લાબ્રાડૉર સમુદ્ર : ઉત્તર આટલાંટિક મહાસાગરનો વાયવ્ય ફાંટો. ભૌગોલિક સ્થાન : તે 57° 00´ ઉ. અ. અને 53° 00´ પ. રે.ની આજુબાજુ વિસ્તરેલો છે. તેની નૈર્ઋત્ય તરફ લાબ્રાડૉર, કૅનેડા અને ઈશાન તરફ ગ્રીનલૅન્ડ આવેલાં છે. ઉત્તર તરફ તે ડેવિસની સામુદ્રધુની મારફતે બેફિનના ઉપસાગર સાથે તથા પશ્ચિમ તરફ હડસનની સામુદ્રધુની મારફતે હડસનના અખાત સાથે જોડાયેલો છે. આ સમુદ્રમાં થઈને ઉત્તર તરફથી આવતો ઓછી ક્ષારતાવાળો, ઠંડો લાબ્રાડૉર પ્રવાહ કૅનેડાના કિનારે કિનારે દક્ષિણ તરફ વહે છે; જ્યારે દક્ષિણ તરફથી આવતો, વધુ ક્ષારતાવાળો, હૂંફાળો પશ્ચિમી ગ્રીનલૅન્ડ પ્રવાહ ગ્રીનલૅન્ડને કિનારે ઉત્તર તરફ વહે છે. લાબ્રાડૉરનો પ્રવાહ પોતાની સાથે ઘણી મોટી સંખ્યામાં તરતા હિમગિરિ ખેંચી લાવે છે, તેથી જહાજી અવર-જવર આ સમુદ્રના માત્ર પૂર્વ ભાગમાંથી થાય છે. જહાજી વેપાર માટેનો સમયગાળો મધ્ય ઉનાળા પછીનો હોય છે. ગ્રીનલૅન્ડના કિનારા પરનાં બંદરો કાર્યરત રહે છે. ગ્રીનલૅન્ડનાં બંદરો પર મુખ્ય પ્રવૃત્તિ કૉડ માછલી પકડવાની છે. ભૂતકાળમાં અહીંથી વાયવ્ય તરફનો આટલાંટિક અને પૅસિફિક મહાસાગરોને જોડતો દરિયાઈ માર્ગ શોધી કાઢવા માટે ઘણા દરિયાઈ ખેડુઓ આ માર્ગેથી પસાર થયેલા.

નીતિન કોઠારી