લાગાશ : પ્રાચીન સુમેરમાં સૌથી વધુ મહત્વનાં પાટનગરોમાંનું એક. તે ટાઇગ્રિસ અને યુફ્રેટીસ નદીઓ વચ્ચેના પ્રદેશમાં ઇરાકમાં આવેલું આધુનિક ટેલો (Telloh) નગર છે. ટેલોના ટેકરાનું પ્રાચીન નામ ગિરસુ (Girsu) હતું; જ્યારે લાગાશ ગિરસુના અગ્નિ ખૂણે આવેલું હતું. પાછળથી લાગાશ આ જિલ્લાનું તથા ગિરસુનું પણ નામ થઈ ગયું. ઈ. સ. 1877 અને 1933 દરમિયાન ફ્રેન્ચોએ ત્યાં ઉત્ખનન કરીને 50,000 (પચાસ હજાર) ક્યુનિફૉર્મ લિપિની તકતીઓ શોધી કાઢી. ઈ. પૂ. 3000માં સુમેર વિશેનું જ્ઞાન પ્રાપ્ત કરવા વાસ્તે તે મહત્વનો સ્રોત પુરવાર થયેલ છે. સુમેરની કલાના કાલક્રમાનુસારી વિકાસ વિશે જાણવા માટે, પથ્થરો તથા ઈંટો ઉપરના અભિલેખો અમૂલ્ય પુરાવા બન્યા છે. પ્રાગૈતિહાસિક ઉબેદ સમયમાં (ઈ. પૂ. 5200–3500) તે શહેર વસાવવામાં આવ્યું અને પાર્થિયન યુગ (ઈ. પૂ. 247 – ઈ. સ. 224) સુધી ત્યાં લોકોનો વસવાટ હતો. શરૂના ડાયનેસ્ટિક (Dynastic) સમયમાં લાગાશના શાસકો પોતાને ‘રાજા’ કહેતા. અક્કડ જાતિના રાજા સાર્ગોન પાસે પણ લાગાશનો અંકુશ આવ્યો હતો. ત્યારબાદ આશરે 150 વર્ષ બાદ લાગાશનો પુનરુદ્ધાર થયો. ગુડિયા નામના ગવર્નરના શાસન હેઠળ, તે નગર સમૃદ્ધ બન્યું. તે સ્વતંત્ર રાજા ન હતો.
લાગાશમાં ઘણાં મંદિરો હતાં. તેમાં એનલિલ દેવનું મંદિર મહત્વનું ગણાતું હતું.
જયકુમાર ર. શુક્લ