લાઇકેન : લીલ અને ફૂગનું સ્થાયી સાહચર્ય (association) ધરાવતાં રચનાત્મક રીતે સંગઠિત અને સંયુક્ત સજીવો. એકાંગી વનસ્પતિઓમાં લાઇકેન એક વિશિષ્ટ વનસ્પતિસમૂહ છે અને તેની આશરે 18,000 જેટલી જાતિઓ થાય છે. તેનો સુકાય લીલ અને ફૂગનો બનેલો હોય છે. તેઓ પરસ્પર ગૂંથાઈ સંયુક્ત બની સહજીવન ગુજારે છે. તેના સુકાયનો ઘણોખરો ભાગ ફૂગ(mycobiont)નો બનેલો હોય છે, જે  આધારતલમાંથી પાણી અને ખનિજક્ષારોનું શોષણ કરે છે અને લીલને આવાસ પૂરો પાડે છે. તેના સુકાયમાં રહેલી લીલ (phycobiont) શોષાયેલા પાણીનો ઉપયોગ કરી પ્રકાશસંશ્લેષણની ક્રિયા કરે છે અને કાર્બનિક પોષકતત્વોનું નિર્માણ કરે છે. આ કાર્બનિક પોષકતત્વો ફૂગને પ્રાપ્ત થાય છે. આમ, બંને સજીવો પરસ્પર લાભદાયી સહજીવન ગુજારતાં હોવાથી આ પ્રકારના સહજીવનને પારસ્પરિકતા કહે છે.

લાઇકેનના બંધારણમાં જોવા મળતો લીલ-ઘટક નીલહરિત લીલ (cyanophyceae) કે હરિતલીલ (chlorophyceae) વર્ગનો હોય છે. તે તંતુમય કે અ-તંતુમય (non-filamentous) હોઈ શકે છે. મોટા ભાગની લાઇકેનમાં તે એકકોષી હોય છે. લગભગ 26 જેટલી લીલની પ્રજાતિઓ પૈકી નીલહરિતલીલની 8 પ્રજાતિઓ, હરિત લીલની 17 પ્રજાતિઓ અને પીળી હરિતલીલ(Xanthophyceae)ની એક પ્રજાતિ લાઇકેનના બંધારણ સાથે સંકળાયેલી છે. Nostoc, Stigonema, Rivularia અને Gloeocapsa સામાન્ય નીલહરિત લીલ છે. લગભગ 80 % જેટલી લાઇકેનમાં હરિત લીલ જોવા મળે છે. તે પૈકી એકકોષી હરિત લીલ Trebouxia સૌથી સામાન્ય છે. લાઇકેનમાં ફૂગ-ઘટક મોટેભાગે ઍસ્કોમાયસેટિસ વર્ગનો હોય છે. લગભગ 400 પ્રજાતિઓ પૈકી માત્ર 4 પ્રજાતિઓ બૅસિડિયોમાયસેટિસ વર્ગની છે. લાઇકેનના સુકાયમાં કેટલીક વાર પ્રકાશસંશ્લેષી સલ્ફર બૅક્ટેરિયા જોવા મળે છે; જોકે તે લાઇકેનનો જરૂરી ઘટક નથી.

લાઇકેન સામાન્યત: ખડકો, મૃદા (soil), વૃક્ષની છાલ કે પર્ણો અથવા ઘરની દીવાલો કે છાપરા ઉપર થાય છે. તેઓ મરુદભિદ પ્રકૃતિ ધરાવતી હોવાથી શુષ્કતાના લાંબા ગાળાનો પ્રતિકાર કરી શકે છે અને વનસ્પતિઓનું જ્યાં અસ્તિત્વ ન હોય તેવા રેતીના ટીંબા, રણમાં કે ખુલ્લા ખડક ઉપર થાય છે. જોકે આધારતલમાંથી અલ્પ પ્રમાણમાં તે ખનિજપોષણ મેળવે છે, છતાં તેઓ વરસાદ કે તેના છાંટાઓ ઉપર આધારિત હોય છે અને વરસાદના પાણીમાં દ્રવતા ખનિજક્ષારોનું શોષણ કરે છે. તેઓ નીચા તાપમાન સામે પણ ટકી શકે છે અને અત્યંત ઠંડા ધ્રુવીય પ્રદેશોમાં પણ થાય છે. કેટલીક લાઇકેન ઉષ્ણ અને ઉપોષ્ણ કટિબંધમાં થાય છે, તો તેની અન્ય જાતિઓ મધ્યોદભિદ્ (mesophyte) કે જલોદભિદ્ (hydrophyte) તરીકે દરિયાકિનારે થાય છે. તેમના આવાસ મુજબ તેમને શૈલવાસી (saxicolous), વલ્કવાસી (corticolous), કાષ્ઠવાસી (lignicolous) અને ભૂવાસી (terricolous) તરીકે વર્ગીકૃત કરવામાં આવે છે.

