લાઇસોઝાઇમ (Lysozyme) : માનવઅશ્રુ તેમજ શરીરના અન્ય ભાગમાંથી સ્રવતું એક કુદરતી પ્રતિબૅક્ટેરિયાકારક (antibacterial agent). બૅક્ટેરિયાની દીવાલ લઘુ-શર્કરા (oligo-saccharides) અને નત્રલ પદાર્થો(proteins)ની એક સંકીર્ણ સ્વરૂપની શૃંખલાના સંયોજનથી બનેલી હોય છે. એકાંતરે આવેલ N-acetyl glucose amine (GlcNAC) અને Nacetyl muramic acid (NAM) શર્કરાનું જોડાણ 4 પેપ્ટાઇડ D-amino acidની સાંકળ સાથે થતાં ઉદભવતા આ સંયુક્ત પદાર્થને peptidoglycan કહે છે. બૅક્ટેરિયાની કોષદીવાલ peptidoglycanની બનેલી હોય છે. ગ્રામધની (gram positive) બૅક્ટેરિયાની દીવાલમાં આવેલ GlcNAC અને NAMને સાંધતા બંધ(bond)ને લાઇસોઝાઇમ-અણુ તોડી નાખે છે, જેથી ગ્રામધની બૅક્ટેરિયા નિર્જીવ બને છે.

ગ્રામઋણી (gram negative) બૅક્ટેરિયાની બનેલી peptidoglycanની દીવાલ સહેજ પાતળી હોય છે અને તે કોષના રસપડ (plasma membrane) સાથે જોડાયેલી હોય છે. peptidoglycanની દીવાલ અને કોષદીવાલના બાહ્ય રસપડ (outer membrane) વચ્ચે અવકાશ હોય છે. આ અવકાશમાં બૅક્ટેરિયાનો સામનો કરતા ઘટકોને અવરોધે એવા કેટલાક પ્રોટીનના અણુઓ આવેલા હોય છે. તેથી ગ્રામઋણી બૅક્ટેરિયાની દીવાલ સુરક્ષિત રહે છે. બૅક્ટેરિયાનો કોષરસ જ્યાં સુધી બાહ્ય પર્યાવરણિક પરિબળો સાથે સમરસાકર્ષક (isotonic) હોય, ત્યાં સુધી બૅક્ટેરિયાની દીવાલ સુરક્ષિત રહે છે. જો બૅક્ટેરિયાનું માધ્યમ (medium) મંદ રસાકર્ષક હોય તો આ પ્રોટીનો અક્રિયાશીલ બને છે અને લાઇસોઝોમ જેવાની વિપરીત અસર હેઠળ બૅક્ટેરિયાની દીવાલ તૂટી જાય છે.

બૅક્ટેરિયાની કોષદીવાલની રચના

માનવના રુધિરરસ(blood-plasma)માં કેટલાંક પ્રોટીનો આવેલાં છે. તે પોતે વિષાલુ (toxic) નથી હોતાં, પરંતુ આ ઘટકો રુધિરરસમાં એક સહાયક તંત્ર(complement-system)ની ગરજ સારે છે. તેઓ સૂક્ષ્મ જીવાતના સંપર્કમાં આવતા લાઇસોઝાઇમ અને સુરક્ષા તંત્ર (immune system) જેવાંને ઉત્તેજતા હોય છે. તેથી બૅક્ટેરિયાની દીવાલ તૂટી જતાં બૅક્ટેરિયા વિનાશ પામે છે.

મ. શિ. દૂબળે