લાલચંદ અમર ડિનોમલ
January, 2004
લાલચંદ અમર ડિનોમલ (જ. 25 જાન્યુઆરી 1885, સિંધ, હૈદરાબાદ; અ. 18 એપ્રિલ 1954, મુંબઈ) : અર્વાચીન સિંધી સાહિત્યના જ્યોતિર્ધર. તેમના પિતા અમર ડિનોમલ અંગ્રેજ પ્રશાસનમાં મામલતદાર હતા. સને 1903માં તેમણે મુંબઈ યુનિવર્સિટીમાંથી મૅટ્રિકની પરીક્ષા ઉત્તીર્ણ કર્યા બાદ શૈક્ષણિક ક્ષેત્રે સેવાઓ બજાવવાની સાથે 1908માં સેકન્ડરી ટીચર્સ સર્ટિફિકેટની પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી અને 1918માં ફિલસૂફીના વિષયની સાથે કળા સ્નાતકની પદવી મેળવી હતી.
અંગ્રેજોએ શરૂ કરેલી અર્વાચીન શૈક્ષણિક પ્રણાલિકા અને સિંધી ભાષા માટે નિર્ધારિત કરાયેલ એરૅબિક લિપિના કારણે શિક્ષણનો પ્રસાર વધતો જતો હતો. શિક્ષણ દ્વારા સામાજિક તેમજ રાષ્ટ્રીય જાગૃતિના હિમાયતી તેમજ નારીશિક્ષણના સમર્થક લાલચંદે વડીલોની વકીલ બનવાની ઇચ્છાને અવગણીને શૈક્ષણિક કારકિર્દીને અપનાવવાનું પસંદ કર્યું હતું. તેમણે મુસ્લિમ મદરેસા સહિત વિવિધ શાળાઓમાં આદર્શ શિક્ષક તરીકેની ફરજ બજાવી હતી. સ્વાતંત્ર્ય ચળવળના અનુસંધાને 1922માં કરાંચીમાં અસહકાર આંદોલનમાં ભાગ લેતાં તેમને એક વરસ માટે થાણે તથા કરાંચીની જેલમાં રાખવામાં આવ્યા હતા. તેઓ કરાંચી જિલ્લા કૉંગ્રેસના મંત્રીપદે પણ રહ્યા હતા. સિંધને બૃહદ્ મુંબઈથી અલગ કરવાની ચળવળમાં પણ તેમણે ઝંપલાવ્યું હતું. 1934માં તેમણે કરાંચીમાં ઇન્ડિયન વિમેન્સ કૉલેજની સ્થાપના કરી હતી, જેને મહર્ષિ કર્વે રચિત એસ.એન.ડી. ટી. યુનિવર્સિટીએ માન્યતા પ્રદાન કરી હતી. 1936માં કરાંચીના ‘મારવાડી કન્યા મહાવિદ્યાલય’ના તેઓ આચાર્ય બન્યા હતા.
દેશનું વિભાજન થતાં 1948માં તેમણે મુંબઈ આવીને સિંધી વિદ્યામંડળની સ્થાપના કરીને 1949માં ધોબી તળાવ ખાતે સિંધી હાઇસ્કૂલનો પ્રારંભ કર્યો હતો. બાદ થાણેમાં પણ શાળા ખોલી હતી. એસ.એન.ડી. ટી. યુનિવર્સિટીમાં એમ.એ. સુધી સિંધી માધ્યમને માન્યતા અપાવી હતી. તેમણે યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે પાઠ્યપુસ્તકો પણ લખીને કે અનુવાદ કરીને તૈયાર કર્યાં હતાં. વિભાજન બાદ સિંધી શિક્ષણક્ષેત્રે શૂન્યાવકાશ થઈ જતાં તેમણે પ્રાથમિકથી લઈને ઉચ્ચ માધ્યમિક ધોરણો સુધીનાં પાઠ્યપુસ્તકો તૈયાર કર્યાં કરાવ્યાં હતાં.
