લસણ : એકદળી વર્ગમાં આવેલા લિલિયેસી કુળની એક વનસ્પતિ. તેનું વૈજ્ઞાનિક નામ Allium sativum Linn. (સં. રસોન, લશુન; હિં. લહસન; બં. રસુન; મ. લસુણ; ગુ. લસણ; ક. બીલ્લુલી; ત. મલ. વેળુળિ; તે. વેળુળી તેલ્લા – ગડ્ડા; અં. ગાર્લિક) છે. તે બહુવર્ષાયુ, સહિષ્ણુ (hardy) અને આશરે 60 સેમી. જેટલી ઊંચાઈ ધરાવતી ડુંગળી જેવી શાકીય વનસ્પતિ છે. તે મધ્ય એશિયાના પહાડી વિસ્તારોની મૂલનિવાસી છે અને તેનું પ્રાગ્-ઐતિહાસિક સમયથી ભૂમધ્ય સમુદ્રીય પ્રદેશો સુધી વિસ્તરણ થયું છે. શરૂઆતના સમયમાં તે ચીન પહોંચ્યા પછી તેને સ્પૅનિશ, પોર્ટુગીઝ અને ફ્રેન્ચ પ્રજા દ્વારા પશ્ચિમ ગોળાર્ધ તરફ લઈ જવામાં આવ્યું છે. એક માન્યતા પ્રમાણે લસણની વન્ય પૂર્વજ વનસ્પતિ હવાઈ પ્રકલિકાઓ (bulbils) ઉત્પન્ન કરતી હતી. વિવિધ પ્રકારની મૃદા અને આબોહવાકીય પરિસ્થિતિઓ અને સંસ્કૃતિનાં પ્રાચીન કેન્દ્રોમાં વાવેતરની વિવિધ પદ્ધતિઓને કારણે લસણની જુદી જુદી જાતિઓનો ઉદવિકાસ થયો. સંગ્રહ દ્વારા નૈસર્ગિક જીવનચક્રમાં અંતરાય ઉત્પન્ન થવાને કારણે અપુષ્પ (nonflowering) જાતોનો ઉદભવ થયો હોવાનું માનવામાં આવે છે.

તેનું પ્રકાંડ અત્યંત સંકુચિત, ચપટું, બિંબ જેવું હોય છે અને તેના પર ગાંઠો સૂક્ષ્મ અંતરે આવેલી હોય છે. પ્રત્યેક ગાંઠ પરથી ઉદભવતા પર્ણની કક્ષામાં રહેલી કક્ષકલિકા ખોરાક સંગ્રહ કરી માંસલ અને પુષ્ટ બને છે. આ કલિકાની ફરતે શલ્કી આવરણ આવેલું હોય છે. આવી પુષ્ટ કલિકાઓ સમૂહમાં ગોઠવાઈ સંયુક્ત કંદ બનાવે છે. આ કંદની ફરતે પણ શલ્કી આવરણ હોય છે. લીલાં પર્ણો લાંબાં, ચપટાં અને અણીદાર હોય છે અને પ્રકાંડના નીચેના અર્ધભાગને આવરે છે. પ્રવૃંત (scape) પાતળો, લીસો અને ચળકતો હોય છે. પૃથુપર્ણો લાંબાં હોય છે અને છત્રક પુષ્પવિન્યાસને આવરે છે. પુષ્પો નાનાં અને સફેદ રંગનાં હોય છે. ઘણી વાર છત્રક પુષ્પવિન્યાસનું વિસ્થાપન પ્રકલિકાઓ દ્વારા થાય છે.