આકૃતિ 1 : લાઇકેનના સ્વરૂપને અનુલક્ષીને પ્રકારો : (અ) પર્પટાભ લાઇકેન, (આ) પર્ણસદૃશ લાઇકેન, (ઇ) ક્ષુપિલ લાઇકેન

લાઇકેનનો સુકાય અનિયમિત આકારનો અને ભૂખરો કે ભૂખરો-લીલો, પીળો, નારંગી, બદામી કે લાલ હોય છે. વૃદ્ધિના સ્વરૂપ અને આધારતલ સાથેના તેના જોડાણને અનુલક્ષીને તેના પ્રકારો આ પ્રમાણે છે :

(1) પર્પટાભ (crustose) લાઇકેન ખડક, પ્રકાંડ કે જમીન ઉપર સખત રીતે ચોંટેલું પાતળું, ચપટું અને સામાન્ય રીતે ખંડરહિત, દાણાદાર કવચ બનાવે છે. તેના સુકાયની ઉપરની અને નીચેની બાજુમાં તફાવત હોતો નથી. સુકાયની સપાટી વધતે-ઓછે અંશે ષટ્કોણીય વિસ્તારોમાં વહેંચાય છે, જેમને ક્ષેત્રિકાઓ (areolae) કહે છે. દા.ત., Graphis scripta અને Haematomma puniceum.

(2) પર્ણસદૃશ (foliose અથવા foliaceous) લાઇકેનનો સુકાય ચપટો, પહોળો, કિનારીએથી ખંડમય અને પર્ણ જેવો હોય છે. તે આધારતલથી વધતે-ઓછે અંશે મુક્ત હોવા છતાં તેના ગાઢ સંપર્કમાં હોય છે. તે ઉપરની અને નીચેની સપાટીમાં સ્પષ્ટ વિભેદન ધરાવે છે. તે નીચેની સપાટીએ આવેલા મૂલાંગો જેવા બહિરુદભેદો દ્વારા આધારતલ સાથે વળગીને રહે છે, જેમને મૂલિકાઓ (rhizinae) કહે છે. તેઓ એક જ અશાખી કે શાખી કવકતંતુ(hypha)ની બનેલી હોય છે અને તેમના છેડાઓ ચપટા બિંબ જેવા બને છે. તે લાઇકેનનું સ્થાપન કરે છે અને આધારતલમાંથી પાણી અને ખનિજક્ષારોના શોષણનું કાર્ય કરે છે; દા.ત., Xanthoria, Physcia, Peltigera, Parmelia, Cetraria અને Chaudhuria.

(3) ક્ષુપિલ (fruticose) લાઇકેનનો સુકાય પાતળો અને મુક્તપણે શાખિત હોય છે. આ શાખાઓ નળાકાર કે ચપટી પટ્ટી જેવી અને ટટ્ટાર કે નિલંબી (pendant) હોય છે. તે ખડક, વૃક્ષની શાખા કે પર્ણો ઉપર ચપટા બિંબ જેવી રચના દ્વારા સ્થાપિત થાય છે; દા.ત., Usnea (દગડફૂલ), Cladonia, Ramatina.

(4) શલ્કી (squamulose) લાઇકેનનો સુકાય શલ્ક જેવો હોય છે અને નાના ખંડોનો બનેલો હોય છે.

સુકાયની આંતરિક રચનાને આધારે લાઇકેનને બે સમૂહોમાં વહેંચવામાં આવે છે : (1) સમાવયવી (homoisomerous) અને (2) વિષમાવયવી (heteromerous).

Collema અને Leptogium જેવી સમાવયવી લાઇકેનની આંતરિક રચના સરળ અને વિભેદનરહિત હોય છે. તે શિથિલ રીતે ગૂંથાયેલી ફૂગની કવકજાળ અને બધે જ સરખી રીતે વિતરણ પામેલા લીલના કોષો ધરાવે છે. Collemaમાં નીલહરિત લીલની અશાખી તંતુમય લીલ હોય છે.

