લાંગવિકાર (lathyrism) : લાંગ (કેસરી) દાળના આહારથી થતો પીડાકારક સ્નાયુ-અધિકુંચસજ્જતાયુક્ત (spastic) પગના લકવાનો રોગ. મધ્ય ભારતના મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને બિહારમાં ખોરાકમાં દાળ તરીકે કેસરી (લાંગની) દાળનો ઉપયોગ કરતી વસ્તીમાં આ રોગ થાય છે. તેનું શાસ્ત્રીય નામ Lathyrus sativus છે. ભારતમાં તેને કેસરી દાળ, લાંગની દાળ, તેઓરા, મત્રા, બટુરા, ઘરસ, લાખ અને લેત્રીદાળ તરીકે પણ ઓળખવામાં આવે છે. તે વટાણા જેવા નાના દાણા ધરાવતું કઠોળ છે. તેનો લોટ વેસણ જેવો દેખાય છે. તે દુષ્કાળમાં પણ થાય છે અને જ્યારે ઘઉંનો પાક નિષ્ફળ જાય ત્યારે પણ તે ઊગે છે. તેમાં જલદ્રાવ્ય વિષરૂપે બીટા (એન)-ઑક્ઝાલિટા ઍમિનોએલેનિન (BOAA) નામનું દ્રવ્ય હોય છે. તેમાં મૅંગેનીઝ હોય છે. મૅંગેનીઝની ખાણમાં કામ કરતા કામદારોમાં જે પ્રકારનો પીડાકારક પગનો લકવો થાય છે, તેવો જ પીડાકારક પગનો લકવો લાંગની દાળ ખાવાથી થાય છે. આ વિકારને લાંગવિકાર (lathyrism) કહે છે. તેમાં બંને પગના સ્નાયુઓમાં પીડાકારક સજ્જડતા-અધિકુંચસજ્જતા (spasticity) ઉદભવે છે. ભારત ઉપરાંત આ રોગ ગ્રીસ, જર્મની, રશિયા, સ્પેન, ઇટાલી અને ઈરાનમાં પણ નોંધાયેલો છે. ભારતમાં આશરે 25,000 કિસ્સા નોંધાયેલા છે. આ રોગ સ્ત્રી અને પુરુષ બંનેને અસર કરે છે, પરંતુ સ્ત્રીઓને વધુ અસર કરે છે. પુરુષ દર્દીની ઉંમર 10થી 35 વર્ષ અને સ્ત્રી દર્દીની ઉંમર 5થી 13 વર્ષ હોય છે. તેઓ સામાન્ય રીતે ગરીબ, જમીનવિહોણા, કૌશલ્ય વગરના મજૂરો કે તેમનાં કુટુંબીજનો હોય છે. તેમને ઘણી વખત કામને બદલે અનાજ મળતું હોય છે; જેમાં ઘઉં, વટાણા અને મત્રાનું મિશ્રણ જેને ‘બીર્રી’ કહે છે તે, મળતું હોય છે. તેમાં લાંગ(મત્રા)નું પ્રમાણ 25 %થી 100 % (સરેરાશ 65 %) હોય છે. આ દુષ્કાળમાં ઊગતું કઠોળ હોવાથી આ રોગનો ઉપદ્રવ દુષ્કાળ પછીના મહિનાઓમાં જોવા મળે છે. સામાન્ય રીતે તે રવીપાક રૂપે માર્ચ–એપ્રિલમાં ઉગાડાય છે માટે, 2થી 4 મહિના બાદ, મે–જૂનમાં આ રોગના ઉપદ્રવની શરૂઆત થાય છે અને ઑગસ્ટ–સપ્ટેમ્બરમાં તેનું પ્રમાણ ટોચ પર હોય છે (75 %). જેમ જેમ ખરીફ પાકનાં ધાન્ય મળતાં થાય તેમ ઑક્ટોબરથી તેના નવા કિસ્સા નોંધાતા અટકે છે. જે કોઈ વ્યક્તિ તેના ખોરાકની ચોથા ભાગથી વધુ ઊર્જા લાંગની દાળમાંથી મેળવે છે તેને આ રોગ થવાની સંભાવના રહે છે.