તેનું વાવેતર ડુંગળીના પાકની જેમ વ્યાપારિક પાક તરીકે થાય છે. તે કર્ણાટક, તામિલનાડુ અને આંધ્રપ્રદેશમાં પિયત પાક તરીકે ઉગાડવામાં આવે છે. મહારાષ્ટ્ર, ઓરિસા, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ અને ગુજરાતમાં મોટા પાયા પર તેનું વાવેતર થાય છે. ગુજરાત અને મધ્યપ્રદેશ ભારતમાં લસણના કુલ ઉત્પાદનના 50 % કરતાં પણ વધારે ઉત્પાદન કરી સૌથી મોખરે છે. નાની કળીવાળા અને મોટી કળીવાળા લસણ પૈકી ભારતમાં નાની કળીનું લસણ મોટેભાગે ઉગાડવામાં આવે છે. મોટી કળીવાળા લસણનું વાવેતર હિમાચલ પ્રદેશ અને નીલગિરિના પહાડી પ્રદેશોમાં થાય છે. હવે નાની કળીઓમાં પણ પસંદગીની પદ્ધતિ દ્વારા પ્રમાણમાં મોટી કળીવાળી જાતો વિકસાવવામાં આવી છે. લસણની સફેદ અને રાતી જાતો ગુણધર્મમાં સરખી છે. એક કળીવાળા લસણની જાત ઊંચી ગુણવત્તાવાળી ગણાય છે.

લસણ – પર્ણ અને કંદ

સામાન્યત: લસણમાં લિંગી  પ્રજનન ન થતું હોવાથી બીજ ઉત્પન્ન થતાં નથી અને તેથી જાતસુધારણા (varietal improvement) કંદની પસંદગી દ્વારા થાય છે.

કૃષિસંશોધન દ્વારા કેટલીક વિકસાવેલી જાતોમાં ગોદાવરી, શ્વેતા, એચ.જી.–1, એચ.જી.–6, પુસા સિલેક્શન–10, એલ.સી.જી., એ.આર.યુ.–52, જી–41, યમુના સફેદ–12 વગેરેનો સમાવેશ થાય છે. આ જાતો નાની 20થી 30 કળીવાળો કંદ ઉત્પન્ન કરે છે. જી–282 અને ઍગ્રિફાઉન્ડ પાર્વતી – બંને જાતોમાં કળીઓ અને કંદ મોટાં હોય છે. જી–282 જાત દક્ષિણની ટેકરીઓમાં અને ઉત્તર ભારતના સપાટ પ્રદેશમાં થાય છે,  જ્યારે ઍગ્રિફાઉન્ડ પાર્વતી લાંબા દિવસોમાં દક્ષિણની ટેકરીઓમાં જ થાય છે.

બધા જ પ્રકારના હવામાનમાં થતો આ પાક વધુ ગરમી અને વધુ ઠંડીવાળા વાતાવરણમાં ઊભો રહી શકતો નથી. આ પાક હિમ સામે ટકી શકે છે. તેને વાનસ્પતિક વૃદ્ધિ વખતે ઠંડું અને ભેજવાળું, જ્યારે કંદના વિકાસ સમયે સામાન્યત: સૂકું હવામાન વધુ અનુકૂળ રહે છે. કંદનો વિકાસ લાંબા દિવસો અને ગરમ હવામાનથી શરૂ થઈ તાપમાન ઘટતાં કંદના વિકાસની પ્રક્રિયા આગળ વધે છે. લસણનો પાક 1,000 મી.થી 1,300 મી.ની ઊંચાઈ સુધી પણ સારી રીતે લઈ શકાય છે. લસણની વાવણી 12 કલાકનો દિવસ અને 20° સે. તાપમાન, એકથી બે મહિના સુધી મળી રહે તેવી પરિસ્થિતિમાં કરવી હિતાવહ છે. અન્યથા, લસણના છોડને કંદ બેસતા નથી. ઠંડા હવામાનમાં વહેલી વાવણીથી વાનસ્પતિક વૃદ્ધિ થાય છે, જ્યારે મોડા ગરમ હવામાનમાં કંદનો વિકાસ ઓછો થતાં ઉત્પાદન ઘટે છે.

લસણને મધ્યમ કાળી, ફળદ્રૂપ, સારી નિતારવાળી, ગોરાડુ કે જેમાં પોટાશનું પૂરતું પ્રમાણ અને અમ્લીયતા 6.7 pH હોય તેવી જમીન વધુ અનુકૂળ રહે છે. રેતાળ જમીનમાં ઓછા વજનવાળા કંદ થાય છે, જ્યારે  ભારે કાળી જમીનમાં કંદનો વિકાસ ઓછો થાય છે અને કાપણી વખતે નુકસાન વધુ થતું હોય છે. ઓછી નિતારવાળી જમીનમાં કંદનો રંગ ઊડી જતો હોય છે.

