લાંબડી : દ્વિદળી વર્ગમાં આવેલા તંડુલીયાદિ (એમરેન્થેસી) કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Celosia argentea Linn. (સં. ભુરુંડી, શિતિવાર; હિં. શિરિયારી, સિલવારી; બં. શુનિશાક, શ્વેતમુર્ગા; મ. કુરડૂ, કોબડા; ક. કુરડૂ, ખડકલિરા; ગુ. લાંબડી, લાંપડી; ત. પન્નાકીરાઈ; તે. ગુરુગુ, પંચેચેટ્ટુ; અં. ક્વેઇલ ગ્રાસ, સિલ્વર-સ્પાઇક કોક્સ કૉમ્બ) છે. લાંબડીને ‘જાંબલી પાલખ’ પણ કહે છે.

લાંબડી(Celosia argentea)નો છોડ

તે ટટ્ટાર, અરોમિલ (glabrous), 100 સેમી.થી 150 સેમી. ઊંચાઈ ધરાવતી એકવર્ષાયુ વનસ્પતિ છે અને નદીકિનારે અને ખુલ્લી જગાઓએ સમગ્ર ભારતમાં અપતૃણ (weed) તરીકે થાય છે. હિમાલયમાં તે 1,500 મી.ની ઊંચાઈ સુધી જોવા મળે છે. પાલખની અવેજીમાં તેના પાકની ખેતી ઇંડોનેશિયા, આફ્રિકામાં – નાઇજિરિયા, બેનીન અને ઝાઇર(કૉંગો)ના પ્રદેશોમાં શાકભાજીના અગત્યના પાક તરીકે કરવામાં આવે છે. પ્રકાંડ મજબૂત કે નાજુક અને અશાખિત કે શાખિત હોય છે. પર્ણો સાદાં, સાંકડાં અને અખંડિત હોય છે. પુષ્પવિન્યાસ શંકુ કે લંબચોરસ આકારનો અપરિમિત શૂકી (spike) પ્રકારનો અને ચળકતાં પીંછાંઓ જેવો હોય છે. નીચેનાં પુષ્પો સફેદ રંગનાં અને ઉપરનાં જાંબલી કે ગુલાબી રંગનાં હોવાથી તે સુંદર દેખાય છે. ફળ પ્રાવર (capsule) પ્રકારનું હોય છે અને 4થી 8 ચમકદાર બીજ ધરાવે છે.

ભારતના વિવિધ ભાગોમાં થયેલા કોષવિદ્યાકીય અભ્યાસ મુજબ લાંબડીના ચતુર્ગુણિત (tetraploid) અને અષ્ટગુણિત (octaploid) પ્રકારો નોંધાયા છે. ચતુર્ગુણિત પ્રકાર શાખાવિન્યાસ (branching), પર્ણના આકારો અને કદમાં પુષ્કળ વિભિન્નતાઓ ધરાવે છે અને તેનું C. cristata (મોરશિખા) સાથે સરળતાથી સંકરણ થઈ શકે છે. અષ્ટગુણિત જાતમાં સમાન બાહ્યાકારકીય (morphological) લક્ષણો જોવા મળે છે. તેનું વિતરણ ચતુર્ગુણિત જાત કરતાં વધારે બહોળા પ્રમાણમાં જોવા મળે છે. વન્ય ચતુર્ગુણિત જાતનું શોભન પ્રકારો સાથે સંકરણ કરાવી પહોળાં પાન, રોગ-અવરોધકતા અને પુષ્કળ શાખાઓ જેવાં ઇચ્છિત લક્ષણો ધરાવતી શાકભાજીના પાકનો વિકાસ થઈ શકે છે.

