લાફૉન્તેન, હેન્રી
January, 2004
લા ફૉન્તેન, હેન્રી (જ. 22 એપ્રિલ 1854, બ્રસેલ્સ; અ. 14 મે 1943, બ્રસેલ્સ) : આંતરરાષ્ટ્રીય કાયદાના નિષ્ણાત તથા 1913ના વર્ષના શાંતિ માટેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમના પિતા બેલ્જિયમની સરકારમાં નાણાખાતામાં ઉચ્ચ અધિકારી હતા. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ બ્રસેલ્સ નગરની શાળાઓમાં લીધા બાદ તેઓ કાયદાના અભ્યાસ માટે બ્રસેલ્સની ફ્રી યુનિવર્સિટીમાં દાખલ થયા અને 1877માં તે વિષયમાં ડૉક્ટરેટની પદવી પ્રાપ્ત કરી. તેમણે તુરત જ પોતાના નગરમાં વકીલાત શરૂ કરી. એ સાથે તેઓ છોકરીઓ માટેની એક ટૅકનિકલ શાળામાં વહીવટી અધિકારી નિમાયા. આ શાળામાં તેમણે જે સુધારાવધારા અને પ્રયોગો દાખલ કર્યા તે યુરોપના અન્ય દેશોની શાળાઓ માટે નમૂનારૂપ બન્યા. સ્ત્રીશિક્ષણ અને સ્ત્રીઓના અધિકારોના તેઓ પ્રખર હિમાયતી હતા. સ્ત્રીઓએ ધારાશાસ્ત્રીઓના વ્યવસાયમાં મોટા પ્રમાણમાં દાખલ થવું જોઈએ એવી તેમની દૃઢ માન્યતા હતી. તેમણે થોડાક સમય માટે ‘એસોસિયેશન ફૉર ધ પ્રોફેશનલ એજ્યુકેશન ઑવ્ વિમેન’ સંસ્થાના પ્રમુખપદે પણ કામ કર્યું હતું. બ્રસેલ્સની ફ્રી યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય કાયદાના અભ્યાસ માટે ન્યૂ યુનિવર્સિટી નામથી અલાયદી વિદ્યાશાખાની સ્થાપનામાં તેમણે નોંધપાત્ર ભાગ ભજવ્યો હતો.
1893માં તેઓ બ્રસેલ્સ યુનિવર્સિટીમાં કાયદાશાસ્ત્રના પ્રોફેસર તરીકે જોડાયા, જ્યાં તેમણે 1940 સુધી અધ્યાપન કર્યું. દરમિયાન 1891માં તેઓ દેશની સોશ્યાલિસ્ટ પાર્ટીમાં દાખલ થયા અને પક્ષના સામયિક ‘લા જસ્ટિસ’ના તંત્રી બન્યા. 1895માં બેલ્જિયમની સોશ્યાલિસ્ટ પાર્ટીના ઉમેદવાર તરીકે તેઓ દેશની સંસદના ઉપલા ગૃહ-સેનેટમાં ચૂંટાયા. 1919–32ના ગાળામાં તેમણે સેનેટના સેક્રેટરી તથા ઉપાધ્યક્ષપદે કામ કર્યું હતું.
દેશમાં શિક્ષણનો પ્રસાર તથા કામદારોના કામની શરતોની સુધારણા માટે તેમણે ઝુંબેશ ઉપાડી. આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તેઓ નિ:શસ્ત્રીકરણ તથા પરસ્પરના વિવાદોની પતાવટ માટે લવાદીની પદ્ધતિની હિમાયત કરતા રહ્યા. 1882માં સ્થાપવામાં આવેલ ઇન્ટરનેશનલ પીસ બ્યૂરોની પ્રવૃત્તિઓમાં તેઓ સક્રિય બન્યા તથા આ સંસ્થાના માધ્યમથી હેગ શાંતિ સંધિને નક્કર સ્વરૂપ આપવાનો તેમણે સફળ પ્રયાસ કર્યો. 1907માં તેઓ ઇન્ટર-પાર્લમેન્ટરી યુનિયનમાં બેલ્જિયમના પ્રતિનિધિ તરીકે જોડાયા. દેશની ન્યાયિક સમિતિના ચૅરમૅન-પદે પણ તેમની નિમણૂક થઈ હતી.
પ્રથમ વિશ્વયુદ્ધ (1914–18) સમાપ્ત થયા બાદ 1919માં પૅરિસ ખાતે જે શાંતિ પરિષદ યોજવામાં આવી હતી તેમાં પોતાના દેશના પ્રતિનિધિ તરીકે તેમણે હાજરી આપી હતી. 1920 –21માં લીગ ઑવ્ નૅશન્સની સ્થાપનાની પ્રારંભિક મંત્રણાઓમાં પણ તેમણે સક્રિય ભાગ લીધો હતો. બેલ્જિયમમાં ‘વર્લ્ડ ઇન્ટલેક્ચ્યૂઅલ સેન્ટર’ની સ્થાપનામાં તેમની ભૂમિકા મહત્વની રહી હતી; એટલું જ નહિ, પરંતુ વિશ્વના અન્ય દેશોમાં આવી સંસ્થાઓની સ્થાપના થવી જોઈએ અને તે સંસ્થાને વિશ્વરાજકારણમાં વિશ્વસંસદ તથા આંતરરાષ્ટ્રીય ન્યાયાલયનો મોભો મળવો જોઈએ એ માટે તેમણે ઝુંબેશ પણ ઉપાડી.
બીજા વિશ્વયુદ્ધ(1939–45)ની શરૂઆત થઈ ત્યારે તેમણે દેશ છોડીને પ્રથમ ઇંગ્લૅન્ડમાં અને ત્યારબાદ અમેરિકામાં સ્થળાંતર કર્યું. અમેરિકામાં તેમણે વૉશિંગ્ટન ખાતે વસવાટ કર્યો હતો.
તેમણે ન્યાયશાસ્ત્ર પર વિપુલ લખાણ કર્યું છે, જેમાં 1794–1900ના ગાળામાં થયેલી લવાદીનો ઇતિહાસ ‘ડૉક્યુમેન્ટરી હિસ્ટરી ઑવ્ ઇન્ટરનૅશનલ આર્બિટ્રેશન’, ‘ડૉક્યુમેન્ટેશન ઑન પીસ ઍન્ડ ઇન્ટરનૅશનલ આર્બિટ્રેશન’ (1904) (જેમાં 2,000 જેટલી લવાદીના કિસ્સાઓની વિગતો છે.) તથા ‘ધ ગ્રેટ સોલ્યૂશન’(1916)નો સમાવેશ થાય છે.
આંતરરાષ્ટ્રીય સ્તરે વિશ્વશાંતિની ઝુંબેશ ઉપાડવા માટે તથા આંતરરાષ્ટ્રીય કાયદાના ઘડતરમાં ફાળો આપવા માટે તેમને 1913નું શાંતિ માટેનું નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું હતું.
તેમને પર્વતારોહણમાં સક્રિય રસ હતો. તેમણે કેટલાંક કાવ્યો પણ લખ્યાં છે.
બાળકૃષ્ણ માધવરાવ મૂળે