લાલસ, સીતારામ (જ. 29 ડિસેમ્બર 1908 નેરવા, રાજસ્થાન અ. 29 ડિસેમ્બર 1986) : રાજસ્થાની કોશકાર. તેમણે તેમની નાની વયે પિતાની છત્રછાયા ગુમાવતાં મોસાળમાં તેમના નાનાએ તેમનો ઉછેર કર્યો. તેમના નાના સાદુલજી વિદ્વાન અને જાણીતા કવિ હતા. સીતારામે તેમનું પ્રાથમિક શિક્ષણ સરવડી ગામે લીધા બાદ રાજમહલ મિડલ સ્કૂલ અને જોધપુરની દરબાર હાઈસ્કૂલમાં ઉચ્ચ શિક્ષણ મેળવ્યું, પછી તેઓ શિક્ષક તરીકે જોડાયા.
ભગવતીલાલ પાસેથી તેઓ સંસ્કૃત ભણ્યા અને કબીરપંથી સાધુ અને રાજસ્થાની ભાષા અને સાહિત્યના પ્રખર વિદ્વાન પનારામ મોતીસર પાસેથી તેમણે રાજસ્થાની સાહિત્યનો અભ્યાસ કર્યો. સાથોસાથ તેમણે કોશરચનાશાસ્ત્રમાં તેમની રુચિ વધારી અને સમય જતાં રાજસ્થાની ભાષાના શ્રેષ્ઠ કોશકાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા. આ વિદ્યાશાખામાં 30 વર્ષના સંશોધન બાદ તેમણે ‘રાજસ્થાની શબ્દકોશ’ શીર્ષક હેઠળ શ્રેણીઓ પ્રગટ કરી. તેમાં 3,350 છાપેલાં પૃષ્ઠોમાં 1,75,000 શબ્દોનો સમાવેશ થાય છે. તે ગ્રંથ ભારત સરકારની નાણાકીય સહાય વડે રાજસ્થાની સોઢા સંસ્થાન, ચોપાસણી, રાજસ્થાન દ્વારા પ્રગટ કરવામાં આવ્યો છે. રાજસ્થાન ઑરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જોધપુર દ્વારા તેની સંક્ષિપ્ત આવૃત્તિ પ્રગટ કરાઈ છે. આને માટે જોધપુર યુનિવર્સિટી તરફથી તેમને ‘ડૉક્ટર’ની પદવી પ્રાપ્ત થઈ હતી.
તેમણે રાજસ્થાની ભાષાના વ્યાકરણ પરનો ગ્રંથ રચ્યો છે અને ડિંગળ અને પિંગળ વિશેની સંખ્યાબંધ અજ્ઞાત કૃતિઓની વિવરણાત્મક આવૃત્તિઓ પણ પ્રગટ કરી છે. આમ તેમણે રાજસ્થાની ભાષા અને સાહિત્યનો પ્રચ્છન્ન અને અમૂલ્ય ખજાનો પ્રકાશમાં લાવવાનો સંનિષ્ઠ પ્રયાસ કર્યો છે. વળી તેમણે ‘વડદા સિંગારા’; ‘પ્રેમસિંહ રૂપક’; ‘રઘુવરજાસા પ્રકાશ’ અને ‘સૂરજ પ્રકાશ’ નામક ગ્રંથોનું સંપાદન કરેલું, જે રાજસ્થાન ઑરિયેન્ટલ રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ, જોધપુર દ્વારા પ્રગટ થયા હતા.
બળદેવભાઈ કનીજિયા