અર્વાચીન સિંધી ટૂંકી વાર્તા અને નવલકથાને ક્ષેત્રે લાલચંદ પાયાના પથ્થર ગણાય છે. પ્રથમ સિંધી નવલકથા 1888માં લખાયા બાદ શાળામાં શૈક્ષણિક સેવાઓ બજાવવાની સાથે, વીસ વરસની ઉંમરે લાલચંદે 1905માં ‘ચોથ જો ચંડુ’ (ચતુર્થીનો ચાંદો) નામે નવલકથા લખી હતી, જે સિંધી સાહિત્યના પ્રારંભિક ક્રમમાં ચતુર્થ નવલકથા ગણાય છે. આ નવલકથામાં તેમણે તત્કાલીન સામાજિક પરિસ્થિતિના ચિત્રણની સાથે જૂની રૂઢિઓ, વહેમો, ભ્રમો અને કુરિવાજોની ટીકા કરી હતી. 1917માં તેમણે ‘કિશ્ની અ જો કષ્ટ’ નામે આદર્શોન્મુખ નવલકથા પ્રગટ કરી હતી. તેમણે ટૂંકી વાર્તાઓ, રેખાચિત્રો, સંસ્મરણો, એકાંકીઓ, નાટકો અને નિબંધો પણ લખ્યાં હતાં, તો નાટકોમાં અભિનય પણ આપ્યો હતો. અંગ્રેજ શાસન સામેના વિદ્રોહની ઐતિહાસિક ઘટના પર આધારિત તેમની લાંબી વાર્તા ‘હુર મખી અ જા’ (1910) અને નિબંધસંગ્રહ ‘ફુલનમુઠ્ઠિ’ (1927) તેમની બહુચર્ચિત ઉત્તમ કૃતિઓ બની રહી છે. તેમણે સ્વામી રામતીર્થ (1914) તથા ઇસ્લામના સ્થાપક પયગમ્બર હજરત મહંમદ રસૂલ અલ્લાહ(1911)નાં જીવનચરિત્રો પણ લખ્યાં હતાં. વિવેચનક્ષેત્રે તેમનું યોગદાન નોંધનીય બની રહ્યું છે. વિશેષત: મધ્યકાલીન સૂફી સંતકવિઓ શાહ અબ્દુલ લતીફ અને સચલ સરમસ્ત પરના તેમના વિદ્વત્તાપૂર્ણ વિવેચનગ્રંથો છે. તેમણે ‘દીન’ ઉપનામથી કાવ્યસર્જન પણ કર્યું હતું, તો બાળસાહિત્યની રચના પણ કરી હતી. તેમણે અંગ્રેજીમાંથી ચાર પુસ્તકો સિંધીમાં અનુવાદ કરવાની સાથે રવીન્દ્રનાથ ઠાકુરના ‘ધ ગાર્ડનર’નો 1930માં સિંધીમાં અનુવાદ પ્રગટ કર્યો હતો. અલંકૃત અને તળપદી શૈલીમાં રચિત તેમની કૃતિઓ સ્થાયી સાહિત્યિક મૂલ્યો ધરાવે છે.
અર્વાચીન સિંધી સાહિત્યના ઉત્થાનકાળે, સાહિત્યમાં તેમની આટલી અમૂલ્ય દેન છતાં તેમની કેટલીક કૃતિઓ અપ્રગટ રહી ગઈ હતી. 1922માં ભોગવેલ જેલનાં સંસ્મરણો ‘ડાયરી’, નાટક ‘સસઈ પુન્હુ’ તથા 1951 સુધીના ‘સિંધી સાહિત્યના વિકાસનો ઇતિહાસ’ સિંધીમાં હજી પ્રગટ થઈ શક્યાં નથી. જોકે તેમની અપ્રગટ ટૂંકી વાર્તાઓનો એક સંગ્રહ છેક 1983માં ‘દાણે દાણે તે મહિર’ નામે બાદમાં પ્રગટ કરાયો હતો.
તેમનાં અસ્થિઓને સિંધુ નદીમાં વિસર્જિત કરવાની તેમની અંતિમ ઇચ્છાને માન આપવા, તેમનાં અસ્થિઓ કરાંચી લઈ જવાયાં હતાં. કરાંચીમાં સિંધના મુસ્લિમ સિંધી સાહિત્યકારો, તેમના હિન્દુ તેમજ મુસ્લિમ ભૂતકાલીન વિદ્યાર્થીઓએ, સેંકડોની સંખ્યામાં એકત્રિત થઈને પાકિસ્તાનમાં તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી હતી. તા. 18 એપ્રિલ 1956ના રોજ સિંધના ડિરેક્ટર ઑવ્ પબ્લિક ઇન્સ્ટ્રક્શન, જનાબ ઉસ્માન અલી અન્સારીની સાથે સિંધના મુસ્લિમ લેખકો અને મુંબઈથી ગયેલા એક હિન્દુ લેખક મોતીરામ રામવાણી, કરાંચીથી અસ્થિકળશ લઈને તેમના જન્મસ્થાન હૈદરાબાદ ગયા હતા, ત્યાં પણ ઍની બેસન્ટ હૉલમાં સેંકડોની સંખ્યામાં સ્થાનિક લોકોએ તેમને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને અસ્થિઓ ઉપર પુષ્પવૃષ્ટિ કરી હતી. બાદ જનાબ ઉસ્માન અન્સારીએ જ ભાવવિભોર બનીને તેમનાં અસ્થિઓ સિંધુ નદીમાં વિસર્જિત કર્યાં હતાં. વિભાજન પછી ભારતના કોઈ સિંધી હિન્દુ લેખકનાં અસ્થિઓ આટલાં માનપાન સાથે સિંધુમાં વિસર્જિત કરાયાનો આ પ્રથમ પ્રસંગ હતો, જે અંતિમ પણ બની રહેલ છે.
કેન્દ્રીય સાહિત્ય અકાદમીએ ભારતીય સાહિત્યના નિર્માતા શ્રેણીમાં તેમનું જીવનચરિત્ર પ્રગટ કરેલ છે.
જયંત રેલવાણી