મોટાભાગની લાઇકેનની આંતરિક રચના વિષમાવયવી હોય છે. તે વિપુલ પ્રમાણમાં વિભેદન અને સ્તરીય રચના ધરાવે છે. લીલનો ઘટક નિશ્ચિત પ્રદેશ કે સ્તર પૂરતો મર્યાદિત હોય છે. Parmelia કે Xanthoria જેવી પર્ણસદૃશ લાઇકેનના સુકાયના ઊભા છેદમાં ચાર પ્રદેશો સ્પષ્ટપણે જોવા મળે છે :

(1) ઉપરિબાહ્યક (upper cortex) લાઇકેનની ઉપરની સપાટી બનાવતો સામાન્યત: જાડો અને રક્ષણાત્મક પ્રદેશ છે, જે વધતે-ઓછે અંશે ઊભા ગોઠવાયેલા કવકતંતુઓ ધરાવે છે. આ કવકતંતુઓ ખીચોખીચ રીતે પરસ્પર ગૂંથાઈને કૂટમૃદુતક (pseudoparenchyma) પેશી બનાવે છે. તેને ઉપરિબાહ્યક કહે છે. તેઓ આંતરકોષીય અવકાશરહિત હોય છે, અથવા આંતરકોષીય અવકાશ-શ્લેષ્મી પદાર્થથી ભરેલો હોય છે. સામાન્ય રીતે ઉપરિબાહ્યકનો દેખાવ અધિસ્તર જેવો હોય છે.

(2) લીલપ્રદેશ ઉપરિબાહ્યકની નીચે આવેલો નીલ-હરિત કે હરિત પ્રદેશ છે. તે પરસ્પર શિથિલ રીતે ગૂંથાયેલ કવકજાળ ધરાવે છે, જેમાં હરિત લીલ અથવા નીલહરિત લીલના કોષો વીખરાયેલા હોય છે. હરિત લીલમાં Chlorella, Pleurococcus અને Cystococcusનો અને નીલહરિત લીલમાં Gloeocapsa Nostoc અને Rivulariaનો સમાવેશ થાય છે. પહેલાં આ પ્રદેશને જનનસ્તર (gonidial layer) તરીકે ઓળખાવાતો હતો. લીલના કોષો કોષવિભાજન કે અચલબીજાણુ (aplanospore) નિર્માણ દ્વારા ગુણન કરે છે. તેમની ફરતે આવેલ ફૂગની કવકજાળ લીલના કોષોમાં ચૂષકાંગો (haustoria) મોકલી પોષકદ્રવ્યોનું શોષણ કરે છે.

(3) મજ્જક સુકાયનો મધ્યસ્થ અંતર્ભાગ (core) બનાવે છે. આ પ્રદેશમાં કવકજાળ વીખરાયેલી અને ખૂબ શિથિલ રીતે ગૂંથાયેલી હોય છે. મજ્જકના મધ્ય ભાગમાં આવેલી કવકજાળ લંબ અક્ષે ગોઠવાયેલી હોય છે. શિરાના પ્રદેશમાં તે ખૂબ જાડી અને કિનારી તરફ જતાં પાતળી હોય છે.

(4) અધ:બાહ્યક સુકાયની નીચેની સપાટી બનાવે છે, જેમાં આવેલા કવકતંતુઓ ખીચોખીચ રીતે ગૂંથાઈ કૂટ મૃદુતક પેશી બનાવે છે. તેઓ સુકાયને લંબઅક્ષે કે સમાંતરે ગોઠવાયેલા હોય છે. અધ:બાહ્યક નીચેની સપાટીએ મૂલિકાઓ ઉત્પન્ન કરે છે, જે સ્થાપનાંગ અને શોષકાંગ તરીકે કાર્ય કરે છે. કેટલીક લાઇકેનમાં અધ:બાહ્યક હોતું નથી, તેને બદલે કવકજાળનું પાતળું પડ આવેલું હોય છે, જેને અધ:સુકાય (hypothallus) કહે છે. આવી જાતિઓમાં મજ્જકના જાડા ભાગમાંથી મૂલિકાઓ ઉત્પન્ન થાય છે.

