લાખાજીરાજ (જ. 1883 રાજકોટ; અ. 2 ફેબ્રુઆરી 1930, રાજકોટ) : રાજકોટના પ્રજાવત્સલ, પ્રગતિશીલ અને દેશભક્ત રાજા. એમના પિતા બાવાજીરાજનું 1889માં માત્ર 34 વર્ષની યુવાન વયે આકસ્મિક અવસાન થવાથી લાખાજીરાજ 6 વર્ષની સગીર વયે ગાદીએ બેઠા અને પૉલિટિકલ એજન્ટની દેખરેખ હેઠળ કારભારી મોતીચંદ તુલસી રાજ્યનો વહીવટ ચલાવતા હતા. લાખાજીરાજને 1907માં સ્વતંત્ર વહીવટી સત્તા મળી. તેઓ સૌરાષ્ટ્રના અસાધારણ રાજાઓમાંના એક હતા. તેમણે પ્રથમ વિશ્વવિગ્રહ (1914–18) દરમિયાન બ્રિટિશ સરકારને આર્થિક અને લશ્કરની મદદ કરી હતી. 1918–19 તથા 1924–25 દરમિયાન ફાટી નીકળેલ પ્લેગ તથા ઇન્ફ્લુએન્ઝાના સખત રોગચાળા વખતે લોકોને માટે રાહતકાર્યોની વ્યવસ્થા કરવામાં જાતે રસ લીધો હતો. તેમણે સ્થાનિક હસ્તઉદ્યોગ તથા ઉદ્યોગોને પ્રોત્સાહન આપ્યું હતું. તેમણે શિક્ષણના વિકાસમાં રસ લીધો, રાજ્યમાં અનેક શાળાઓ શરૂ કરી અને સ્કાઉટિંગની પ્રવૃત્તિને ઉત્તેજન આપ્યું હતું. સિવિલ સ્ટેશન તથા કાઠિયાવાડ નરેન્દ્ર મંડળ સ્થાપવાના તેમના પ્રયાસો વિશે એમને રાજકોટની પૉલિટિકલ એજન્સી સાથે મતભેદો થયા હતા.
લોકોમાં નૂતન રાજકીય જાગૃતિ ઉદભવી તેની તરફેણમાં તેઓ હતા; અને કાઠિયાવાડ રાજકીય પરિષદનું પ્રથમ અધિવેશન રાજકોટમાં ભરવાની તેમણે રજા આપી હતી. જાન્યુઆરી, 1925માં ભાવનગર મુકામે મહાત્મા ગાંધીના પ્રમુખપદે ભરાયેલ કાઠિયાવાડ રાજકીય પરિષદના ત્રીજા અધિવેશનમાં તેમણે હાજરી આપી હતી. ગાંધીજીના પ્રમુખપદે આ સંસ્થા દ્વારા યોજવામાં આવેલ એક જાહેર સભામાં, લાખાજીરાજે કાઠિયાવાડના લોકોની કરેલ સેવાઓની પ્રશંસા કરતું માનપત્ર અર્પણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ એ જ વર્ષે ફેબ્રુઆરીમાં ગાંધીજીએ રાજકોટની મુલાકાત લીધી ત્યારે ઠાકોરસાહેબે ગાંધીજીને પોતાની સાથે જમણી બાજુએ બેસાડી સન્માન કર્યું હતું અને રાષ્ટ્રીય શાળા ખોલી હતી.
29 સપ્ટેમ્બર, 1923ના રોજ તેમણે રાજકોટ પ્રજા-પ્રતિનિધિ સભાનું ઉદઘાટન કર્યું. તેમાં સર્વે સભ્યો લોકોએ ચૂંટેલા હતા. આ અપૂર્વ પગલાને લીધે, સૌરાષ્ટ્રમાં રાજકોટ પ્રગતિશીલ રાજ્ય ગણવામાં આવ્યું. 10 ફેબ્રુઆરી, 1926ના રોજ તેમણે કામદારોની પરિષદ અને બીજે મહિને અખિલ ધર્મસભાનું અધિવેશન ખુલ્લું મૂક્યું. તેમણે વેપારીમંડળ, ખેડૂત મહાસભા વગેરે સંસ્થાઓ સ્થાપી. રવીન્દ્રનાથ ટાગોરે રાજ્યની મુલાકાત લીધી ત્યારે ઠાકોરસાહેબે તેમનું સ્વાગત કર્યું હતું. પંડિત જવાહરલાલ નહેરુએ યુવક પરિષદનું પ્રમુખપદ સંભાળવા 1929માં રાજકોટની મુલાકાત લીધી ત્યારે તેમનું પણ સ્વાગત કર્યું હતું. તેમણે પોતાના શાસનકાળ દરમિયાન ઘણા સુધારા કર્યા હતા. તેઓ ગુજરાતના પ્રગતિશીલ રાજવીઓમાંના એક હતા.
રામજીભાઈ ઠા. સાવલિયા
જયકુમાર ર. શુક્લ