લાલશંકર ઉમિયાશંકર (રાવબહાદુર) (જ. 23 ઑગસ્ટ 1845, નારદીપુર, ગુજરાત; અ. 12 ઑક્ટોબર 1912, અમદાવાદ) : ગુજરાતના નામાંકિત સમાજસેવક, સમાજસુધારક અને સ્ત્રીશિક્ષણના પ્રખર હિમાયતી. તેઓ ન્યાતે વિસનગરા નાગર ગૃહસ્થ હતા. એમના પિતા ઉમિયાશંકર દવે અમદાવાદમાં યજમાનવૃત્તિ કરતા હતા. પ્રાથમિક શિક્ષણ બાદ, આગળ અભ્યાસનો પિતાએ વિરોધ કરવાથી ઘર છોડી, સ્કૉલરશિપથી અભ્યાસ ચાલુ રાખ્યો. પ્રાથમિક શિક્ષક તાલીમની સિનિયર સ્કૉલરશિપની પરીક્ષા પ્રથમ નંબરે પાસ થયા, તેથી અમદાવાદ હાઇસ્કૂલમાં ગણિત-શિક્ષક તરીકે રૂ. 25/-ના પગારથી, 1866માં જોડાયા. તે સાથે ખાનગી અભ્યાસ કરી મૅટ્રિકની પરીક્ષા પાસ કરી. નોકરીમાં બઢતી મળવાથી ગુજરાત પ્રોવિન્શિયલ ટ્રેનિંગ કૉલેજના ગણિત-શિક્ષક થયા.

ઈ. સ. 1871માં શિક્ષણ ખાતું છોડીને સ્મૉલ કૉઝ કૉર્ટના ક્લાર્ક બન્યા. 1873માં મુનસફ(સબજજ)ની પરીક્ષા પસાર કરી તેઓ પંઢરપુરમાં સબજજ નિમાયા તથા ત્યાંથી ધંધૂકા, ઘોઘા, વીરમગામ, સોલાપુર વગેરે સ્થળોએ સેવા આપી. 1891માં અમદાવાદમાં સ્મૉલ કૉઝિઝ કૉર્ટના જજના હોદ્દે રૂ. 800/–ના માસિક પગારથી બઢતી મળી. તે હોદ્દા પરથી 1903માં નિવૃત્ત થયા.

પંઢરપુરમાં સબ જજ હતા તે દરમિયાન તેમણે ત્યાં એક બાલાશ્રમ શરૂ કર્યો હતો. તેને નિભાવવા માટે તેઓ મુંબઈ જઈને ફાળો ઉઘરાવી લાવતા હતા. મહીપતરામે તેમને સામાજિક અને ધાર્મિક સુધારાનો રંગ લગાડ્યો હતો. મહીપતરામના અવસાન બાદ, તેમના સ્મારક તરીકે લાલશંકરે અમદાવાદમાં એક અનાથાશ્રમ સ્થાપ્યો. નિવૃત્તિ બાદ અમદાવાદમાં તેમણે જાહેર હિતની પ્રવૃત્તિઓમાં પોતાનો સમય આપ્યો. મહીપતરામ અનાથાશ્રમ, આપારાવ લાઇબ્રેરી, અંજુમને ઇસ્લામ, ભોળાનાથ લેડિઝ ઇન્સ્ટિટ્યૂટ, સંસારસુધારા હૉલ તથા ગુજરાત વર્નાક્યુલર સોસાયટી જેવી સંસ્થાઓનાં મકાનો તેમની પ્રત્યક્ષ દેખરેખ હેઠળ, કરકસરથી બંધાયાં. સ્ત્રીશિક્ષણનું કાર્ય તેમને પ્રિય હતું. રા. બ. મગનભાઈ કરમચંદ કન્યાશાળામાં મોટી ઉંમરની કન્યાઓ દાખલ થવા તૈયાર ન થઈ, ત્યારે સમાજને દોરવણી આપવા લાલશંકરે તેમની તથા બે-ત્રણ મિત્રોની મોટી ઉંમરની પત્નીઓને શાળામાં ભણવા મોકલી. તે જોઈને અન્ય યુવતીઓ ભણવા આવવા લાગી.

