લાંબી કૂદ : ખેલકૂદની એક જૂની લોકપ્રિય રમત. આદિમાનવને ખોરાકની શોધમાં અને જાતરક્ષણ અર્થે દોડતાં ઘણી વાર રસ્તામાં પડી ગયેલાં ઝાડ, ખાડા તથા ઝરણાં કૂદવાં પડતાં હતાં. લાંબી કૂદ હકીકતમાં દોડવાની અને કૂદવાની ક્રિયાનો સમન્વય છે. તે એક કુદરતી પ્રવૃત્તિ છે અને ખેલકૂદની રમતોમાં સમાવેશ પામી ઑલિમ્પિક રમતોત્સવમાં પણ સ્પર્ધાનું સ્થાન પામી છે. પ્રાચીન ઑલિમ્પિક રમતોત્સવમાં પણ લાંબી કૂદની રમત હતી; પરંતુ તે પાંચ રમતોના સમૂહ(પેન્ટાથ્લૉન)માં રાખવામાં આવતી હતી. પ્રાચીન ઑલિમ્પિક રમતોત્સવમાં લાંબી કૂદ દરમિયાન હાથમાં વજન રાખીને કૂદવામાં આવે તો ભૂલ ગણવામાં આવતી ન હતી.

સૌપ્રથમ આધુનિક ઑલિમ્પિક રમતોત્સવ 1896માં ગ્રીસમાં યોજાયો ત્યારે લાંબી કૂદમાં પ્રથમ સ્થાન મેળવનાર અમેરિકાના ઈ. એચ. ક્લાર્કે 6.35 મીટર(20´9´´)નો કૂદકો લગાવ્યો હતો. 1936ના બર્લિન(જર્મની)ના ઑલિમ્પિક રમતોત્સવમાં અમેરિકન સ્પર્ધક જેસી  ઓવેન્સે 8.06 મીટરનો કૂદકો લગાવીને લોકોને આશ્ચર્યચકિત કર્યા હતા. 1968ના મેક્સિકો ઑલિમ્પિક રમતોત્સવમાં અમેરિકાના બૉબ બીમોને 8.90 મીટરનો કૂદકો મારીને સમગ્ર વિશ્વને આશ્ચર્યચકિત કરી દીધું હતું, કારણ કે જૂના રેકૉર્ડ કરતાં તેણે 60 સેમી.નો કૂદકો વધારે માર્યો હતો.

લાંબી કૂદના ખાડાનું માપ 2.75 મીટર પહોળું અને 9 મીટર લાંબું હોય છે. ખાડો 50 સેમી. ઊંડો  હોય છે, જેમાં સ્વચ્છ ભીની ઝીણી રેતી જમીનને સમતળ રહે તે રીતે ભરવામાં આવે છે. લાંબી કૂદ માટે દોડવાનો રાહ 45 મીટર લંબાઈનો અને 1.25 મીટરની પહોળાઈનો હોય છે. દોડરાહ ઉપર ખાડાથી 1 મીટરના અંતરે લાકડાનું ઠેકપાટિયું જમીનને સમાંતર દાટવામાં આવે છે, જે સફેદ રંગનું હોય છે, જેને ‘ટેક ઑફ બૉર્ડ’ કહે છે. ઠેકપાટિયું 1.22 મીટર લાંબું, 20 સેમી. પહોળું અને 10 સેમી.ની જાડાઈનું હોય છે.

લાંબી કૂદ

લાંબી કૂદના રમતવીરમાં ઝડપ, ઉછાળશક્તિ અને ગતિસુમેળ જેવાં શારીરિક લક્ષણો અતિ આવશ્યક હોય છે. લાંબી કૂદની શૈલીને ચાર ઘટકો દ્વારા અવલોકવામાં આવે છે : (1) પેશકદમી, (2) પગઠેક, (3) ઉડાણ અને (4) ઉતરાણપેશકદમી. આ દરમિયાન કૂદનાર પોતાની પૂર્ણ ઝડપે દોડે છે અને ઠેકપાટિયા ઉપર મજબૂત પગ આવે તે રીતે ઠેક લઈને હવામાં 45°ના ખૂણે કૂદે છે અને હવાતર, હવાચાલ અથવા લટકપદ્ધતિ દ્વારા ઉડાણ દરમિયાન હવામાં ઝડપ તથા શરીરનું ગુરુત્વમધ્યબિંદુ જાળવીને ખાડામાં ઉતરાણ કરે છે. ખાડામાં ઉતરાણ કરતી વખતે બંને પગને આગળ લઈ જઈને પગ જમીનને અડકે ત્યારે કમરથી ઉપરનું શરીર આગળની તરફ લઈ જાય છે, જેથી શરીર પગ કરતાં આગળની બાજુએ ખાડામાં પડે. કૂદી રહ્યા પછી કૂદનારે ખાડાની પાછળની બાજુએથી બહાર નીકળવાનું રહેશે. લાંબા કૂદકાનું માપ ઠેકપાટિયાની આગળની ધારથી કૂદનારના ખાડામાં થયેલા સૌથી નજીકના ચિહન વચ્ચેના અંતરને મીટરથી માપીને લેવામાં આવે છે.

બધા જ હરીફોને કૂદવાની પ્રથમ ત્રણ તક આપવામાં આવે છે. તેમાંથી ઉત્તમ આઠ ખેલાડીઓ પસંદ કરીને બીજી ત્રણ તક આપવામાં આવે છે અને છ તકોના માપને ધ્યાનમાં રાખીને વિજેતાક્રમ નક્કી કરવામાં આવે છે. જો પ્રથમ નંબર માટે ગાંઠ પડી હોય તો તેમનો બીજા નંબરનો ઉત્તમ આંક ધ્યાનમાં રાખીને વિજેતાક્રમ નક્કી કરવામાં આવે છે.

હર્ષદભાઈ પટેલ