લાર્તિગ, ઝાક હેન્રી (જ. 13 જૂન 1894, પૅરિસ નજીક કોર્બેવોઈ, ફ્રાન્સ; અ. 1986) : પોતાના બાળપણમાં કરેલી ફોટોગ્રાફી માટે વિશ્વવિખ્યાત થયેલા ફ્રેન્ચ ફોટોગ્રાફર અને ચિત્રકાર. પિતા ધનાઢ્ય બૅંકર હતા. લાર્તિગ સાત વરસના હતા ત્યારે પિતાએ જ તેમને પ્લેટ-કૅમેરા અપાવ્યો હતો.

ઝાક હેન્રી લાર્તિગ (એમનાં માતુશ્રી સાથે)

ટીણકુડો લાર્તિગ સ્ટૂલ પર ચઢીને એ અડચણરૂપ ભારેખમ મહાકાય તોતિંગ કૅમેરાથી કડાકૂટ કરીને થાક્યો એટલે પિતાએ એને ‘બ્રાઉની નંબર ટુ’ બ્રાન્ડનો હૅન્ડ-કૅમેરા અપાવ્યો. તદ્દન અવૈધ અને સહજ (candid) પ્રકારની ફોટોગ્રાફી એમણે કરી, જેમાં માનવીઓ સહજાનંદમાં ડૂબેલા જોવા મળે છે. હાસ્યોદ્દીપન, સાહજિકતા અને તાજગી માટે એમની ફોટોગ્રાફી તુરત જ જાણીતી બની. એમનાં પાત્રો બહુધા એમના કુટુંબનાં સભ્યો અને મિત્રો જ રહ્યાં. દસકા પછી ઑટોમોબાઇલ રેસિઝ, ફૅશનેબલ મહિલાઓ તથા દરિયાકાંઠે અને બાગબગીચામાં વિહાર કરતી માનવ-આકૃતિઓ એમની ફોટોગ્રાફીનો વિષય બન્યાં. જીવનોલ્લાસથી ધબકતી એમની ફોટોગ્રાફી જ્યારે 1960માં પહેલી વાર પ્રકાશિત થઈ ત્યારે ફોટોગ્રાફીના એક મહત્વના સીમાસ્તંભરૂપે સમગ્ર વિશ્વમાં નિર્વિવાદ સ્વીકૃતિ પામી. પ્રથમ વિશ્વયુદ્ધ વેળાએ ફ્રાન્સના યુદ્ધમોરચે જઈ લડાતા યુદ્ધની ફોટોગ્રાફી પણ કરી; પરંતુ પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થતાંની સાથે જ ફોટોગ્રાફીમાંથી લાર્તિગનો રસ સદંતર ઊડી ગયો અને તેમને ચિત્રો ચીતરવામાં રસ પડ્યો. જોકે હવે તેઓ ક્વચિત્ ફોટોગ્રાફી કરતા ખરા, પણ તેમાં પહેલાં જેવો દમ દેખાતો નહોતો.

ફ્રાન્સની સરકારે રાષ્ટ્રના સર્વોચ્ચ સન્માન ‘શેવેલિયે દ લા લેજિયોં દ’ઑનર’થી તેમને નવાજ્યા. આ ઉપરાંત, ‘મેદાઇલે દ’આર્જેં દ લા વીલે દ પારી’ ખિતાબથી પણ તેમને નવાજવામાં આવ્યા. એમની ફોટોગ્રાફી ‘ડાયરી ઑવ્ એ સેન્ચરી’ (1970), ‘લ ફેમે યુ સિગારેત’ (‘વિમેન હોલ્ડિંગ સિગારેટ્સ’, 1980) અને ‘લ ઓતોક્રોમે દ જે. એચ. લાર્તિગ’ (1981)  એ પુસ્તકોમાં પ્રકાશિત થઈ છે.

અમિતાભ મડિયા