લાઇકેન પ્લેનસ (Lichen planus) : ખૂજલી અને શોથ(inflammation)વાળો ચામડી અને શ્લેષ્મકલા(mucous membrane)નો રોગ. તેની મુખ્ય 3 નિદાનસૂચક લાક્ષણિકતાઓ છે : નમૂનારૂપ ચામડી પરનો સ્ફોટ, શ્લેષ્મકલા પરનો સ્ફોટ અને સૂક્ષ્મપેશીવિકૃતિ (histopathology). ચામડી પર ચપટા માથાવાળી ફોલ્લીઓ તથા ઝીણી સફેદ રેખાઓવાળો, ખૂજલી કરતો અને જાંબુડી રંગ જેવો (violaceous) સ્ફોટ થાય છે, જે ડાબી અને જમણી એમ બંને બાજુએ જોવા મળે છે. ગલોફાની દીવાલ (શ્લેષ્મકલા) પર જાલરૂપ (lacy) દોષવિસ્તારો થાય છે. ચામડી પરના રૈખિક ઉઝરડા પર (કિબ્નરની ઘટના), પગ પર, શિશ્ન પર તથા કાંડાના આગળના ભાગ પર પણ દોષવિસ્તારો (lesions) થાય છે. આ એક શોથજન્ય (inflammatory) વિકાર છે. લસિકાકોષો (lymphocytes) અને કૃષ્ણવર્ણકભક્ષી કોષો (melanophages) ત્વચામાં પ્રવેશીને પટ્ટાઓ જેવી સૂક્ષ્મ સંરચના કરે છે. વિવિધ દવાઓ આ પ્રકારનો વિકાર કરે છે; જેમ કે, સુવર્ણ, બિસ્મથ, કાર્બામેઝિપિન, ક્લોરડાયાઝેપૉક્સાઇડ, ક્લોરપ્રોપેમાઇડ, ડેપ્સોન, ઇથેમ્બ્યુટોલ, ફયુરોએમાઇડ, હાઇડ્રૉક્સિક્લૉરોક્વીન, લીવાપિઝોલ, મેપ્રોપેમેટ, મિથાયલ ડોપા, પેનિસિલેમાઇન, પિન્ડોલોલ, પ્રોપેનોલોલ, ક્વિનીન, સ્ટ્રૅપ્ટોમાયસિન, ટેટ્રાસાઇક્લિન, આયોડાઇડ્ઝ, ક્લૉરોક્વીન, ક્વિનાક્રિન, ક્વિનિડિન, બિનસ્ટીરોઇડી પ્રતિશોથ ઔષધો (NSAIDs), ફેનોથાયેઝિન્સ, હાઇડ્રૉક્લોરોથાયેઝાઇડ વગેરે. આઇબુપ્રોફેન, ડાઇક્લોફેનેક જેવી પીડા અને સોજો ઘટાડતી દવાઓને NSAIDs કહે છે અને તેમનાથી પણ આ પ્રકારનો વિકાર થાય છે. એવું નોંધાયું છે. અમેરિકા અને યુરોપમાં લાઇકન પ્લેનસના દર્દીઓમાં યકૃતશોથ–સી(hepatitis–C)નો ચેપ લાગેલો વધુ પ્રમાણમાં જોવા મળે છે. રંગીન ફોટાને ડેવેલપ કરવા માટેનાં દ્રાવણ વાપરનારામાં પણ તેનું પ્રમાણ વધુ હોય છે.
ચામડી પરની ફોલ્લીઓ ચપટા માથાવાળી, 1થી 4 મિમી.ના વ્યાસવાળી, છૂટી છવાઈ કે જૂથમાં જોવા મળે છે. તેની સાથે ઝીણી સફેદ રેખિકાઓ (streaks) કાંડાની આગળની બાજુએ, શિશ્ર્ન, હોઠ, જીભ, ગલોફાં તથા યોનિની શ્લેષ્મકલા પર જોવા મળે છે. શ્લેષ્મકલા પર થતો સ્ફોટ જનનાંગો, મળાશય અને ગુદા, જઠર અને આંતરડાં, મૂત્રાશય, સ્વરપેટી અને નેત્રકલા(conjuctiva)માં થાય છે. ક્યારેક ફોલ્લીઓ સજલ ફોલ્લા જેવી થાય છે અથવા તેમાં ચાંદું પડે છે. ક્યારેક રોગ શરીરમાં વ્યાપક રૂપે ફેલાય છે. શ્લેષ્મકલા પરના દોષવિસ્તારમાં સફેદ રેખિકાઓની જાલ બનેલી હોય છે. ક્યારેક તેને શ્વેતચકતી(leukoplakia)થી અલગ પાડવી મુશ્કેલ હોય છે. જો હસ્તતલ (palm) અને પાદતલ (sole) પર ચાંદાં કરતો દોષવિસ્તાર હોય તો તે તકલીફ કરે છે. મોં અને યોનિમાંના દોષવિસ્તારમાં ક્યારેક લાદીસમ-કોષ કૅન્સર (squamous cell carcinoma) થાય છે. આ રોગને દવાઓથી થતા સ્ફોટ, ઉપદંશ (syphilis) અને શ્વેતચકતીથી અલગ પાડીને નિદાન કરાય છે. સૂક્ષ્મદર્શક વડે થતી તપાસ નિદાનદાયક હોય છે.
બિટામિથેઝોન ડાયપ્રોપિઓનેટ જેવા સુક્ષમ (superpotent) સ્થાનીય કોર્ટિકોસ્ટેરોઇડ, ડાયફલોરેઝોન ડાયએસિટેટ, ક્લોબીટેસોલ, પ્રૉપિઓનેટ અને હેલોબિટેસોલ પ્રૉપિઓનેટ જેવા મલમનો ઉપયોગ લાભકારક રહે છે. તેને બદલે અતિક્ષમ કોર્ટિકોસ્ટેરોઇડ મલમને રાત્રે લગાવીને ઉપર લચીલા પ્લાસ્ટિકના પડનું આવરણ આપવાથી પણ ફાયદો રહે છે. શ્લેષ્મકલાકીય રોગમાં ટ્રિટિનોઇનનો તૈલમલમ (cream) લગાડાય છે. ત્યારબાદ કોર્ટિકોસ્ટેરોઇડનો મલમ ચોપડાય છે. ટ્રિટિનોઇનના લાંબા ગાળાના ઉપયોગથી મોં કે યોનિમાં થતા રોગના ઊથલાને અટકાવી શકાય છે. જોકે આ ઔષધો લોહીમાં પ્રવેશી શકે છે અને તેથી તેની સાચવણી રાખવી પડે છે. પાદતલ પર અતિવૃદ્ધિકારી દોષવિસ્તારમાં રાત્રે ટ્રેટિનોઇનનો તૈલમલમ ચોપડીને તેના પર પાતળી પૉલીઇથિલીનની ફિલ્મ મૂકી રાખવાથી ફાયદો થાય છે. વધુ તીવ્ર કે દીર્ઘકાલી વિકારમાં મુખમાર્ગી કોર્ટિકોસ્ટેરોઇડ, આઇસોટ્રિટીનોઇન અને એસિટ્રેટિન વપરાય છે. સોરાલેન્સ અને પારજાંબલી કિરણો વડે પણ સારવાર આપી શકાય છે.
શિલીન નં. શુક્લ
દીપા ભટ્ટ