આકૃતિ 2 : લાઇકેનના સુકાયની આંતરિક રચના : (અ) Collemaના સુકાયનો ઊભો છેદ, (આ) પર્ણસદૃશ લાઇકેનનો ઊભો છેદ

લાઇકેનના સુકાય સાથે સંકળાયેલી રચનાઓમાં શ્વસનછિદ્રો (breathing pores), લઘુ કોટરો (cyphellae, એ.વ. cyphella), પ્રવાલીય બહિરુદભેદો (isidia, એ.વ. isidium) અને સિફેલોડિયમ(cephalodium)નો સમાવેશ થાય છે. કેટલીક પર્ણસદૃશ અને ક્ષુપિલ લાઇકેનના બાહ્યકમાં શ્વસનછિદ્રો જોવા મળે છે, જે વાતવિનિમયનું કાર્ય કરે છે. તેઓ સુકાયની સપાટીના સમતલમાં કે સુકાય ઉપર આવેલા શંકુ જેવા ઉન્નત (elevated) ભાગ પર ગોઠવાયેલાં હોય છે. Stricta sylvatica જેવી બહુ થોડી પૂર્ણસદૃશ લાઇકેનમાં લઘુકોટરો નામની નાના પ્યાલાકાર અંતર્ગોળ ખાડા જેવી સૂક્ષ્મ રચનાઓ અધ:બાહ્યકમાં જોવા મળે છે. આ સ્થાનેથી મજ્જકની પેશી

આકૃતિ 3 : લાઇકેનના સુકાય સાથે સંકળાયેલી રચનાઓ : (અ) લઘુકોટરમાંથી પસાર થતો સુકાયનો ઊભો છેદ, (આ) સિફેલોડિયમમાંથી પસાર થતો સુકાયનો ઊભો છેદ, (ઇ) પ્રવાલીય બહિરુદ્ભેદોમાંથી પસાર થતો સુકાયનો ઊભો છેદ

ખુલ્લી થાય છે. મજ્જકમાંથી આ લઘુકોટરોમાં કવકજાળ સીધેસીધી પ્રવેશે છે, જેની ટોચ ઉપર બીજાણુ જેવા નાના ખાલી ગોળ કોષો ઉદભવે છે. આ રચનાઓ વાતવિનિમય સાથે સંકળાયેલી હોય છે. કેટલીક લાઇકેનમાં ઉપરિબાહ્યક ઉપર નાના પ્રવાલીય બહિરુરભેદો ઉત્પન્ન થાય છે. તેઓ બાહ્ય સપાટીએ ફૂગનું બનેલું બાહ્યક અને અંદરની તરફ લીલસ્તર ધરાવે છે. આ રચનાઓનું પ્રાથમિક કાર્ય પ્રકાશસંશ્લેષી ક્ષેત્ર વધારવાનું છે, પરંતુ સુકાયથી છૂટા પડતાં તે વાનસ્પતિક પ્રજનન કરે છે. Parmelia sexuatilisમાં તેઓ દંડમય, Umblicaria postulataમાં પ્રવાલમય, Usnea comosaમાં સિગાર આકારની, Peltigera pretextaમાં નાની પ્રવાલ જેવી કલિકાઓ સ્વરૂપે અને Collema cripsumમાં શલ્કાકાર જોવા મળે છે. Peltigera aphthosa જેવી લાઇકેનના સુકાયની મુક્ત સપાટીએ નાની, સખત, ઘેરા રંગની ફૂલેલી દડા જેવી રચનાઓ જોવા મળે છે, જેને સિફેલોડિયમ કહે છે. આ રચનામાં આવેલો લીલ ઘટક સુકાયના લીલઘટક કરતાં જુદો હોય છે; દા.ત., Peltigeraના સિફેલોડિયમમાં નીલહરિત લીલ હોય છે; જ્યારે સુકાયમાં હરિત લીલ હોય છે.

પોષણના સંદર્ભમાં લાઇકેન એક સંયુક્ત ઘટક તરીકે સ્વપોષી છે. લીલના કોષો ફૂગમાંથી પાણી અને ખનિજક્ષારો મેળવે છે. લીલ અકાર્બનિક પોષકદ્રવ્યો(CO2 અને H2O)માંથી પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયા દ્વારા કાર્બનિક પોષકતત્વોનું નિર્માણ કરે છે. દ્રાવ્ય કાર્બનિક પોષકતત્વો ફૂગની કવકજાળ તરફ પ્રસરણ પામે છે અને કવકજાળ દ્વારા પોષકદ્રવ્યોનું શોષણ થાય છે. કેટલીક વાર કવકજાળ લીલના કોષોમાં ચૂષકાંગો મોકલી પોષકદ્રવ્યો શોષે છે.

