લાલદાસસ્વામી : પ્રણામી સંપ્રદાયના સંતમહાત્મા. 17મી સદીમાં થયેલા આ સંત મૂળ પોરબંદરના વતની હતા. તેમનું મૂળ નામ લક્ષ્મણદાસ હતું. વ્યવસાયે તેઓ વેપારી હતા અને સિંધમાં ઠઠ્ઠા બંદરેથી તેમના 99 જેટલાં વહાણો મારફતે મુખ્યત્વે અરબ દેશો સાથે વેપાર કરતા હતા. તેઓ અરબી, ફારસી અને સંસ્કૃત ભાષાના જ્ઞાતા અને વિદ્વાન હતા. ભાગવતના પણ વિશેષ અભ્યાસી હતા. તેઓ અવારનવાર ધર્મચર્ચાઓ પણ કરતા અને ધાર્મિક વ્યાખ્યાનો આપતા. ઈ. સ. 1668માં પ્રણામી સંપ્રદાયના મહામતિ શ્રી પ્રાણનાથજી ઠઠ્ઠાનગરમાં ધર્મપ્રચારાર્થે ગયા ત્યારે લક્ષ્મણદાસ શેઠ સાથે તેમની મુલાકાત થઈ. લક્ષ્મણદાસ પ્રાણનાથજી પાસેથી અખંડ ગોલોક, સરલીક બ્રહ્મ, કેવળધામ, અક્ષર અને અક્ષરાતીત તેમજ પરમધામનું અલૌકિક વર્ણન સાંભળી તૃપ્ત થયા અને તારતમ જ્ઞાન ગ્રહણ કરી એમના શિષ્ય થયા. તેઓ લાલદાસજી નામ પામ્યા અને એ નામથી પ્રસિદ્ધ થયા. વેપાર-ધંધો સમેટી પોતે સંસારથી વિરક્ત થઈ ગુરુની સાથે ધર્મપ્રચારયાત્રામાં જોડાઈ ગયા. તેઓ એમની વિદ્વત્તાને લઈને ગુરુના અનન્ય શિષ્ય બની રહ્યા. અરબી-ફારસીના ઊંડા જ્ઞાતા હોવાને લઈને કતેબગ્રંથોનો અભ્યાસ કરી એનાં ગૂઢ રહસ્યોને વેદ-કતેબ સાથે જોડવામાં અને તેને એનું સામ્ય સમજાવવામાં ભારે ફાવટ આવી હતી. તેમણે સંપ્રદાયનો કાવ્યમય ઇતિહાસ ‘વીતક’ના નામથી લખ્યો છે. 71 પ્રકરણો અને 4,324 ચોપાઈઓ ધરાવતા આ ગ્રંથમાં પ્રકરણ 1થી 12માં સદગુરુ શ્રી દેવચંદ્રજી મહારાજનો જીવનવૃત્તાંત અને પ્રકરણ 8, 11 અને 13થી માંડીને 62 સુધી સ્વામી પ્રાણનાથજીના ધર્મવિહાર અને જાગણીકાર્યોની ક્રમવાર ઝીણવટભરી વિગતો અપાઈ છે. લાલદાસકૃત ‘વીતક’ને પ્રણામી સંપ્રદાયમાં ‘ધર્મકોશ’, ‘સર્વકોશ’ અને ‘વિશ્વકોશ’ તરીકે ઓળખવામાં આવે છે. ભારતીય સાહિત્ય અને હિંદી સાહિત્યમાં પણ ‘વીતક’ રચનારા તેઓ પ્રથમ વિદ્વાન હોવાથી તેઓને ‘વીતક સાહિત્યના ઉદગાતા’ કહેવામાં આવે છે. 17મી સદીની અનેક ધાર્મિક, સાંસ્કૃતિક અને ઐતિહાસિક માહિતી નિરૂપાયેલ હોવાને લઈને આ ગ્રંથ સંપ્રદાય ઉપરાંત તત્કાલીન ઇતિહાસના અભ્યાસ માટે પણ ઘણો ઉપયોગી છે. લાલદાસજીએ ‘વીતક’ ઉપરાંત, ‘બડીવૃત્ત’, ‘છોટીવૃત્ત’, ‘બડામસૌદા’ અને શ્રીમદભાગવતની ટીકા જેવા જ્ઞાનપરક ગ્રંથો પણ લખ્યા છે. પન્ના(મ.પ્ર.)માં તેમની સમાધિ આવેલી છે.
પ્રવીણચંદ્ર પરીખ