લા ફૉન્તેઇન, ઝાં દ (જ. 8 જુલાઈ 1621, શૅમ્પેન, ફ્રાન્સ; અ. 13 એપ્રિલ 1695) : ફ્રેન્ચ કવિ. પ્રાણીકથાઓના મુખ્ય કવિઓમાંના એક. ઈસપ અને ફિડ્રસની પરંપરામાં નોંધપાત્ર સર્જક-કવિ. ઉપલક દૃષ્ટિએ સીધાંસાદાં લખાણોમાં તેમનો કટાક્ષ અત્યંત વેધક અને અભૂતપૂર્વ હોય છે; એટલું જ નહિ, પરંતુ તેમનાં લખાણોમાં અદભુત માનસશાસ્ત્રીય અવલોકન વરતાય છે. મૉલિયર જેમ નાટકમાં, તેમ ફૉન્તેઇન આડકતરી નૈતિક બોધવાળી પ્રાણીકથા માટે સુવિખ્યાત છે. ‘ફેબલ્સ’માં તેમનાં 240 કાવ્યોના 12 ભાગ 1668થી 1694 (અં. અનુ. 1734) દરમિયાન રચાયા તે બધા સંગૃહીત છે. આ કાવ્યોના મૂળ સ્રોતનું પગેરું પૂર્વના દેશોના સાહિત્યમાં તેમજ સમકાલીન સાહિત્યમાં મળી આવે છે. આમાંની ‘લા સિગેલ ઍત લા ફૉર્મી’ (‘ધ ગ્રાસહૉપર ઍન્ડ ધી આન્ટ’) અને ‘લ કૉર્બો ઍત લ રેનાર્દ’ (ધ ક્રો ઍન્ડ ધ ફૉક્સ) ફ્રાન્સમાં અત્યંત લોકપ્રિય કાવ્યો તરીકે જાણીતાં હતાં.

ઝાં દ લા ફૉન્તેઇન

તેઓ વનવિભાગમાં ઇન્સ્પેક્ટર હતા. જળમાર્ગોના પણ તેઓ નિરીક્ષક હતા. પૅરિસ અને અન્ય પ્રાન્તોમાં પોતાના હોદ્દાની રૂએ તેમને ખૂબ ફરવાનું થતું હતું. તેમનું વ્યક્તિત્વ હસમુખું અને મોહક હતું. તેઓ વાક્ચતુર હતા. ધનિકવર્ગ તરફથી તેમને આર્થિક ટેકો મળી રહેતો. લુઈ 14માના, રાજ્યના તિજોરી-અધિકારી નિકોલસ હુકે  અને માદામ દ લા સૅબ્લિયેર તરફથી તેમને પ્રોત્સાહન સાંપડ્યું હતું. માદામના ઘેર બુદ્ધિજીવીઓની મહેફિલમાં તેઓ સક્રિય હતા. ફિલસૂફો, વૈજ્ઞાનિકો અને લેખકોનો ત્યાં કાયમ જમેલો થતો હતો. તેમના અગતાનુગતિક વલણને લઈને તેઓ અજાતશત્રુ બની રહ્યા હતા.

‘લ અનિક’ (1654) (‘ધ યૂનક’) તેમનું હાસ્યપ્રધાન નાટક છે. રોમન નાટ્યકાર ટેરેન્સના અનુકરણમાં તેમણે તે લખેલું. ‘ટેલ્સ ઍન્ડ નૉવેલ્સ ઇન વર્સ’ (અં. અનુ. 1898), બૉકાચિયો અને ઍરિયૉસ્તોની શૈલીમાં લખાયેલી તેમની વાર્તાઓ છે. 1664થી જીવનના અંત સુધી એક પછી એક એમ તેમની આ વાર્તાઓ પ્રસિદ્ધ થતી રહી હતી. તેમના મુખ્ય સર્જન ‘ફેબલ્સ’નો અંગ્રેજી અનુવાદ 1806, 1931, 1952, 1954 તથા 1979માં પણ થયો હતો. મિથ્યાભિમાન, બુદ્ધિહીનતા અને સ્વમતાગ્રહી સ્વભાવનાં પ્રાણીઓની કથાઓ માનવસમાજને પણ કેટલી બધી લાગુ પડે છે ! મૉન્તેઇનની જેમ ફૉન્તેઇન શાંત-પ્રસન્ન નીતિવાદી હતા. આડકતરો બોધ આપતી તેમની રચનાઓ આબાલવૃદ્ધ સૌને માટે આજે પણ પ્રસ્તુત છે. ‘ધ લવ્ઝ ઑવ્ ક્યૂપિડ ઍન્ડ સાયકી’ (1669) (અં. અનુ. 1744) ગદ્ય-પદ્યમાં લખાયેલું તેમનું સુખાંત-હાસ્યપ્રધાન નાટક છે.

વિ. પ્ર. ત્રિવેદી