લાંબા માથાવાળું લોટનું કાંસિયું (long headed flour beetle)
January, 2004
લાંબા માથાવાળું લોટનું કાંસિયું (long headed flour beetle) : સંગૃહીત પાક અને તેની પેદાશોને નુકસાન કરતી એક જીવાત. તેનો સમાવેશ ઢાલપક્ષ (coleoptera) શ્રેણીનાં ટેનેબ્રિયોનિડી કુળમાં થયેલ છે. તેનું વૈજ્ઞાનિક નામ Laetheticus oryzae છે. પુખ્ત કીટક દેખાવે પાતળો અને ઉપર-નીચેથી ચપટો હોય છે, જે રાતા સરસિયાને મળતો આવે છે. પુખ્ત કીટક આછા ભૂખરા કે પીળાશ પડતા રંગના હોય છે, જે 3 મિમી. લાંબી અને અગિયાર ખંડની બનેલી ટૂંકી દંડાકાર પ્રકારની શ્રુંગિકા (antennule) ધરાવે છે. શીર્ષપ્રદેશ પ્રમાણમાં લાંબો હોય છે, જેના કારણે તેનું નામ લાંબા માથાવાળું લોટનું કાંસિયું રાખવામાં આવેલું છે. આ કીટકની માદા ખાવાની સામગ્રીમાં તેમજ કોથળાના ચીરામાં અથવા કોથળાના સીવેલા છેડાના સાંધામાં સફેદ રંગનાં, નાનાં, સુંવાળાં અને નળાકાર છૂટાંછવાયાં ઈંડાં મૂકે છે. એક માદા સરેરાશ 400 જેટલાં ઈંડાં મૂકતી હોય છે. ઈંડાની અવસ્થામાં કીટક એકથી બે અઠવાડિયાં પસાર કરે છે. ઈંડાના સેવનથી ઉદભવેલી ઇયળ (maggot) સફેદ રંગની નળાકાર અને છેડાના ભાગે અણીદાર હોય છે. ઇયળ મોટી થતાં તેના શરીર પર વાળની હારો જોઈ શકાય છે. આ ઇયળો ખૂબ જ સક્રિય અને ખાઉધરી હોય છે. ઇયળ અવસ્થામાં કીટક 15થી 18 દિવસ પસાર કરે છે. વાતાવરણનું તાપમાન 25°થી 30° સે. અને ભેજનું પ્રમાણ 75 % હોય ત્યારે ઇયળ 4થી 8 વખત નિર્મોચન (કાંચળી ઉતારવી) કરી કોશેટામાં પરિણમે છે. આ અવસ્થામાં આઠેક દિવસ પસાર કરી પછી તે પુખ્ત કીટકમાં રૂપાંતર પામે છે. આ કાંસિયું બધા જ પ્રકારના અનાજની એક દ્વિતીયક (secondary) આક્રમણકારી જીવાત છે. ઇયળ અને પુખ્ત એમ બંને અવસ્થામાં તે અનાજ અને લોટ ખાઈને નુકસાન કરે છે. ખાસ કરીને ઘંટીઓ અને વખારોમાં તેનો ઉપદ્રવ વધુ હોય છે. 35° સે. અને 70 ટકા સાપેક્ષ ભેજ હોય ત્યારે આ કીટક સારી રીતે વિકાસ પામે છે. તેનો ઉપદ્રવ રાતાં સરસરિયાં, ઝીંઝણી, ચપટાં જીવડાં વગેરેની સાથે જોવા મળે છે.
પરબતભાઈ ખી. બોરડ