લામાર્તિન, આલ્ફૉન્સ દ
January, 2004
લામાર્તિન, આલ્ફૉન્સ દ (જ. 21 ઑક્ટોબર 1790, માકો, ફ્રાન્સ; અ. 28 ફેબ્રુઆરી 1869, પૅરિસ) : ફ્રેન્ચ કવિ અને રાજપુરુષ. ફ્રેન્ચ સાહિત્યમાં રોમૅન્ટિક ચળવળના મુખ્ય પ્રચારકોમાંના એક. ફ્રાન્સની રાજ્યક્રાંતિ વખતે, ભયાનક ત્રાસ તરીકે ઓળખાયેલા કપરા જુલમી સમયમાં તેમના ઉમરાવ પિતા ગિલોટિનના માંચડે ચડતાં માંડ માંડ બચી ગયેલા. આલ્ફૉન્સનું શિક્ષણ બેલી મુકામે આવેલ કૉલેજમાં થયેલું. તેમના પરિવારે તેમને નેપોલિયનના લશ્કરમાં જોડાવાની સ્પષ્ટ ના પાડી હતી. જોકે 1814માં લૂઈ 18માના રાજ્યારોહણ પછી તેઓ શહેનશાહના અંગરક્ષક તરીકે નિયુક્ત થયા હતા. વળી પાછા નેપોલિયન બોનાપાર્તના પુનરાગમન નિમિત્તે તેમને સ્વિટ્ઝર્લૅન્ડમાં આશરો લેવો પડેલો. વૉટરલૂમાં નેપોલિયનની હાર થયા પછી પણ આલ્ફૉન્સે લશ્કરી સેવામાંથી નિવૃત્તિ લીધી. તેમના રસનો વિષય સાહિત્ય બન્યું. નાદુરસ્ત તબિયતને લીધે કવિ 1816માં લેક બુર્ઝેના કિનારે માંદલી જૂલી ચાર્લ્સના પ્રેમમાં પડ્યા. જૂલીએ પોતાની લાગવગથી આલ્ફૉન્સને અગત્યના પદ પર મૂકી અપાવ્યા. 1817માં જૂલીના અવસાન પછી પણ તેની યાદમાં ‘લ લેક’ અને ‘લ ક્રૂસી ફી’ જેવાં કાવ્યો રચ્યાં. 1920માં તેમણે અંગ્રેજ સન્નારી મારિયા ઍન બર્ચ સાથે લગ્ન કર્યાં. હવે તેઓ નેપલ્સના ફ્રેન્ચ એલચીખાતામાં સેક્રેટરી તરીકે જોડાયા. આ વર્ષે જ ‘મેદિતાસ્યૉ પોએતિક’ (1820) પ્રથમ કાવ્યસંગ્રહ તરીકે પ્રસિદ્ધ કર્યું. ફ્રેન્ચ કવિતાને આ કાવ્યસંગ્રહે નવું સંગીત, અંતરતમ લાગણી અને રોમૅન્ટિક શૈલી આપ્યાં. આ કાવ્યોમાં મનુષ્યહૃદયની અંગત લાગણી અને ધર્મનિષ્ઠા અભિવ્યક્ત થયાં છે. અઢારમી સદીની શૈલીથી તદ્દન જુદી એવી રોમૅન્ટિક શૈલીમાં સર્જાયેલાં આ કાવ્યો હતાં. એના અનુસંધાનમાં તેમણે 1822માં ‘નુવેલ મેદિતાસ્યા પોએતિક’ અને ‘મૉર દ સોક્રાતી’ પ્રકાશિત કર્યાં. અંગ્રેજ કવિ લૉર્ડ બાયરનની અસર તળે તેમણે ‘લ દેર્નીએ શાં દી પેલરીનાઝ દ’ હારોલ્દ’ (1825) લખ્યું. 1829માં લામાર્તિનને ફ્રેન્ચ અકાદમીએ પોતાના સભ્ય બનાવ્યા. 1830માં તેમણે ‘આર્મોની પોએતિક એત રેલિઝિયૉઝી’ બે ભાગમાં પ્રસિદ્ધ કર્યું.
