લાડસાગર : ચાચા હિત-વૃંદાવનદાસરચિત રાધાના શૈશવથી લઈને કિશોરાવસ્થા સુધી શ્રીકૃષ્ણ પ્રત્યે વ્યક્ત થયેલ પ્રેમનો અગાધ સાગરરૂપ ગ્રંથ. ઈ. સ. 1747થી 1778 દરમિયાન એની રચના થઈ છે. આમાં શૈશવાવસ્થાની ચપળ ક્રીડાઓનું સ્વાભાવિક વર્ણન કરતાં કવિ પોતાની ભાવના દ્વારા અનોખું અને અદ્વિતીય શબ્દચિત્ર રજૂ કરે છે. ‘લાડસાગર’ દશ પ્રકરણોમાં વિભક્ત છે. એમાં રાધાની બાળલીલાઓ, શ્રીકૃષ્ણની લીલાઓ વિવાહ, ઉત્કંઠા, કૃષ્ણ-સગાઈ, વિવાહ-મંગલ વગેરે પ્રસિદ્ધ વિષય નિરૂપાયા છે. વાત્સલ્ય અને શૃંગાર પણ વિવાહ-સંસ્કારથી પરિમાર્જિત શૃંગાર છે. રાધા સ્વકીયા રૂપે ચિત્રિત થઈ છે. પૂર્વાનુરાગ સ્વપ્નદર્શન, પ્રત્યક્ષ દર્શન અને શ્રવણ-દર્શન વાર્તાલાપાદિ બધી સ્થિતિઓમાં વર્ણન મનોહર થયું છે. લાડ એટલે વાત્સલ્ય-પ્રેમની અભિવ્યંજના આ કૃતિમાં સમગ્રપણે વ્યક્ત થઈ છે.
‘લાડસાગર’ની ભાષા બોલચાલની વ્રજભાષા છે. વ્રજના રીત-રિવાજો, તહેવારો, વ્રતો, પર્વો અને ધાર્મિક સામાજિક અવસરોનાં વર્ણન દ્વારા જાણે કવિ પોતાની કૃતિ સાહિત્યિક અભિવ્યક્તિમાં સમાવિષ્ટ ન થઈ જાય એની કાળજી લેતા જણાય છે. કહેવતો અને રૂઢિપ્રયોગોનો પ્રચૂરમાત્રામાં પ્રયોગ થયો છે. ગેયપદોમાં લાડસાગરની રચના થઈ છે, પરંતુ દોહા, અરિલ્લ, સીરણ, કવિત્ત, છપ્પા વગેરેનો પ્રયોગ પણ થયો છે. સમગ્ર ગ્રંથમાં ચાળીસ રાગોનો પ્રયોગ થયો છે, જે રચનાકારના શાસ્ત્રીય સંગીતના જ્ઞાનને છતું કરે છે. લેખકે દરેક પ્રકરણને અંતે એનો રચનાકાળ સ્વયં લખ્યો છે. હિંદી સાહિત્યના રીતકાલીન પ્રબંધ-કાવ્યોમાં ‘લાડસાગર’નું ભક્તિ-પ્રબંધ-કાવ્ય તરીકે મહત્વપૂર્ણ સ્થાન ગણાય છે.
પ્રવીણચંદ્ર પરીખ