લાડખાન મંદિર : કર્ણાટક રાજ્યના વીજાપુર જિલ્લામાં આવેલા ઐહોલમાં ચાલુક્ય શૈલીનાં લગભગ 70 જેટલાં મંદિરો પૈકીનું સૌથી પ્રાચીન મંદિર. તેનો વિસ્તાર 15 સમચોરસ મીટર છે. જીર્ણોદ્ધારને લીધે તેનું મૂળ સ્વરૂપ બદલાઈ ગયું છે. પૂર્વાભિમુખ આ મંદિરને ફરતો પ્રાકાર (કોટ) છે. મંદિર ગર્ભગૃહ અને સભામંડપનું બનેલું છે. ગર્ભગૃહને ફરતો પ્રદક્ષિણાપથ છે. પ્રદક્ષિણાપથમાંનું અંધારું દૂર કરવા બંને બાજુની દીવાલોમાં પથ્થરની જાળીઓ મૂકેલી છે. મંડપમાં નંદી પધરાવેલ હોવાથી આ શૈવ મંદિર હોવાનું લાગે, પરંતુ ગર્ભગૃહની દ્વારશાખાના લલાટબિંબને જોતાં આ વૈષ્ણવમંદિર હોવાનું સ્પષ્ટ થાય છે. આ મંદિર ચાલુક્ય શૈલીની પ્રાથમિક દશાનું છે. તે સ્થાપત્યકીય મહત્વ ધરાવે છે. સાધારણ શંકુ ઘાટ ધારણ કરતા સમચોરસ સ્તંભોના મથાળે આમલક ઘાટની શિરાવટીઓ આવેલી છે. મંડપને ફરતી વેદિકા સહિતના કક્ષાસનની રચના સૌપ્રથમ આ મંદિરમાં જોવા મળે છે. તેના શિખરની રચના પણ વિશિષ્ટ છે. પથ્થરની લાંબી છાટોને એકબીજી સાથે સાલવીને બનાવેલા નાનામોટા ચોકઠા વડે શિખર બનાવવામાં આવ્યું છે. આથી શિખરનો ઘાટ પગથિયા જેવો (stepped) દેખાય છે.

થોમસ પરમાર