1830માં લામાર્તિન એલચી ખાતાની નોકરીનો સ્વેચ્છાએ ત્યાગ કરી રાજકારણમાં સક્રિય બન્યા. હવે સામાજિક પ્રશ્નોમાં તેમણે વધુ રસ લેવા માંડ્યો. 1832ની ચૂંટણીમાં ‘ડેપ્યુટી’ તરીકે વિજયી જાહેર થયા. તેમણે ‘લે વિઝ્ર્યા’ આત્માના મહાકાવ્યના એક ભાગ રૂપે લખ્યું. સ્વર્ગમાંથી એક દેવદૂતનું પતન થયું, કારણ કે તે પૃથ્વીવાસી એક સ્ત્રીના પ્રેમમાં પડ્યો હતો. આ તેને અપાયેલા શાપનું પરિણામ હતું. જોકે છેવટે ‘પ્રેમ તો માત્ર પ્રભુને જ કરી શકાય’ તેવું જ્ઞાન થતાં દેવદૂતનો ઉદ્ધાર થયો. આ કાવ્યનું સર્જન કથિત મહાકાવ્યના અંતભાગ તરીકે પ્રથમ થયું હતું. 1830માં ‘યોસલિન’ તરીકે તે પ્રકાશિત થયું હતું. આમાં પણ એક યુવકના પશ્ચાત્તાપની વાત છે. 1838માં આ મહાકાવ્યની શરૂઆત તરીકે ‘ધ ફૉલ ઑવ્ ઍન એન્જલ’ લખાયેલું. 1832–33ના અરસામાં કવિએ લૅબેનન, સિરિયા અને હોલિલૅન્ડની યાત્રા કરી. કૅથલિક ધર્મ પ્રત્યે તેમનો વિશ્વાસ ડગી ગયેલો. તેમનાં સંતાનો અકાળે મૃત્યુ પામેલાં.
‘પોએટિક મેડિટેશન્સ’ (અંગ્રેજી અનુવાદ, 1838) કાવ્યસંગ્રહ છે. જોકે તેમણે કવિધર્મને બદલે માનવધર્મ સ્વીકારેલો. પોતાનો સમય તે સામાજિક સુધારણા માટે ગાળતા થયેલા. શ્રમજીવીઓને માટે ક્રાંતિ કર્યા સિવાય અન્ય કોઈ માર્ગ નથી એમ તેમની રાજકીય સૂઝ કહેતી. તેમણે ‘ઇસ્તુઆર દ ઝિરાદે’માં રાજકીય પક્ષનો ઇતિહાસ લખ્યો છે. ડાબેરી ઝોકવાળા પક્ષોને આ પુસ્તકના વિચારો ખૂબ ગમી ગયેલા.
24 ફેબ્રુઆરી, 1848ના દિવસે પૅરિસમાં ‘સેકન્ડ રિપબ્લિક’ની ઘોષણા થઈ. લામાર્તિન વચગાળાની સરકારના સર્વોચ્ચ વડા તરીકે પસંદ થયેલા. ટૂંક સમયમાં રાષ્ટ્રીય ધારાસભામાં તેઓ બહુમતીથી ચૂંટાઈ આવેલા. શ્રમજીવીઓના તેઓ તારણહાર હતા. જોકે 1848ના જૂન માસમાં તેમની ક્રાંતિકારી સરકારને કચડી નંખાઈ અને લામાર્તિનનું પતન થયું.
1850માં 60 વર્ષની ઉંમરે તેમને અપાર દેવું થઈ ગયેલું. તેઓ ખૂબ ઉદાર હતા. વારસામાં મળેલી મિલકતની આવકનો મોટો ભાગ તેઓ પોતાની બહેનોને વહેંચી દેતા. વળી નાદારી જાહેર કર્યા પછી પણ તેઓ પોતાનાં પુસ્તકો એક પછી એક પ્રસિદ્ધ કરતા રહીને પોતાનું દેવું વધારતા જ ગયા. ‘રૉફેલ’, ‘લ કોંફીદાંસી’ અને ‘નુવલ કોંફીદાંસી’ જેવાં ગદ્યલખાણો; ‘ઝનેવીવ’, ‘આંત્વાનેલા’, ‘મેમ્બર પૉલિતિક’ જેવી નવલકથાઓ અને ‘લા વિનૉ એત લા મેઝૉ’ અને ‘લ દેઝેર’ જેવાં કાવ્યો; ‘ઇસ્તુઆર કાસ્તિ ત્વૉ’, ‘ઇસ્તુઆર દ લા રેસ્તોરેશન’, ‘ઇસ્તુઆર દ લા રુસી’, ‘ઇસ્તુઆર દ લા તુર્કી’ જેવા ઇતિહાસગ્રંથો તેમના સર્જનનો વિપુલ ફાલ છે. રૂઢિપરસ્ત મધ્યમ વર્ગના લોકો તેમના વિચારોના વિરોધી હતા અને તેમના અવસાનની મોટાભાગની પ્રજાએ ભાગ્યે જ નોંધ પણ લીધી હતી. તો વળી તેઓ મોટા ગજાના કવિ અને સાહિત્યકાર હતા તે વિશે બેમત નથી. છંદોબદ્ધ કાવ્યરચનાના સર્જક તરીકે તેઓ પરિવ્રાજક અને દ્રષ્ટા હતા. કવિ આર્થર રૅમ્બોએ તેમને ઈશ્વરના ખ્યાલમાં સતત ખોવાયેલ રહેતા માનવી અને એક બહાદુર રાજકીય લડવૈયાની જેમ સદાય ઝૂઝતા સૈનિક તરીકે ઓળખાવેલા.
વિ. પ્ર. ત્રિવેદી