લાખાણી, રજબઅલી (જ. 22 જુલાઈ 1919, કરાચી (હવે પાકિસ્તાન); અ. 1 જુલાઈ 1946, અમદાવાદ) : સ્વાતંત્ર્યસેનાની અને હિંદુ-મુસ્લિમ એકતા માટે પોતાના પ્રાણ ન્યોછાવર કરનાર શહીદ. મૂળ વતન લીંબડી (સૌરાષ્ટ્ર). સુખી ખોજા પરિવારમાં જન્મ. પિતાનું નામ ગુલામઅલી જેઓ કેન્દ્ર સરકારના કસ્ટમ ખાતામાં નોકરી કરતા. રજબઅલીનું પ્રાથમિક શિક્ષણ કરાંચી ખાતે. માધ્યમિક શિક્ષણ અંશત: કરાંચી અને અંશત: વતન લીંબડીમાં. બાળપણથી વાચનનો ખૂબ શોખ. તે ગાળામાં જ ગાંધીવિચારસરણીના પ્રભાવની શરૂઆત થઈ. રજબઅલીના વિચારો, વાણી અને વર્તનથી પરિવારના કરાંચીના નિવાસ દરમિયાન માતા-પિતાને લાગ્યું કે આ છોકરો ગાંધી બાપુ દ્વારા ચલાવવામાં આવતી ચળવળમાં સામેલ થશે અને તેને કારણે પિતાની નોકરી જોખમાશે. આ બીકથી પિતાએ કસ્ટમ ખાતામાંથી લાંબી રજા લીધી અને તેઓ રજબઅલીને લઈને લીંબડી આવતા રહ્યા, જ્યાંની શાળામાંથી રજબઅલીએ મૅટ્રિકની પરીક્ષા સારા ગુણ સાથે પસાર કરી અને ઉચ્ચ શિક્ષણ માટે ભાવનગરની શામળદાસ કૉલેજમાં પ્રવેશ

રજબઅલી લાખાણી

મેળવ્યો. તેઓ જુનિયર બી.એ.ના વર્ગમાં હતા ત્યારે 1938માં રાજકોટ સત્યાગ્રહની શરૂઆત થઈ જેમાં રજબઅલીએ ભાગ લીધો, જેને કારણે તેમની ધરપકડ કરવામાં આવી હતી. સત્યાગ્રહ શરૂ થયો અને તરત જ રજબઅલી ભાવનગર છોડી લીંબડી આવતા રહ્યા અને ભાલ પ્રદેશના ગ્રામવિસ્તારમાં પ્રવાસ કરી આઝાદીની લડતમાં ભાગ લેવા લોકોને સમજાવતા. તેમની ધરપકડ થઈ તે વર્ષ 1941નું હતું. કારાવાસમાંથી મુક્તિ મળ્યા પછી તેમણે ઘોઘાના વ્યક્તિગત સત્યાગ્રહમાં ભાગ લીધો, જેને કારણે તેમને ફરી કારાવાસ ભોગવવો પડ્યો. તે જ વર્ષે અમદાવાદમાં પહેલી વાર કોમી હુલ્લડો થયાં જે દરમિયાન કોમી એખલાસ માટે તેમણે કામ કર્યું. 1942ની ‘હિંદ છોડો’ ચળવળમાં ભાગ લેવા બદલ ફરી તેમની ધરપકડ કરવામાં આવી અને જેલવાસ થયો. ત્યાંથી મુક્ત થયા પછી કાઠિયાવાડની રાજકીય પરિષદમાં સક્રિય બન્યા. સાથોસાથ લેખન-વાચનમાં પણ પરોવાયેલા રહેતા. સ્વાતંત્ર્યસેનાની વસંતરાવ હેગિષ્ટે સાથે મિત્રતાના સંબંધો વધતા જ હતા, જેને પરિણામે કૉંગ્રેસ સેવાદળના કાર્યમાં અને સ્વરાજને લગતાં કામોમાં સક્રિયતા પણ વધતી ગઈ.

1946માં ફરી વાર અમદાવાદમાં કોમી તોફાનો ફાટી નીકળ્યાં, જે ખાળવા માટે વસંતરાવ અને રજબઅલી કટિબદ્ધ થયા. શહેરના જમાલપુર વિસ્તારમાં વ્યાપક લૂંટ, આગ અને ખૂનામરકીના સમાચાર મળતાં વસંતરાવ અને રજબઅલી લોકોને સમજાવવા ત્યાં ગયા. ધારિયાં, લાઠીઓ, લોખંડની પાઇપો, ચપ્પુ અને છરા જેવાં કરપીણ હથિયારોથી સજ્જ ટોળાં કોમી નફરતમાં ચકચૂર હતાં. હમરાહ પર જ ટોળાંઓએ તેમના પર હુમલો કર્યો. બંને શહીદ થયા. રજબઅલીને શહેરના ગોમતીપુર વિસ્તારમાં આવેલા ચાર તોડા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવ્યા.

ઝવેરચંદ મેઘાણીના સંપાદન હેઠળ વસંત-રજબ સ્મારક ગ્રંથ પ્રકાશિત કરવામાં આવ્યો હતો.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે