લાઇનેસી : વનસ્પતિઓના દ્વિદળી વર્ગમાં આવેલું એક કુળ. બૅન્થમ અને હૂકરની વર્ગીકરણ-પદ્ધતિમાં તેનું સ્થાન આ પ્રમાણે છે : વર્ગ–દ્વિદળી, ઉપવર્ગ – મુક્તદલા (Polypetalae), શ્રેણી  બિંબપુષ્પી (Disciflorae), ગોત્ર – જિરાનિયેલીસ, કુળ – લાઇનેસી. આ કુળમાં 14 પ્રજાતિઓ અને લગભગ 200 જાતિઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેમનું ઉત્તર અને દક્ષિણ ગોળાર્ધોના સમશીતોષ્ણ પ્રદેશોમાં વિતરણ થયેલું છે. આ કુળની સૌથી મોટી પ્રજાતિ Linum (લગભગ 140 જાતિઓ) છે. બીજી મોટી પ્રજાતિઓમાં Reinwardtia અને Hugoniaનો સમાવેશ થાય છે. ભારતમાં આ કુળની 50 જેટલી જાતિઓ થાય છે. અળસી (Linum usnitatissinum), વન્ય બહુવર્ષાયુ અળસી કે લૂઈસ ફ્લેક્સ (L. lewisii) અને L. perenne અને L. grandiflora જાણીતી જાતિઓ છે; જે પૈકી છેલ્લી બે જાતિઓ અનુક્રમે વાદળી અને લાલ પુષ્પો ઉત્પન્ન કરે છે અને ઉદ્યાનોમાં ઉગાડવામાં આવે છે.

આ કુળની વનસ્પતિઓ માટેભાગે શાકીય કે કેટલીક વાર ક્ષુપસ્વરૂપ ધરાવે છે. Hugomia અને Durandea અંકુશારોહી (hook climbers) ક્ષુપ પ્રજાતિઓ છે. પર્ણો સાદાં, અખંડિત, એકાંતરિક અથવા ભાગ્યે જ સંમુખ (દા.ત., Radiola, Ctenolophon) કે ચક્રિલ (whorled), સાંકડાં, રેખીય-ભાલાકાર (linear-laneolate), ઉપપર્ણીય (stipulate) કે અનુપપર્ણીય (exstipulate) હોય છે. ઉપપર્ણો હોય તો શીઘ્રપાતી હોય છે.

લાઇનેસી : અળસી (Linum usitatissimum) : (અ) પુષ્પસહિતની શાખા, (આ) પુષ્પ, (ઇ) પુષ્પનો ઊભો છેદ, (ઈ) પુંકેસરચક્ર અને સ્ત્રીકેસરચક્ર, (ઉ) બીજાશયનો આડો છેદ, (ઊ) સ્ફોટન પામેલું ફળ (ઋ) પુષ્પીય આરેખ

પુષ્પવિન્યાસ દ્વિશાખી (dichasial) કે એકશાખી એકતોવિકાસી (cineinnus) પરિમિત (cyme) અથવા અપરિમિત (racemose) પ્રકારનો જોવા મળે છે. પુષ્પ નિયમિત, દ્વિલિંગી, અધોજાયી (hypogynous) અને પંચાવયવી (pentamerous) હોય છે. વજ્ર પાંચ વજ્રપત્રોનું બનેલું, મુક્ત કે તલસ્થ ભાગેથી યુક્ત હોય છે અને પંચકી (quincuncial) કે કોરછાદી (imbricate) પ્રકારનો કલિકાન્તરવિન્યાસ (aestivation) ધરાવે છે. દલપુંજ પાંચ દલપત્રોનો બનેલો, મુક્તદલપત્રી (polypetalous), શીઘ્રપાતી, ઘણી વાર નહોરાકાર (claw-shaped) હોય છે અને કોરછાદી કે વ્યાવૃત (contorted) પ્રકારનો કલિકાન્તરવિન્યાસ ધરાવે છે. પુંકેસરચક્ર સામાન્યત: 10 પુંકેસરોનું બનેલું હોય છે. તેનું બાહ્યચક્ર વંધ્ય પુંકેસરોમાં પરિણમેલું હોય છે અને દલપત્ર-સંમુખ હોય છે. અંદરનું ફળાઉ ચક્ર દલપત્રો સાથે એકાંતરિક રીતે ગોઠવાયેલું હોય છે. પુંકેસરતંતુઓ નીચેના ભાગેથી જોડાઈને વલય બનાવે છે. આ વલયની બહારની બાજુએ મધુગ્રંથિઓ આવેલી હોય છે. પરાગાશયો દ્વિખંડી અને અંતર્મુખી (introse) હોય છે અને તેમનું લંબવર્તી સ્ફોટન થાય છે. સ્ત્રીકેસરચક્ર બેથી પાંચ યુક્ત સ્ત્રીકેસરોનું બનેલું હોય છે. બીજાશય ઊર્ધ્વસ્થ હોય છે અને શરૂઆતમાં બેથી પાંચ કોટરો ધરાવે છે, પરંતુ આભાસી પટ ઉત્પન્ન થતાં તે ચારથી દશ કોટરોવાળું બને છે. પ્રત્યેક કોટરમાં એક લટકતું અધોમુખી (anatropous) અંડક અક્ષવર્તી (axile) જરાયુ ઉપર આવેલું હોય છે. પરાગવાહિનીઓ મુક્ત અને સ્ત્રીકેસરોની સંખ્યા જેટલી હોય છે. પ્રત્યેક પરાગવાહિની સમુંડ (capitate) પરાગાસન ધરાવે છે. ફળ પટવિદારક (septicidal), પ્રાવર કે અષ્ઠિલ પ્રકારનું જોવા મળે છે. ફળની ફરતે દીર્ઘસ્થાયી વજ્ર હોય છે. બીજ ચપટાં અને ચળકતાં હોય છે અને સામાન્યત: સીધો ભ્રૂણ ધરાવે છે. ભ્રૂણપોષ (endosperm) પુષ્કળ પ્રમાણમાં હોય છે અથવા તેનો અભાવ હોય છે.

બેસી, રેન્ડલ અને વેટસ્ટેઇન આ કુળને જિરાનિયેલીસ ગોત્રમાં મૂકે છે. હેલિયર તેને ઓક્ધોસીમાંથી ઉદભવેલું માને છે અને ગટ્ટેલીસ ગોત્રમાં મૂકે છે. તે આ કુળને ઍપોટેલીસ, સ્ક્રોફ્યુલારિયેલીસ, પેસિફ્લોરેલીસ અને પૉલિગેલીસ જેવી કેટલીક ઉદવિકાસીય રેખાઓના પૂર્વજ તરીકે ગણે છે. આ કુળ માલ્વેસી અને જિરાનિયેસી સાથે ગાઢ સામ્ય ધરાવે છે. તેથી ઘણા વર્ગીકરણવિજ્ઞાનીઓ આ કુળને માલ્વેવીસના પૂર્વજોમાંથી ઉદભવ્યું હોવાનું માને છે.

અળસી તેના તેલ અને રેસા માટે પુષ્કળ પ્રમાણમાં ઉગાડવામાં આવે છે. તેના રેસામાંથી લીનન કાપડ બનાવાય છે. L. usitatissimum અને Reinwardtia trigynaનું રેસા માટે વાવેતર કરવામાં આવે છે. અળસીના તેલનો રંગ-ઉદ્યોગમાં ઉપયોગ થાય છે. બીજનો ખોળ ઢોરોના ખાણ તરીકે વપરાય છે. Linumની લગભગ 25 જેટલી જાતિઓ અને Reinwardtia trigyna ઉદ્યાનોમાં શોભન વનસ્પતિઓ તરીકે ઉગાડવામાં આવે છે.

બળદેવભાઈ પટેલ