લાર્સન ઍન્ડ ટુબ્રો લિમિટેડ (Larsen and Toubro Limited) : સામાન્ય રીતે ‘એલ ઍન્ડ ટી’ તરીકે ઓળખાતી લાર્સન ઍન્ડ ટુબ્રો લિમિટેડ વિવિધ ક્ષેત્રોમાં કામ કરતી ભારતની બહુરાષ્ટ્રીય કંપની છે. મુંબઈમાં મુખ્યાલય ધરાવતી આ કંપની એન્જિનિયરિંગ, બાંધકામ, ઉત્પાદન, ટૅકનૉલૉજી, ઇન્ફર્મેશન ટૅકનૉલૉજી અને નાણાકીય ક્ષેત્રોમાં કાર્યરત છે. તેની સ્થાપના ભારતના બે ડેનિશ શરણાર્થી ઇજનેર હેન્નીંગ હોલ્ક લાર્સન (Henning Holck Larsen) અને સોરેન ક્રિસ્ટિયન ટુબ્રો (Soren Kristian Toubro) દ્વારા 7 ફેબ્રુઆરી, 1946ના રોજ કરવામાં આવી હતી. આઝાદી પછી કોલકાતા, ચેન્નઈ અને નવી દિલ્લી ખાતે 2022 સુધીમાં એલ ઍન્ડ ટી ગ્રુપ 93 પેટા કંપનીઓ, 5 સહયોગી કંપનીઓ, 27 સંયુક્ત સાહસો અને 35 સંયુક્ત રીતે સંચાલિત કામગીરી સાથે 45,615 કાયમી કર્મચારીઓ ધરાવતી અને 2018માં ફોર્બ દ્વારા ભારતની નંબર 1 એમ્પ્લોયર્સ કંપની તરીકે નવાજાયેલી કંપની તરીકે કાઠું કાઢ્યું. અન્ય ક્ષેત્રોની સાથે એલ ઍન્ડ ટીએ 1965માં અણુભઠ્ઠીના નિર્માણમાં યોગદાન આપ્યું અને ત્યારથી ભારતના પરમાણુ કાર્યક્રમોમાં તેનું નોંધપાત્ર યોગદાન રહ્યું છે. 1972માં ભારતે જ્યારે અંતરીક્ષ કાર્યક્રમ શરૂ કર્યો ત્યારે કેટલાક ઘટકોના ઉત્પાદન માટે એલ ઍન્ડ ટીને આમંત્રણ આપવામાં આવ્યું હતું. 1985માં સંરક્ષણ સંશોધન અને વિકાસ સંસ્થાને (DRDO) આ કંપની સાથે સહયોગ કર્યો. શરૂઆતમાં સંરક્ષણ ક્ષેત્રે ડિઝાઇનનું કામ કરતી આ કંપની હવે શસ્ત્રો, મિસાઇલ સિસ્ટમ, કમાંડ ઍન્ડ કન્ટ્રોલ સિસ્ટમ, એન્જિનિયરિંગ સિસ્ટમ અને પનડૂબી(સબમરિન)ના ઉત્પાદનમાં પોતાનો ફાળો આપે છે.

 વહીવટી સુગમતા માટે કંપનીની રચના સોળ પેટા કંપનીઓથી કરવામાં આવી છે જે આ મુજબ છે : કન્સ્ટ્રકશન, હાઇડ્રોકાર્બન, પાવર, મિનરલ ઍન્ડ મેટલ, હેવી એન્જિનીયરિંગ, ડિફેન્સ, શિપ બિલ્ડિંગ, કન્સ્ટ્રકશન એન્ડ  માઇનિંગ મશીનરી, વાલ્વ્સ, ટૅકનૉલૉજી સર્વિસ, મેટ્રો રેલ, ફાઇનાન્સિયલ સર્વિસીઝ, રિઆલીટી, સુ ફિન, એજ્યુ ટેક અને એલટીઆઈમાઈન્ડટ્રી.

