લાબ્રુસ્તે હેન્રી (જ. 1801; અ. 1875) : ફ્રેન્ચ સ્થપતિ. ફ્રેન્ચ દરબારના અધિકારીનો ચોથો પુત્ર. સત્તર વર્ષની ઉંમરે તે ચિત્રકલા અને સ્થાપત્યની શાળામાં જોડાયો અને લેબસ વાઉડોયરના કલાભવન(artelier)માં વિદ્યાર્થી તરીકે પ્રવેશ મેળવ્યો. 1819માં ઇકોલે રૉયલે દિ આર્કિટેક્ચરમાં દાખલ થયો. શરૂઆતથી તે સ્વભાવે ઘમંડી અને અતડો હતો, પરંતુ રૂઢિચુસ્ત ન હતો. તે સાચો બુદ્ધિજીવી હતો. સમગ્ર ફ્રાન્સની તેણે સાત અઠવાડિયાંમાં મુસાફરી કરી અને અંતે તે રોમ પહોંચ્યો. આ મુસાફરી તેને ફળદાયી નીવડી. આ સંદર્ભમાં તેણે કહ્યું કે, ‘‘મને જે ભણાવવામાં આવ્યું તે સારું હતું, પરંતુ સ્થાપત્યની સામે ઊભા રહીને હું જે સમજ્યો અને અનુભવ્યું તે ઘણું સારું હતું.’’ આમ સ્થાપત્યના અભ્યાસ માટે સ્થાપત્યની પ્રત્યક્ષ મુલાકાત જરૂરી હોવાનું તે માનતો. રોમમાંથી પાછા ફર્યા બાદ તેણે પોતાના કલાભવન(artelier)ની સ્થાપના કરી. તેનું આ કલાભવન ફ્રાન્સમાં બુદ્ધિવાદના શિક્ષણનું કેન્દ્ર બન્યું. તે કુશળ રેખાંકનકાર (‘ડ્રાફ્ટમૅન’) હતો. અતિશય લાગણીશીલ હતો, જે તેનાં 26 ચિત્રો દ્વારા જાણી શકાય છે. આ ચિત્રોએ તેને સ્થાપત્યનું મોટું અને પ્રતિષ્ઠિત ગ્રાન્ડ પ્રિક્સ દિ રોમ પારિતોષિક 1824માં અપાવ્યું. આ ચિત્રોમાં તેણે ગ્રીસના શિષ્ટ પ્રાચીન પાએસ્ટમ મંદિરો દર્શાવ્યાં હતાં. તેની અગાઉના પારિતોષિક વિજેતાઓએ રોમની ઇમારતોને પોતાના વિષય તરીકે પસંદ કરી હતી, જ્યારે તેમનાથી વિરુદ્ધ લાબ્રુસ્તેએ ગ્રીસની ઇમારતોને વિષય તરીકે પસંદ કરી હતી. આને કારણે રાતોરાત તે સ્થાપત્યના વિદ્યાર્થીઓનો નેતા બની ગયો. લોકો તેને પોતાના ખભા ઉપર બેસાડીને પૅરિસની ગલીઓમાં ફર્યા. સ્થાપત્યના ક્ષેત્રે બે રીતે તેનું પ્રદાન છે : કેટલાક વિદ્યાર્થીઓ તેના કલાભવનમાં અભ્યાસ કરીને તૈયાર થયા અને કેટલાક વિદ્યાર્થીઓએ તેના માર્ગદર્શન નીચે શિષ્ટ પ્રાચીન ઇમારતોનાં ચિત્રો તૈયાર કર્યાં હર્તં. તેણે બે ઇમારતોની ડિઝાઇન તૈયાર કરી હતી. આ બંને ઇમારતો ગ્રંથાલયની હતી – બીબ્લિઑથેક સેંટ જેનેવેવ અને બીબ્લિઑથેક નૅશનલે. આ બંને ઇમારતોના બાંધકામમાં લોખંડ(cast iron)નો પુષ્કળ ઉપયોગ થયો હતો, જ્યારે તેની બહારની બાજુએ ફરતે પથ્થર વાપરવામાં આવ્યો હતો. જેમાં લોખંડ વાપરવામાં આવ્યું હોય એવી આ પ્રથમ જાહેર ઇમારતો હતી. અહીંથી આધુનિક સ્થાપત્યના ઉદભવની સીમા આંકી શકાય છે. તેણે આધુનિક સ્થાપત્યની ચળવળનો મજબૂત પાયો નાંખ્યો હતો. આ ચળવળ આજે પણ ચાલુ છે, જે બાબત તેના જીવનને મૂલવવા માટે પૂરતી છે.

સ્નેહલ શાહ

અનુ. થોમસ પરમાર