લાંબડીના પાકની ખેતી માટે પ્રથમ બીજને નર્સરીમાં ગાદી-ક્યારામાં 75 સેમી. ઊંડે રોપવામાં આવે છે. બીજ રોપ્યા બાદ ક્યારામાં તેમને પૂરતું પોષણ અને પાણી આપવામાં આવે છે. બીજ ઊગી નીકળે એટલે છોડના સારા વિકાસ માટે ક્યારામાં 25 સેમી.થી 30 સેમી.ના અંતરે પારવણી કરવામાં આવે છે. છોડની ઊંચાઈ 5 સેમી.થી 8 સેમી. જેટલી થાય ત્યારે રોપ મુખ્ય ખેતરમાં ફેરરોપણી કરવા માટે યોગ્ય ગણાય છે. લાંબડીનાં બીજ ખૂબ જ ઝીણાં હોઈ પૂરતો ઉગાવો મળતો નથી, તેથી પૂરતા છોડ મેળવવા જરૂર કરતાં સવાથી દોઢગણા વિસ્તાર માટેનું ધરુવાડિયું તૈયાર કરવું જરૂરી છે. લાંબડીનો પાક, જેની ભેજસંગ્રહશક્તિ સારી હોય તેવી કોઈ પણ પ્રકારની હલકીથી ભારે ફળદ્રૂપ જમીનમાં થઈ શકે છે. લાંબડીના છોડને પૂરતો સૂર્યપ્રકાશ મળતાં તેની વૃદ્ધિ વધુ સારી થાય છે. જમીનમાં પાણી ભરાઈ રહેતું હોય અથવા તાપમાન 0° સે. કે તેથી નીચે જાય તો છોડ બળવાની શરૂઆત થઈ જાય છે. આ પાકની વાવણીમાં બે હાર વચ્ચે 250 સેમી. અને બે છોડ વચ્ચે હારમાં 30 સેમી.નું અંતર રાખવાથી તેનાં પાન પાલખનાં પાન જેવાં જ મેળવી શકાય છે. લાંબડીના પાકની પ્રથમ છટણી પાન 15 સેમી.ની લંબાઈનાં થાય ત્યારબાદ કરવામાં આવે છે.

પ્રથમ કાપણી 4થી 5 અઠવાડિયાં બાદ જ્યારે છોડની ઊંચાઈ 50 સેમી. જેટલી થાય ત્યારે કરવામાં આવે છે. આ ઊંચાઈનો છોડ સીધેસીધો ખોરાકમાં પણ ઉપયોગમાં લઈ શકાય છે. જો ફક્ત પાન ઉતારવાનાં હોય તો પાન સાથે મુખ્ય ટોચ પણ કાપી લેવાથી થડમાંથી બીજી ફૂટો સારી નીકળે છે અને છોડની વૃદ્ધિ પણ સારી થાય છે.

લાંબડીનાં પાન પુષ્પનિર્માણ પહેલાં સ્વાદમાં સૌથી સારાં હોય છે. પુષ્પ-નિર્માણ બાદ પાન નાનાં રહે છે અને સ્વાદ પણ ખાવાલાયક રહેતો નથી. લાંબડીનો પાક વાવ્યા પછી 14થી 16 અઠવાડિયાં બાદ પ્રથમ બીજ-ઉત્પાદન મળે છે. સુકાયેલાં પુષ્પોના દડાવાળી દાંડીઓ કાપવામાં આવે છે અને હવાની અવરજવર થઈ શકે તેવી કોથળીઓ રાખવામાં આવે છે. આ રીતે સુકાયેલ દડાને હાથથી મસળીને અથવા લાકડીથી ઝૂડીને બીજ મેળવવામાં આવે છે.

લાંબડીના પાકમાં કોઈ ખાસ રોગ કે જીવાતની અસર જોવા મળતી નથી. આમ છતાં, તેને પાનના કોકડવાનો રોગ અને કેટલીક જાતોમાં સૂત્રકૃમિની અસર જોવા મળે છે. લાંબડીનાં પાનની નીચે તળછારો ખૂબ જ થતો હોઈ પાન ઉપર ફૂગનાં લાલ-ભૂખરાં ટપકાં જોવા મળે છે. લાંબડીમાં થતા રોગને અટકાવવા માટે રોગ-અવરોધક જાતો વાવવામાં આવે છે. રોગિષ્ઠ છોડોને બાળી નાખવામાં આવે છે. નાઇજિરિયામાં તો વિવિધવર્ણી તીડ અને ભમરા જેવી જીવાતો બીજના દડાને ખાઈને નુકસાન કરે છે. ઇતરડી પણ ક્યારેક આ પાકમાં જોવા મળે છે અને પાનને નુકસાન કરે છે.

વાવણી પછી પાંચથી સાત અઠવાડિયે લીધેલાં પર્ણોનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 88 %, પ્રોટીન 2.0 %, મેદ 0.7 %, કાર્બોદિતો 5.8 %, રેસો 1.5 % અને ખનિજો 2.0 %; કૅલ્શિયમ 323 મિગ્રા., ફૉસ્ફરસ 38 મિગ્રા. / 100 ગ્રા.; અને ઊર્જા 38 કિ. કૅલરી/100 ગ્રા. પર્ણોમાં પ્રજીવક બી1 અને બી6 પુષ્કળ પ્રમાણમાં હોય છે. લીલાં પર્ણોમાં પ્રજીવક બી1 29 મિગ્રા., બી2 5.4 મિગ્રા., બી6 18.2 મિગ્રા., નાયેસિન 7.7 મિગ્રા. અને સી 553 મિગ્રા./100 ગ્રા. હોય છે. તે હાઇડ્રૉસાયનિક ઍસિડ (2 મિગ્રા./100 ગ્રા.) અને ઑક્ઝૅલિક ઍસિડ (11.3 % શુષ્કતાને આધારે) ધરાવે છે.