મહારાષ્ટ્રના સમાજસુધારક જ્યોતિબા ફુલેના સંપર્કથી લાલશંકરે માનવજાતની સેવાનું લક્ષ્ય સ્વીકાર્યું અને ગુજરાતમાં અસ્પૃશ્યોદ્ધારનું કાર્ય ગાંધીજી પહેલાં તેમણે શરૂ કર્યું. તેમણે બાળલગ્નો અટકાવવા તથા વિધવાવિવાહને ઉત્તેજન આપવા જહેમત લીધી. તત્કાલીન સમાજ રૂઢિચુસ્ત તથા અસહિષ્ણુ હોવાથી તેમણે વિરોધ સહન કરવો પડ્યો હતો.

છપ્પનિયા દુકાળ (1899–1900) વખતે તેમણે પીડિતો વાસ્તે હજારો રૂપિયાનો ફાળો ઉઘરાવ્યો તથા ઢોરોને બચાવવા વિવિધ સ્થળે કૅટલ-કૅમ્પ શરૂ કરી બેનમૂન સેવા કરેલી. તેની સરકારી દફતરોમાં પણ નોંધ લેવામાં આવી છે. આ સેવાની કદર કરીને બ્રિટિશ સરકારે તેમને ‘કૈસરે હિંદ’નો ચંદ્રક આપ્યો હતો.

તેઓ ધર્મનિરપેક્ષતાના હિમાયતી હતા. અમદાવાદની અંજુમને ઇસ્લામના તો તેઓ આત્મા સમાન હતા. અમદાવાદમાં પ્રથમ મોહમૅડન એજ્યુકેશનલ કૉન્ફરન્સ તેમણે ભરી હતી. 1894ની મુસલમાન કૉન્ફરન્સના સ્વાગતપ્રમુખ તથા 1904ની ચોથી મોહમૅડન એજ્યુકેશનલ કૉન્ફરન્સના ઉપપ્રમુખ પણ લાલશંકર હતા.

1894માં તેઓ ગુજરાત વર્નાક્યુલર સોસાયટી(હાલની ગુજરાત વિદ્યાસભા)ના મંત્રી હતા. પ્રાર્થના સમાજના સ્થાપક ભોળાનાથ સારાભાઈને તેમની સમાજસુધારાની પ્રવૃત્તિમાં મહીપતરામ અને લાલશંકરનો સાથ મળ્યો હતો. લાલશંકરે આશરે 30 વર્ષ પ્રાર્થના સમાજના મંત્રી તથા પ્રમુખ તરીકે સેવા કરી હતી. 1907માં સૂરત મુકામે મળેલી ઇન્ડિયન નૅશનલ સોશિયલ કૉન્ફરન્સના પ્રમુખ લાલશંકર હતા. તે બતાવે છે કે અગ્રેસર સંસારસુધારક તરીકે તેમની કીર્તિ કેવી ફેલાયેલી હતી.

તેઓ સ્વભાવે ઉદ્યમશીલ હતા. ટ્રેનિંગ કૉલેજમાં હતા ત્યારે ‘ગુજરાત શાળાપત્ર’માં લેખો લખતા. ત્યારબાદ તેમના સહાધ્યાયી હરગોવિંદદાસ કાંટાવાળા સાથે ‘ટીકાકાર’ નામનું માસિક શરૂ કર્યું હતું. એમણે શાળોપયોગી પુસ્તકો પણ લખ્યાં હતાં. તેમની પાસે અપ્રામાણિકતા કે લાગવગ ચાલી શકતાં નહિ. જીવનમાં તેઓ સાદા, નિયમિત અને મિતાહારી હતા. તેઓ વ્યાવહારિક બુદ્ધિથી જે તે કામનો યોગ્ય નિકાલ કરતા.

નિવૃત્તિ બાદ, તેમણે એક મિલ ખરીદીને તેમાં પોતાની બધી બચતો રોકી; તે મિલના વહીવટના બોજાએ એમની તબિયત ઉપર અવળી અસર કરી અને મગજ પરના ભારથી અવસાન પામ્યા. એમને કોઈ સંતાન ન હતું.

જયકુમાર ર. શુક્લ