લાળ : મોંમાં ઝરતું પ્રવાહી. તેને લાલા (saliva) પણ કહે છે. તે મોંમાં ખૂલતી લાળગ્રંથિઓ(લાલાગ્રંથિઓ, salivary glands)માં ઉત્પન્ન થઈને નળી દ્વારા મોઢામાં આવે છે. લાળગ્રંથિઓની મુખ્ય 3 જોડ છે – શુકસમ (parotid), અવ-અધોહન્વી (sub-manditular) અને અવજિહવાકીય (sublingual). તે અનુક્રમે ગાલના પાછળના ભાગમાં અને કાનની નીચે, નીચલા જડબાની નીચે અને જીભની નીચે આવેલી છે. આ ઉપરાંત અનેક નાની નાની લાળગ્રંથિઓ ગલોફામાં પણ આવેલી છે. રોજ 800થી 1,500 મિલી. જેટલી લાળ બને છે.
તેમાં 2 મહત્વના પ્રોટીન અણુઓ છે – લાલોત્સેચક (ptylin) અને શ્લેષ્મિન (mucin). લાલોત્સેચક એક પ્રકારનો શર્કરાપાચક ઉત્સેચક (amylase) છે. તે ખોરાકમાંના સ્ટાર્ચનું પચન કરે છે. તેથી ખોરાક મીઠો પણ લાગે છે. લાળમાંનું ચીકણું પ્રવાહી શ્લેષ્મ (mucous) કહેવાય છે. તેમાં શ્લેષ્મિન નામનું દ્રવ્ય છે, જે મોંની અંદરની સપાટી લીસી બનાવે છે તથા તેમનું આવરણ પણ બનાવે છે. શુકસમગ્રંથિમાંથી મુખ્યત્વે સતરલ (serous) પ્રવાહી નીકળે છે, જ્યારે અન્ય મોટી લાળગ્રંથિઓમાંથી સતરલ તથા શ્લેષ્મિલ (mucus) પ્રવાહી ઝરે છે. ગલોફાની લાળગ્રંથિઓમાંથી ફક્ત શ્લેષ્મિલ ઝરે છે. લાળનું pH મૂલ્ય 6થી 7 હોય છે અને તેને કારણે લાલોત્સેચક સક્રિય રહે છે.
લાળમાં પોટૅશિયમ અને બાયકાર્બોનેટ આયનો પુષ્કળ પ્રમાણમાં હોય છે, જ્યારે સોડિયમ અને ક્લોરાઇડ ઓછા પ્રમાણમાં હોય છે. લાળગ્રંથિમાં ગ્રંથિસ્વરૂપ કોષસમૂહો (acini) અને લાળવાહક નલિકા હોય છે. તેને લાલાનલિકા (salivary duct) કહે છે. ગ્રંથિસ્વરૂપ કોષસમૂહોમાંથી લાલોત્સેચક, શ્લેષ્મી તથા આયનોવાળું પ્રવાહી ઝરે છે. તે જ્યારે લાલાનલિકામાંથી પસાર થાય ત્યારે તેમાંનું સોડિયમ અને ક્લોરાઇડ અવશોષાય છે અને પોટૅશિયમ અને બાયકાર્બોનેટ ઝરે છે. તેને કારણે લાળમાં સોડિયમનું પ્રમાણ 15 મિ. ઈ. ક્વિ/લિટર અને પોટૅશિયમનું પ્રમાણ 30 મિ. ઈ. ક્વિ./લિટર હોય છે. તેવી રીતે બાયકાર્બોનેટનું પ્રમાણ પણ 50થી 70 મિ. ઈ. ક્વિ./લિટર જેટલું હોય છે. જ્યારે જરૂર પડે ત્યારે લાળનું વિસ્રવણ 20 ગણું વધી શકે છે. તે મુખ્યત્વે ગ્રંથિસ્વરૂપ કોષસમૂહોમાંથી આવતું હોય તેવે સમયે સોડિયમ અને ક્લોરાઇડનું પ્રમાણ પણ લાળમાં વધે છે. તે સમયે પોટૅશિયમ અને બાયકાર્બોનેટનું પ્રમાણ ઘટે છે. જ્યારે આલ્ડોસ્ટીરોનની અધિકતા થાય ત્યારે સોડિયમનું પ્રમાણ એકદમ ઘટે છે તથા જો વધુ પડતી લાળ ઝરીને લાંબા સમય સુધી શરીરમાંથી બહાર નીકળી જાય તો પોટૅશિયમની ઊણપ પણ થઈ શકે છે.