90 % દર્દીઓમાં ઉગ્ર (acute) કે ઉપોગ્ર (subacute) સ્વરૂપે તેની શરૂઆત થાય છે. સૌપ્રથમ પગના નળાની પાછળ આવેલા સ્નાયુઓમાં પીડા (cramps) થાય છે. ક્યારેક જાંઘના સ્નાયુમાં પણ પીડા થાય છે. રાત્રે વધુ તકલીફ રહે છે. તેની સાથે ઉગ્ર અધિકુંચન (spasm) થઈ આવે છે, જેમાં સ્નાયુ સતત સંકોચાયેલો રહે છે. આ પ્રકારના પીડાકારક અધિકુંચનને સ્થાનિક ભાષામાં તોડાકા કહે છે. તે 10થી 15 મિનિટ સુધી સખત પીડાકારક સ્નાયુસંકોચનરૂપે જોવા મળે છે. પોણા ભાગના દર્દીઓને કમરમાં પણ દુખે છે. ઉગ્ર શરૂઆત મુખ્યત્વે પુરુષોમાં થાય છે (50 %). તેમાં કામના સમયે દર્દી અચાનક પડી જાય છે અથવા તેના પગ ભારે અને સજ્જડ થઈ જાય છે અને તેની કમર, ઢીંચણ અને ઘૂંટીમાં સખત પીડા ઉદભવે છે. વરસાદ કે ઠંડી પછી તે તુરત થઈ આવે છે. સ્નાયુની સજ્જડતા વધે છે અને વ્યક્તિનું ચાલી શકવું બંધ થઈ જાય છે. ઉપોગ્ર શરૂઆતમાં એક કે બે અઠવાડિયાં પીડાકારક અધિકુંચનો થયાં કરે છે અને પછી કામના સમયે સ્નાયુ-સજ્જડતા થવા માંડે છે. તે ધીમે ધીમે વધીને 12 મહિનામાં અપંગતા લાવે છે. થોડાક કિસ્સામાં રોગ લક્ષણો વગર ધીમે ધીમે વધીને પગના સ્નાયુની સજ્જડતા (અધિકુંચસજ્જતા, spasticity) કરે છે. સ્ત્રીઓમાં આવી અલક્ષિત (insidious) કે ઉપોગ્ર શરૂઆત વધુ જોવા મળે છે.

રોગના 4 તબક્કા વર્ણવાયેલા છે. દરેક દર્દીમાં બધા જ તબક્કા થતા નથી. પ્રથમ તબક્કાને લાકડી વગરનો તબક્કો કહે છે. દરેક દર્દીને આ તબક્કો થાય છે. ઘણી સ્ત્રીઓ આ જ તબક્કામાં રહી જાય છે. તે સમયે થોડીક અધિકુંચસજ્જતાવાળી ચાલ (spastic gait) હોય છે, જેમાં પગના સ્નાયુઓ સજ્જડ થયેલા હોય છે. દર્દીને ચાલવામાં ઘણી તકલીફ રહે છે. બીજા તબક્કાને એક લાકડીનો તબક્કો કહે છે. તેમાં સ્નાયુની સજ્જડતા વધે છે, બંને પગ કાતરના પાનાંની જેમ ત્રાંસા થઈને એકબીજાને આંતરે છે. તેને ‘કર્તની ચાલ’ (scissor gait) કહે છે. તે સમયે દર્દી તેના પગના અંગૂઠા પર ચાલે છે અને તેની શ્રોણી (કેડનું હાડકું) વાંકી કરીને ચાલે છે. ટેકા માટે એક લાકડીની જરૂર રહે છે. ત્રીજા તબક્કાને બે લાકડીનો તબક્કો કહે છે. તેમાં સ્નાયુ-સજ્જડતાની સાથે ઢીંચણ વળેલા હોય છે. દર્દી ચાલવા માટે બંને હાથમાં એક એક લાકડી લઈને તથા કેડના હાડકાં(શ્રોણી)ને ગોળ ફેરવીને મહામુસીબતે ચાલે છે. ચોથો તબક્કો ઘૂંટણિયાં ભરતા ચાલવાનો તબક્કો છે, જેમાં દર્દીના બંને ઢીંચણ વળી ગયેલા હોય અને તેના જાંઘના સ્નાયુ પણ સજ્જડ થયેલા હોય તેવે સમયે તે ઘૂંટણિયાંભેર ચાલી શકે છે. ઘણેભાગે તેઓ ભિખારી બનીને ગુજરાન ચલાવે છે.

આ રોગની કોઈ સારવાર નથી, તેથી તેને થતો અટકાવવો જરૂરી છે; જેમાં લોકશિક્ષણ તથા રોજગારીની તકો મહત્વનાં બને છે. આ પાકના વાવેતર પર પ્રતિબંધ મૂકવો અવ્યવહારુ હોવાથી તેના દાણાને ઔદ્યોગિક ક્રિયા દ્વારા ખાવાલાયક બનાવી શકાય તેવું સૂચન કરાયેલું છે.

શિલીન નં. શુક્લ

શિવાની શિ. શુક્લ