લાલ ‘પુષ્પ’
January, 2004
લાલ ‘પુષ્પ’ (જ. 1 જાન્યુઆરી 1935, લાડકાણા, સિંધ) : સિંધી સાહિત્યકાર. લાલ ‘પુષ્પ’ના નામે પ્રસિદ્ધ સિંધી સાહિત્યકારનું પૂરું નામ છે લાલ ભગવાનદાસ રીઝવાણી. ‘પુષ્પ’ તેમનું ઉપનામ છે.
સિંધીમાં વ્યાવસાયિક સાહિત્યકાર બની રહેવું અસંભવ હોવા છતાં, મુંબઈમાં સ્થિર થયેલા લાલ ‘પુષ્પે’, એમ.એ. થઈને ટૂંકા ગાળામાં જ, સરકારી નોકરીનો ત્યાગ કરી પોતાનું સમગ્ર જીવન શબ્દસાધનાને સમર્પિત કરી દીધું.
સને 1954–55થી ટૂંકી વાર્તાના ક્ષેત્રે પ્રવેશ કરીને તત્કાલીન પ્રગતિવાદી–માર્કસવાદીપ્રચારાત્મક સાહિત્યસર્જનની સામે મોરચો માંડીને તેમણે સિંધી વાર્તાને નવો વળાંક આપ્યો હતો. રોમૅન્ટિક, પારિવારિક અને મધ્યમવર્ગીય વિડંબનાઓની સામાજિક વાર્તાઓનું સર્જન કર્યા બાદ તેમણે બહિર્મુખી સિંધી વાર્તાને અંતર્મુખતા પ્રત્યેનો મનોવૈજ્ઞાનિક વળાંક આપ્યો. માનવમનના અંતસ્તલમાં દૃષ્ટિ કરીને તેનાં ઊંડાણોમાં પડેલા ભાવોને નાણીને તેમણે પાત્રોને જીવંત, અવિસ્મરણીય બનાવી દીધાં છે. બાહ્ય પ્રસંગો અને પાત્રો દ્વારા માનવહૃદયના અંતરતમ પ્રદેશનો તાગ મેળવવો એ તેમની વાર્તાઓનું લક્ષ્ય બની રહેલ છે.
લાલ ‘પુષ્પ’ના અગિયાર વાર્તાસંગ્રહો, છ નવલકથાઓ, ત્રણ વિવેચનાત્મક નિબંધસંગ્રહો, અંગત ડાયરી અને સંસ્મરણો તથા આત્મકથાના બે ભાગ પ્રગટ થઈ ચૂક્યાં છે. તેમણે ઐતિહાસિક પાત્ર શેઠ નાઊંમલ ભોજવાણીની આત્મકથાનું સંક્ષેપીકરણ પણ કરેલું. ખલીલ જિબ્રાનની કૃતિઓનો તેમણે અનુવાદ કરેલ છે. જીવન અને સાહિત્યસર્જન વિષયે લખેલા તેમના વિવિધ લેખોનો સંગ્રહ પણ પ્રગટ થયો છે.
તેમની નવલકથા ‘હુન જે આતમ જો મરત’(‘તેના આત્માનું મૃત્યુ’)ને 1974માં ભારતીય સાહિત્ય અકાદમીનું પારિતોષિક એનાયત થયું હતું. વિવિધ પ્રાંતીય અકાદમીઓ તેમજ સંસ્થાઓ દ્વારા તેમનું માન-સન્માન પણ કરાયેલ છે.
સિંધીમાં ‘પિરહ ફુટી’ (પ્રાત:કાળ) નામક સામયિકનું પ્રકાશન કર્યા બાદ 1987થી તેમણે અંગ્રેજીમાં ‘સિંધી ઇન્ટરનૅશનલ’ માસિકનું પ્રકાશન પણ કર્યું છે. તેમની કેટલીક વાર્તાઓ વિવિધ ભાષાઓમાં અનૂદિત થઈ છે. અંગ્રેજીમાં તેમની વાર્તાઓનો સંગ્રહ ‘અ કૉગ ઑવ્ ધ મશીન’ નામે તેમજ ગુજરાતીમાં ‘ત્રણ સ્ત્રીઓનો પ્રેમ’ નામે પ્રગટ થયેલ છે.
વિશ્વસાહિત્યના અભ્યાસુ લાલ ‘પુષ્પ’ રોમાં રોલાં, ફ્રૉઇડ, પર્લ બક, સાર્ત્ર, જેમ્સ જૉયસ, કામ્યૂ, ઓ’હેન્રી, સમરસેટ મૉમ, મોપાસાંના ચાહક હોવાની સાથે, શરતચંદ્ર ચૅટર્જી, જૈનેન્દ્રકુમાર અને અજ્ઞેયના પણ એટલા જ ચાહક રહ્યા છે. તેથી જ તેઓ સ્પષ્ટપણે કહે છે કે મારે કોઈ અગર ભગવાન હોય તો એ મારા મનપસંદ લેખક જ હોઈ શકે ! તેમના મનોવૈજ્ઞાનિક કથા-સાહિત્યસર્જનની શૈલી ઉપર અજ્ઞેય અને જૈનેન્દ્રકુમારનો પ્રભાવ સ્પષ્ટ છે.
જયંત રેલવાણી