લાલ, પુરુષોત્તમ (પી. લાલ) (જ. 1929) : ભારતીય અંગ્રેજી કવિ, વિવેચક, સંપાદક અને પ્રકાશક. કોલકાતામાં અંગ્રેજીના માનાર્હ પ્રાધ્યાપક. 1958માં તેમણે લેખકોની કાર્યશાળા સ્થાપી, જે રચનાત્મક અને વિવેચનાત્મક પાસાંમાં ઇન્ડોઇંગ્લિશ સાહિત્યના વિકાસને છેલ્લાં ઘણાં વર્ષોથી અવિરતપણે ઉત્તેજન આપતી પ્રકાશનસંસ્થા છે. તેમના દ્વારા સંપાદિત ‘ધ મિસેલની’ નામનું દ્વૈમાસિક જર્નલ લેખકોની કાર્યશાળાનું મુખપત્ર હતું.

તેમના મુખ્ય કાવ્યસંગ્રહો છે : ‘ધ પૅરટ્સ ડેથ ઍન્ડ અધર પોએમ્સ’ (1960); ‘ચૅન્જ ! ધે સેડ’ (1966); ‘દ્રૌપદી ઍન્ડ જયદ્રથ ઍન્ડ અધર પોએમ્સ’ (1967); ‘યક્ષી ફ્રૉમ દીદારગંજ ઍન્ડ અધર પોએમ્સ’ (1969) અને ‘મૅન ઑવ્ ધર્મ ઍન્ડ રસ ઑવ્ સાઇલન્સ’ (1974).

તેમણે ‘ભગવદગીતા’ (1965), ‘ધ ધમ્મપદ’ (1967) અને ‘ગાલિબ્ઝ લવ પોએમ્સ’ (1971) જેવા સંખ્યાબંધ ગ્રંથોને નવો ઓપ આપી પ્રગટ કર્યા છે. જેમાં ગદ્ય અને પદ્ય બંને કૃતિઓનો સમાવેશ થાય છે. એવા મહાભારતના 60 ગ્રંથો તેમણે રચ્યા છે. તેમની ‘હિઝ કન્સેપ્ટ ઑવ્ ઍન ઇન્ડિયન લિટરેચર : સિક્સ એસેઝ’ (1968) કૃતિમાં સર્જનાત્મક સાહિત્યમાં પુરાણકથાના મહત્વ પર તેમણે ભાર મૂક્યો છે. તેમનાં અગાઉનાં કાવ્યોમાં ફળો, પક્ષીઓ, સફેદ ગુલાબ અને મધમાખીના ભરપૂર ઉલ્લેખો દ્વારા ચીનના પ્રાકૃતિક શ્યવાળા ચિત્રની નાજુકાઈ, લાલિત્ય અને મોહકતાની તેમણે પ્રતીતિ કરાવી છે.

તેમના સાહિત્યિક પ્રદાન બદલ તેમને 1969–70માં જવાહરલાલ નહેરુ ફેલોશિપ આપવામાં આવી અને 1970માં તેમને ‘પદ્મશ્રી’નો ખિતાબ પણ પ્રાપ્ત થયો.

બળદેવભાઈ કનીજિયા