લાઇકેનનો સુકાય વાનસ્પતિક પ્રજનન વિવિધ પદ્ધતિઓ દ્વારા કરે છે. વળી, લાઇકેનના બંને ઘટકો તેમની પોતાની રીતે સ્વતંત્રપણે પણ પ્રજનન કરે છે. વાનસ્પતિક પ્રજનનની વિવિધ પદ્ધતિઓ આ પ્રમાણે છે :

(1) અપખંડન (fragmentation) : આ પ્રકારના પ્રજનન દરમિયાન સુકાયના આકસ્મિક રીતે અને વાર્ધક્ય(ageing)ને કારણે ટુકડા થઈ જાય છે. આ ટુકડાઓ વજનમાં હલકા હોવાથી પવન દ્વારા વિકિરણ પામી યોગ્ય આધારતલ ઉપર પડે તો નવી વનસ્પતિ ઉત્પન્ન કરે છે; દા.ત., Usnea લાઇકેન વિશિષ્ટ પ્રકારની વાનસ્પતિક રચનાઓ ઉત્પન્ન કરે છે, જેમને પ્રવર્ધ્ય (propagules) કહે છે. આ પ્રવર્ધ્ય લાઇકેનના સુકાયના બંને ઘટકો ધરાવે છે અને અંકુરણ પામી નવી વનસ્પતિ ઉત્પન્ન કરે છે. તેના બે પ્રકાર છે : (1) સોરીડિયમ (soredium) : તેઓ સૂક્ષ્મ, ગોળ અને કલિકા જેવા બહુકોષીય બહિરુદભેદો છે. પ્રત્યેક સોરીડિયમ ફૂગની કવકજાળ વડે આવરિત લીલના કોષો ધરાવે છે. તેમનું પવન દ્વારા વિકિરણ થાય છે અને જો અનુકૂળ આધારતલ ઉપર પડે તો તેનું અંકુરણ થાય છે; દા.ત., Parmelia, Physcia. (2) પ્રવાલીય બહિરુદભેદો : આકૃતિ 3 ઇમાં દર્શાવ્યા મુજબ તેઓ નાની, સદંડી શંકુ આકારની ગાંઠ જેવી રચનાઓ છે. સામાન્યત: તેઓ તલ ભાગેથી સંકોચાઈને સુકાયથી સહેલાઈથી અલગ પડે છે અને અનુકૂળ સંજોગોમાં અંકુરણ પામી લાઇકેનનો નવો સુકાય બનાવે છે. પ્રવાલીય બહિરુદભેદો બાહ્યકની રચના ધરાવે છે.

લીલ ઘટક કોષવિભાજન અચલ બીજાણુઓ અને ચલ બીજાણુઓ દ્વારા પ્રજનન કરે છે. નીલહરિત લીલ કોષવિભાજન, હોર્મોગોનિયમ (hormogonium), વિશ્રામી બીજાણુઓ (akinetes) અને અભિકોષો (heterocysts) દ્વારા ગુણન કરે છે.

લાઇકેનનો ફૂગ-ઘટક અલિંગી પ્રજનન બીજાણુનિર્માણ દ્વારા કરે છે. આ બીજાણુઓને પલિઘબીજાણુઓ (pycnidiospores) કહે છે. તેઓ નાના, અચલ, ગૌણ બીજાણુઓ છે અને પલિઘકાય (pycnidium) નામની ચંબુ આકારની રચનામાં ઉદભવે છે. આ પલિઘકાય લાઇકેનની ઉપરની સપાટીએ ખૂંપેલાં હોય છે અને ટોચ ઉપર આવેલાં છિદ્ર દ્વારા ખૂલે છે. પલિઘકાયની દીવાલ વંધ્ય કવકસૂત્રોની બનેલી હોય છે, જેમાંથી ફળાઉ કવકસૂત્રો ઉદભવે છે. આ ફળાઉ કવકસૂત્રોની ટોચ ઉપરથી પલિઘબીજાણુઓ ઉત્પન્ન થાય છે. આ બીજાણુ અંકુરણ પામી ફૂગનો કવકતંતુ ઉત્પન્ન કરે છે, જે યોગ્ય લીલના સંપર્કમાં આવતાં નવી લાઇકેનમાં પરિણમે છે.