સામાન્ય રીતે દર મિનિટે 0.5 મિલી. જેટલી, મુખ્યત્વે શ્લેષ્મનવાળી, લાળ સતત ઝર્યા કરે છે. આવું જાગતાં અને સૂતાં બંને વખત થાય છે. તે મોંમાની પેશીઓને ભીની રાખે છે, તેના પર આવરણ બનાવે છે અને આમ તેમની તંદુરસ્તી જાળવે છે. મોંમાં અનેક જીવાણુઓ હોય છે, જે મોંની પેશીને નુકસાન કરે તથા દાંતમાં સડો પણ કરી શકે. લાળ તેમને વહેવડાવી દે છે, લાળમાંના થાયોસાયનેટ આયનો તથા વિવિધ વિલયનકારી ઉત્સેચકો (lysozyne) તેમનો નાશ કરે છે તથા ખોરાકના કણોને પચવીને જીવાણુઓ માટેનો ખોરાક દૂર કરે છે. વળી તેમાં રહેલા રોગપ્રતિકારક પ્રતિદ્રવ્યો (antibodies) પણ જીવાણુઓનો નાશ કરે છે. તેથી લાળની ગેરહાજરીમાં મોંમાં ચાંદાં પડે છે અને દાંતમાં સડો થાય છે.
મગજના મસ્તિષ્કપ્રકાંડ (brainstem) નામના ભાગમાં આવેલા ઊર્ધ્વ અને અધ: લાલાકેન્દ્રો(superior and inferior salivary centres)માંથી નીકળતા સંદેશાઓ પરાનુકંપી ચેતાતંત્રના તંતુઓ દ્વારા લાળગ્રંથિઓનું નિયંત્રણ કરે છે. આ ચેતાકેન્દ્રો મજ્જાતંતુ અને લંબમજ્જાના જોડાણ પાસે આવેલા છે અને તે સ્વાદ તથા જીભ, ગળું અને મોંના અન્ય ભાગ પરના સ્પર્શની સંવેદનાથી ઉત્તેજિત થાય છે. જો ખાટો સ્વાદ હોય કે તીક્ષ્ણ (તીખું) સંવેદના હોય તો પુષ્કળ (8થી 20ગણી) લાળ ઝરે છે. તેવી રીતે લીસા પદાર્થો વધુ અને કરકરા પદાર્થો ઓછી લાળ સર્જે છે. મગજનાં ઉપરનાં કેન્દ્રો આ મસ્તિષ્ક પ્રકાંડી ચેતાકેન્દ્રોનું નિયંત્રણ કરે છે. તેને કારણે ખોરાકનું દૃશ્ય કે ગંધ લાળ ઝરાવે છે. મગજમાં ક્ષુધાકેન્દ્ર (appetite centre) પણ લાળનું વિસ્રવણ કરાવે છે. ક્ષુધાકેન્દ્ર અધશ્ચેતક(hypothalamus)ના અગ્ર ભાગમાં આવેલું છે. આ ચેતાકેન્દ્ર પણ મગજના ઉપરનાં ચેતાકેન્દ્રો સાથે સંકળાયેલું છે. જઠર અને ઉપલા આંતરડામાંની સંવેદનાઓ પણ લાળનું વિસ્રવણ કરાવે છે. સ્વાયત્ત ચેતાતંત્રનું સંવેદી ચેતાતંત્ર પણ થોડા પ્રમાણમાં વિસ્રવણ વધારે છે. આ માટેની ચેતાઓ ડોકમાં આવેલા ઊર્ધ્વ ગ્રીવાકીય ચેતાકંદ(superior cervical ganglia)માંથી નીકળે છે. લાળગ્રંથિઓને મળતા લોહીના પ્રમાણને પણ લાળ ઝરવાની ક્રિયા સાથે સંબંધ છે. લાળમાં ગાળપચોળા (mymps) હડકવા (Rebies) તથા બાળલકવા(polio myelitis)ના વિષાણુઓ પણ ઝરે છે.
શિલીન નં. શુક્લ
સાધના મુ. જોશી