મૂળના જલીય નિષ્કર્ષ કે મૂળના સ્રાવો બાજરીના બીજાંકુરણ દરમિયાન ભ્રૂણમૂળની વૃદ્ધિને અવરોધે છે. સમગ્ર વનસ્પતિનો ક્લૉરોફૉર્મ-નિષ્કર્ષ Escherichia coli અને Pseudomonas aeruginosaની વૃદ્ધિને અને મિથેનોલ-નિષ્કર્ષ Micrococcus pyogenesની વૃદ્ધિને અવરોધે છે. પર્ણ અને મૂળનો જલીય નિષ્કર્ષ Rhizobium sp.ની વૃદ્ધિ અટકાવે છે. સમગ્ર વનસ્પતિના આલ્કોહૉલીય નિષ્કર્ષના 10 % પ્રોપાયલિન ગ્લાયકૉલમાં બનાવેલું નિલંબન (suspension) અસરકારક અશ્મરીભંજક (lithotriptic) તરીકે કામ કરે છે. આ નિષ્કર્ષ પથરી થઈ હોય તો દૂર કરે છે; તેટલું જ નહિ, પરંતુ તેનું નિર્માણ પણ અટકાવે છે.

લાંબડીનાં કુમળાં પાન, થડ અને પુષ્પોનો સમૂહ સૉસ અને સૂપ સાથે કે ભોજન સાથે લેવાય છે. તેનાં બીજ પણ ખાદ્ય છે. તેના છોડના ટુકડા કરી મરઘાં-બતકાં તેમજ ઢોરોને આપવામાં આવે છે. તેનાં પુષ્પોનો સુશોભનમાં પણ ઉપયોગ થાય છે.

નવી ફૂટેલી ટોચ અને પાકાં પાન પાણીમાં પાંચ મિનિટ ઉકાળવાથી નરમ પડે છે. તેમાં રહેલા ઑક્ઝૅલિક ઍસિડ અને નાઇટ્રેટ દૂર થાય છે. આવાં પાન સ્વાદમાં પાલખ કે તાંદળજાની ભાજી જેવાં મૃદુ હોય છે અને કડવાશરહિત મીઠો સ્વાદ આપે છે. પોષણની દૃષ્ટિએ તે તાંદળજાની બરોબરી કરે છે, પરંતુ તેમાં પ્રોટીન ઓછું હોય છે. તેનો ઉપયોગ ભાત, ઈંડાં અને ટામેટાં સાથે ખોરાક તરીકે થાય છે.

આયુર્વેદ અનુસાર લાંબડી તૂરી, ગ્રાહક, ઉષ્ણ અને રસાયન છે. તે મેધા અને રુચિનો નાશ કરનારી, શીતળ, રુક્ષ, અગ્નિદીપક, અવિદારી, લઘુ, સ્વાદુ, હૃદ્ય અને વૃષ્ય છે તથા ત્રિદોષ, તાવ, પ્રમેહ, શ્વાસ, દાહ, મેહ, કોઢ, ભ્રમ અને અરુચિનો નાશ કરે છે. દેવકરડૂ (રાતી જાત) શીત અને વૃષ્ય છે અને મૂત્રરોગ અને અશ્મરીનો નાશ કરે છે.

પથરી અને મૂત્રાઘાત ઉપર લાંબડીનાં બીજ 1.0 ગ્રા. અને સાકર 1.0 ગ્રા. આપવામાં આવે છે. મૂત્ર બંધ થયું હોય તો આ ઔષધ દિવસમાં બેથી ત્રણ વાર અપાય છે. ગાંજા અને ભાંગ ઉપર તેનાં મૂળ 2 ગ્રા.થી 5 ગ્રા. પાણીમાં ઘસીને આપવામાં આવે છે. કફ અને મૂત્રકૃચ્છ્ર ઉપર 2 ગ્રા.થી 4 ગ્રા. બીજનું ચૂર્ણ છાશ સાથે લેવામાં આવે છે. બદગાંઠ ઉપર તેનાં પાન વાટી પોટીસ બનાવી લગાવતાં તે પાકીને ફૂટી જાય છે. ઝેરી જંતુઓનાં ઝેર અને રક્તવિકાર ઉપર પાનને પાણી સાથે વાટી લેપ કરવામાં આવે છે. કફ, ખાંસી અને શ્વાસમાં લાંબડીની 0.5 ગ્રા. જેટલી પંચાંગ ભસ્મ મધ સાથે ચટાડવામાં આવે છે.

પરેશ હરિપ્રસાદ ભટ્ટ

સુરેશ યશરાજભાઈ પટેલ

બળદેવભાઈ પટેલ