આકૃતિ 4 : (અ) લાઇકેનના સોરીડિયમ, (આ) લાઇકેનના પલિઘકાયમાંથી પસાર થતો ઊભો છેદ

લાઇકેનમાં લિંગી પ્રજનન માત્ર ફૂગ દ્વારા જ થાય છે. નર પ્રજનનાંગને અચલપુંધાની (spermogonium) અને માદા પ્રજનન-અંગને ફલધાની (carpogonium) કે આદ્યફલિકા (archicarp) કહે છે. અચલપુંધાની પલિઘકાય જેવી જ રચના ધરાવે છે અને તેના પોલાણમાં આવેલાં ફળાઉ કવકસૂત્રોની ટોચ ઉપર અચલપુંજન્યુઓ (spermatia) ઉત્પન્ન કરે છે. તેઓ અચલિત હોય છે અને કોષદીવાલ ધરાવે છે. છિદ્ર દ્વારા બહાર નીકળતા શ્લેષ્મી પદાર્થ સાથે તેઓ બહાર વિકિરણ પામે છે.

ફલધાની વિશિષ્ટ કોષીય તંતુ છે, જે બે ભાગ ધરાવે છે. નીચેના કુંતલાકાર ભાગને રેણુપુટધાની (ascogonium) કહે છે. તે બહુકોષીય હોય છે અને તેનો પ્રત્યેક કોષ એકકોષકેન્દ્રી હોય છે. કેટલીક જાતિઓમાં તે બહુકોષકેન્દ્રી હોય છે. તે મજ્જકના પ્રદેશમાં ઊંડે ખૂંપેલી હોય છે. ફલધાનીના ઉપરના સીધા ભાગને આદાનસૂત્ર (trichogyne) કહે છે. તે બહુકોષી હોય છે. આ કોષોમાં આવેલા વિટપ(septa)ની મધ્યમાં સૂક્ષ્મ છિદ્રો હોય છે. આદાનસૂત્રની ટોચ ઉપરનો કોષ વધારે લાંબો હોય છે અને તે સુકાયની સપાટીની બહાર વિકાસ પામે છે. તેની કોષદીવાલ શ્લેષ્મી હોય છે.

ફલન દરમિયાન આદાનસૂત્રના અગ્રસ્થ કોષની શ્લેષ્મી કોષદીવાલને અચલપુંજન્યુ ચોંટે છે. તેમના સંપર્કની દીવાલો દ્રવી જતાં અચલપુંજન્યુનો જીવરસ આદાનસૂત્રમાં આવે છે. અચલપુંજન્યુના કોષકેન્દ્રનું રેણુપુટધાનીમાં પ્રસરણ થતું હોય તેવું અવલોકન હજુ સુધી થયું નથી.

આકૃતિ 5 : ફલધાનીમાંથી પસાર થતો લાઇકેનના સુકાયનો ઊભો છેદ

ફલનની પ્રક્રિયા પછી આદાનસૂત્ર ક્રમશ: લુપ્ત થાય છે. રેણુપુટધાનીમાંથી મુક્તપણે શાખિત ધાનીજન (ascogenous) કવકજાળનું નિર્માણ થાય છે. ધાનીજન કવકજાળને છેડે ધાનીઓ (asci, એ. વ. ascus) ઉત્પન્ન થાય છે. ધાનીજન કવકજાળ અને ધાનીઓની ફરતે વંધ્ય કવકજાળના આવરણનો વિકાસ થતાં ધાનીફળ (ascocarp) ઉત્પન્ન થાય છે. ઍસ્કોલાઇકેનનાં ધાનીફળ બે પ્રકારનાં હોય છે. તેની મોટાભાગની જાતિઓમાં વિવૃતકાય (apothecium) અને બહુ ઓછી જાતિઓમાં પરિકાય (perithecium) પ્રકારનાં ધાનીફળ ઉત્પન્ન થાય છે.

