગુણ ધારાના કવિઓમાં લાવણીનો પ્રચાર વિશેષ હતો. પરંતુ વસ્તુતઃ લોકરાગિણી હોવાને કારણે સગુણ અને નિર્ગુણ બંને ધારાઓના કવિઓએ એને અપનાવી હોવાનું જણાય છે. લાવણીના અનેક પેટા જોવા મળે છે. જેમકે ભૂપાલી, લાવણી દેશી, લાવણી જંગલી, લાવણી કલાંગડા, લાવણી રેખતા વગેરે. હિંદીના પ્રાચીન કવિઓમાં હસ્તિરામ, હરિદાસ, રસસંગ, કૃષ્ણાનંદ વગેરે લાવણીના પ્રસિદ્ધ કવિઓ થયા છે. ભારતેન્દુએ લાવણીઓની રચના કરી હતી જે ‘ફૂલોંકા ગુચ્છા’ નામે સંકલિત થયેલી છે. લાવણી રેખતાનું એક ઉદાહરણ જોઈએ તો ‘ગોરી એક બની હૈ હદ વેશ, શિર પર લટકે લંબે કેશ; અદાસે ચલી હૈ મુખ મોર, અંચરા દિયા હૈ ઉરસે છોર.’
પ્રવીણચંદ્ર પરીખ