બાંધકામ વિશ્વના ટોચના 15 કૉન્ટ્રાક્ટરોમાં એલ ઍન્ડ ટીની ગણતરી થાય છે. ગગનચુંબી ઇમારતો, ઍરપૉર્ટ, આઈટી પાર્ક, ઑટોમોબાઇલ પ્લાન્ટ, સિમેન્ટ ફૅક્ટરી અને હૉસ્પિટલ્સ બાંધકામનો બહોળો અનુભવ છે. કંપનીની ભારે બાંધકામની પ્રવૃત્તિમાં જળ વિદ્યુત પ્રણાલી, બોગદાંઓ, અણુશક્તિ, ખાસ પ્રકારના પુલો, મેટ્રો, પૉર્ટ, બંદર અને સંરક્ષણક્ષેત્રોનો સમાવેશ થાય છે. દોહા અને સાઉદી અરેબિયાની મેટ્રોની રચના એલ ઍન્ડ ટીની પેટા કંપનીએ કરી છે. આ ઉપરાંત તે રસ્તા, રનવે, ઉન્નત રસ્તાઓ, રેલવે જેવી પરિવહન માટેની માળખાગત સુવિધાઓનું બાંધકામ કરે છે. વીજશક્તિ વિતરણ માટેનું માળખું એલ એન્ડ ટી તૈયાર કરી આપે છે. આ માટે મધ્ય પૂર્વ, આફ્રિકા અને આસિયન (ASEAN) દેશોમાં પણ તેનું કાર્યક્ષેત્ર રહ્યું છે.એલ એન્ડ ટી શુદ્ધ પાણીના વિતરણ અને ગંદા પાણીના શુદ્ધીકરણ અંગે પણ યોગદાન આપે છે.

બહુવિધ ક્ષેત્રોમાં યોગદાન આપતી એલ ઍન્ડ ટી ખનિજ અને ધાતુ નિષ્કર્ષણક્ષેત્રે, સૌરઉર્જાક્ષેત્રે, પેટ્રોલિયમ, પાવર, સંરક્ષણ, અંતરીક્ષયાન  અને  વિમાનઉદ્યોગમાં પણ માળખાગત સુવિધા ઊભી કરવામાં, એન્જિનીયરિંગ વગેરેમાં તેનું પાયાનું યોગદાન છે. ઇસરોના ચન્દ્રયાન અને મંગળયાન અભિયાનમાં પણ તેનું યોગદાન છે.દક્ષિણ ગુજરાતમાં આવેલા એલ ઍન્ડ ટીના હઝીરા જહાજવાડાની ક્ષમતા 150 મીટર લાંબા જહાજ બાંધવાની છે. આ જહાજોનો ઉપયોગ ભારે માલ, રસાયણ, CNG વગેરેના પરિવહન માટે તેમજ સંરક્ષણક્ષેત્રે કરવામાં આવે છે. ભારે ઇજનેરીના નિર્માણમાં વિશ્વની પ્રથમ પાંચ કંપનીઓમાં એલ એન્ડ ટીનો સમાવેશ થાય છે. પશ્ચિમ અને દક્ષિણ ભારતમાં વિવિધ પ્રકારના મકાનોનાં બાંધકામમાં પણ એલ ઍન્ડ ટી વ્યસ્ત છે. 350 લાખ ચોરસ ફૂટ જેટલી મિલકતો નિર્માણાધીન છે. મકાન બાંધકામ અને ખાણઉદ્યોગમાં જરૂરી ભારે યંત્રસામગ્રીની સાર સંભાળની સેવાઓ પણ તે પૂરી પાડે છે. એલ ઍન્ડ ટીની સહયોગી કંપની હૈદરાબાદ મેટ્રો, મુંબઈ મેટ્રોના કેટલાક ભાગ અને મધ્ય પૂર્વના દેશોના કેટલાક મેટ્રો પ્રકલ્પોના નિર્માણમાં પોતાની હાજરી નોંધાવી છે.

એલ ઍન્ડ ટી અને તેની સહયોગી કંપનીઓને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે માન્યતા પ્રાપ્ત થઈ છે. ઑઇલ એન્ડ ગૅસ મિડલ ઇસ્ટ દ્વારા તૈયાર કરાયેલી 2022ની મધ્ય પૂર્વના શિરસ્થ 25 EPC કૉન્ટ્રાક્ટરની સૂચિમાં એલ એન્ડ ટી બીજા ક્રમે, LinkedIn દ્વારા 2021ની ભારતની ટોચની કંપનીઓની યાદીમાં ચોથા ક્રમે અને 2018માં ફોર્બ્સ દ્વારા વિશ્વના શ્રેષ્ઠ રોજગારદાતાઓની યાદીમાં 22મા ક્રમે અને ભારતમાં પ્રથમ ક્રમે છે.2021માં ધ ઇકોનોમિકસ ટાઇમ્સ દ્વારા ‘ઉત્કૃષ્ટ માનવ સંસાધન’ પુરસ્કાર, 2020માં FIPI દ્વારા વર્ષની EPC (Engineering Procurement Construction) કંપનીનો પુરસ્કાર અને 1997માં ‘રાજીવ ગાંધી રાષ્ટ્રીય ગુણવત્તા પુરસ્કાર’ એનાયત થયો હતો. એલ એન્ડ ટીને 2013માં ‘ગોલ્ડન પીકોક નૅશનલ ક્વૉલિટી ઍવૉર્ડ-2012’થી નવાજવામાં આવી હતી.

ચિંતન ભટ્ટ