વિવૃતકાય ખુલ્લું રકાબી આકારનું ધાનીફળ છે. તે રતાશ પડતું, બદામી, નારંગી, પીળા કે કાળા રંગનું હોય છે. તેની ધાર પરના ઉપરિબાહ્યકના સ્તરને કવકફલભિત્તિ (peridium) કહે છે. વિવૃતકાયની અંતર્ગોળ સપાટીએ ઊભી ગોઠવાયેલી રોમ જેવી વંધ્ય કવકજાળ આવેલી હોય છે. તેને વંધ્ય કવકસૂત્રો (paraphyses) કહે છે. આ વંધ્ય કવકસૂત્રોની વચ્ચે મગદળ આકારના લંબોતક જેવા ધાનીના કોષો વિકાસ પામે છે. ધાનીઓ અને વંધ્ય કવકસૂત્રો ખીચોખીચ રીતે ગોઠવાઈને ફળાઉ સ્તર (hymenium) બનાવે છે. વંધ્ય કવકસૂત્રોના બહારની તરફ લંબાયેલા છેડા લીસી સપાટી બનાવે છે, જેને અધિફળાઉસ્તર (epihymenium) કહે છે. ફળાઉસ્તરની નીચે રહેલા વંધ્ય કવકજાળના સઘન જથ્થાને અધ:ફળાઉસ્તર (subhymenium) કહે છે. વિવૃતકાય જિમ્નોકાર્પી ઉપવર્ગની લાઇકેનની લાક્ષણિકતા છે.

તરુણ ધાનીમાતૃકોષ(ascus mothercell)માં આવેલાં બે એકગુણિત (haploid) કોષકેન્દ્રોનો સંયોગ થતાં દ્વિગુણિત (diploid) યુગ્મકોષકેન્દ્ર બને છે; જે અર્ધસૂત્રીભાજન (meiosis) દ્વારા વિભાજાઈ ચાર એકગુણિત કોષકેન્દ્રો ઉત્પન્ન કરે છે. આ કોષકેન્દ્રોનું એક વાર સમસૂત્રીભાજન(mitosis)થી વિભાજન થતાં આઠ એકગુણિત કોષકેન્દ્રો બને છે. પ્રત્યેક કોષકેન્દ્રની ફરતે કોષરસ એકત્રિત થતાં આઠ અંતર્જાત (endogenous) ધાની બીજાણુનું નિર્માણ થાય છે. આ ધાની બીજાણુઓ સરળ કે વિટપીય (septate) હોય છે. તેઓ અર્ધસૂત્રી બીજાણુઓ (meiospores) છે.

ઍસ્કોલાઇકેનના પાયરેનોકાર્પી ઉપવર્ગમાં પરિકાય પ્રકારનું ધાનીફળ જોવા મળે છે. તે ચંબુ આકારનું ધાનીફળ છે.

બૅસિડિયોલાઇકેન પ્રકણીધર (basidium) ઉપર બહિર્જાત (exogenous) પ્રકણીબીજાણુઓ (basidiospores) ઉત્પન્ન કરે છે. તેઓ પણ ધાની બીજાણુઓની જેમ અર્ધસૂત્રી બીજાણુઓ છે.

લાઇકેનને તેના ફૂગ-ઘટકના પ્રજનનાંગ અને તેમાં ઉદભવતા બીજાણુના પ્રકારને આધારે મુખ્ય બે વર્ગમાં વર્ગીકૃત કરવામાં આવે છે : (1) ઍસ્કોલાઇકેન અને (2) બૅસિડિયોલાઇકેન. ઍસ્કોલાઇકેનનો ફૂગ-ઘટક ધાનીબીજાણુઓ અને બૅસિડિયાલાઇકેનનો ફૂગ-ઘટક પ્રકણીબીજાણુઓ ઉત્પન્ન કરે છે. ઍસ્કોલાઇકેનને જિમ્નોકાર્પી અને પાયરેનોકાર્પી ઉપવર્ગમાં વર્ગીકૃત કરાય છે. જિમ્નોકાર્પી ઉપવર્ગની લાઇકેન વિવૃતકાય પ્રકારનું ધાનીફળ અને પાયરેનોકાર્પી ઉપવર્ગની લાઇકેન પરિકાય પ્રકારનું ધાનીફળ ઉત્પન્ન કરે છે. બૅસિડિયો-લાઇકેનવર્ગ માત્ર ચાર જ પ્રજાતિઓ ધરાવે છે.

લાઇકેન સરળતાથી સુલભ હોવા છતાં અને તેમાં પુષ્કળ વૈવિધ્ય હોવા છતાં તેની બહુ ઓછી જાતિઓ મનુષ્યને આર્થિક રીતે ઉપયોગી છે. તેની કેટલીક જાતિઓ ખોરાકનો મહત્વનો સ્રોત ગણાય છે. Cladonia rangiferina (રેંડિયર મૉસ) નામની ક્ષુપિલ લાઇકેન અને ટુંડ્ર-લાઇકેનની અન્ય જાતિઓ ઉત્તર ધ્રુવનાં રેંડિયર, કૅરીબાઉ, મસ્ક ઑક્સ અને અન્ય વન્ય પ્રાણીઓ માટે ખોરાક પૂરો પાડે છે. ખડક ઉપર થતી એક જાતિનો ચીન અને જાપાનમાં સ્વાદિષ્ટ વાનગી બનાવવામાં ઉપયોગ થાય છે. દક્ષિણ ભારતમાં Parmeliaની એક જાતિ, Cetraria islandica, Lecanora esculenta ખાદ્ય જાતિઓ છે. ખાદ્ય જાતિઓને સૂકવીને તેમનો મનુષ્ય, ઢોર, ડુક્કર કે ઘોડાઓ માટે ખોરાક તરીકે ઉપયોગ થાય છે. જોકે લાઇકેનનું પોષણમૂલ્ય ઓછું છે.

લાઇકેનનો રંગ બનાવવામાં થતો ઉપયોગ ખૂબ મહત્વનો છે. કેટલીક જાતિઓનો ફૂગ-ઘટક ખાસ પ્રકારનાં રંજકદ્રવ્યો ઉત્પન્ન કરે છે. તેનો ઉપયોગ સદીઓથી ચિત્રો અને તંતુઓ રંગવામાં થાય છે. તે પૈકી ઑર્ચિલ વાદળી રંગ આપે છે. તેનો ઊન રંગવામાં ઉપયોગ થાય છે. ઍસિડ-બેઝના દર્શક તરીકે ઉપયોગમાં લેવાતું લિટમસ Rocella montaigneiમાંથી મેળવવામાં આવે છે. જોકે હાલમાં સાંશ્લેષિક (synthetic) રંગોના વધુ પડતા ઉપયોગને કારણે લાઇકેનનું રંગઉદ્યોગમાં મહત્વ ઘટી ગયું છે.

લાઇકેનની કેટલીક જાતિઓનો કમળો, અતિસાર, વાઈ અને ત્વચાના રોગોમાં ઉપયોગ થાય છે. તે માટે Petigera camana, Loberia pulmonaria અને Everina મહત્વની લાઇકેન છે. Usnea, Cladonia અને બીજી જાતિઓમાંથી મેળવવામાં આવતો ઉસ્નિક ઍસિડ કેટલાક ચેપી રોગોમાં ઉપયોગી છે અને તે ઘણા રોગોમાં વપરાતું પ્રતિજૈવિક (antibiotic) છે. તેનો ઉપયોગ ઈજાગ્રસ્ત અને દાઝેલાં અંગો પર લગાડવાનો મલમ બનાવવામાં થાય છે. Citraria islandicaના શ્લેષ્મનો ઉપયોગ રેચક તરીકે થાય છે.

કેટલીક લાઇકેનના સુગંધિત સુકાયોનો ઉપયોગ ધૂપ, હવનસામગ્રી અને સુગંધીદાર વસ્તુઓ બનાવવામાં થાય છે. દક્ષિણ યુરોપમાં એક મૉસ તરીકે જાણીતી લાઇકેનનો અત્તરોના સ્થાપક તરીકે હજુ પણ ઉપયોગ થાય છે.

લાઇકેનની કેટલીક જાતિઓમાંથી ઉદભવતા લાઇકેનિક ઍસિડનો ઉપયોગ લાઇકેનનાં વર્ગીકરણ અને ઓળખ માટે થાય છે.

લાઇકેન મૃદા-નિર્માણ(soilformation)માં મહત્વનો ભાગ ભજવે છે. તે કાર્બનિક ઍસિડનો સ્રાવ કરે છે, જેથી ખડક ક્રમશ: દ્રવે છે. મૃત લાઇકેનનું ભૂમિ ઉપર બનતું પડ અનુક્રમણ (succession) દરમિયાન બીજી વનસ્પતિઓને ઊગવા માટેની અનુકૂળતા કરી આપે છે. લાઇકેનના બંધારણમાં આવેલી નીલહરિત લીલ રણ જેવા નિવસનતંત્રમાં નાઇટ્રોજન-સ્થાપનની ક્રિયા કરે છે.

લાઇકેનનો વાયુ-પ્રદૂષણના દર્શક તરીકે ઉપયોગ થાય છે. ભારે ઔદ્યોગિક વિસ્તારના ધુમાડાવાળી આબોહવાથી તે દૂર રહે છે અને પ્રદૂષણરહિત ખુલ્લી હવા અને પ્રકાશમાં તેની ખૂબ વૃદ્ધિ થાય છે.

બળદેવભાઈ પટેલ