લસણની વાવણી માટે કળીઓનો ઉપયોગ થાય છે. લસણમાં હવે  પેશી-સંવર્ધન પદ્ધતિ પણ ઉપયોગમાં લેવાય છે. લસણની વાવણી ઓળીને કરવામાં આવે તો તેનું અંતર ઓછું હોય છે અને મજૂરી ખર્ચ વધારે લાગે છે. તેથી મજૂરની ખેંચ રહેતી હોય ત્યાં વાવણી હારમાં કરવામાં આવે છે. જ્યાં સરળતાથી મજૂરો મળતા હોય ત્યાં સારો પાક મેળવવા માટે એક એક કળી રોપીને વાવેતર કરવામાં આવે છે. કેટલાક વિસ્તારોમાં કળીઓ પૂંખીને પણ વાવેતર કરવામાં આવે છે. દરેક પદ્ધતિમાં કળી જમીનમાં 5 સેમી.થી 7.5 સેમી. ઊંડાઈએ રહે તેવી રીતે માટીથી ઢાંકવામાં આવે છે. વાવણી બાદ પૂરતો ભેજ મળી રહે તે માટે તુરત એક પિયત આપવું જરૂરી છે. વાવણી કરતી વખતે કળીની ફૂટનો ભાગ ઉપર રહે તે જરૂરી છે. વાવણી માટે કંદની બહારની પૂરતી વિકસિત કળીઓનો ઉપયોગ કરવામાં આવે છે. કંદની અંદરની પાતળી અને સીધી કળીનો ઉપયોગ કરવાથી ઉગાવો ઓછો મળે છે, અને તેના છોડમાં કંદનો વિકાસ પણ ઓછો થાય છે. એક હેક્ટરના વાવેતર માટે 8 મિમી.થી 10 મિમી.ની જાડાઈની 300 કિગ્રા.થી 500 કિગ્રા. કળીઓની જરૂરિયાત રહે છે. બીજથી વાવેતર કરવા માટે 8 કિગ્રા.થી 10 કિગ્રા. બીજની પ્રતિહેક્ટર જરૂર પડે છે.

લસણને વધુ ગરમ અને ઠંડું હવામાન માફક ન આવતું હોવાથી શિયાળાની શરૂઆતમાં વાવણી કરી ગરમી શરૂ થાય તે પહેલાં લણણી કરી લેવામાં આવે છે. આમ, લસણનું વાવેતર જુદાં જુદાં રાજ્યોમાં અલગ અલગ સમયે અનુકૂળતા પ્રમાણે કરવામાં આવે છે. મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને આંધ્રપ્રદેશમાં ઑગસ્ટથી ઑક્ટોબરમાં, ઉત્તર ભારતના સપાટ પ્રદેશમાં સપ્ટેમ્બરથી નવેમ્બર દરમિયાન અને ગુજરાતમાં ઑક્ટોબરથી નવેમ્બરમાં કરવામાં આવે છે. ડુંગરાળ પ્રદેશમાં માર્ચથી એપ્રિલ માસનો સમય વધુ અનુકૂળ રહે છે.

લસણનાં મૂળ જમીનમાં આશરે 10 સેમી. ઊંડાઈ સુધી હોય છે. હળ દ્વારા 4થી 5 હળવી ખેડ કરી, સમારથી જમીન સમતલ કરવામાં આવે છે. લસણનું વાવેતર 15 સેમી. × 7.5 સેમી.ના અંતરે થતું હોય છે. આંતરખેડ અને નીંદામણ સરળતાથી થાય તેવી રીતે ક્યારા બનાવવા જરૂરી છે. મોટી કળીવાળા લસણનું વાવેતર 15 સેમી. × 10 સેમી.ના અંતરે કરવાથી કંદનો વિકાસ સારો થાય છે.

લસણના પાકને છાણિયું ખાતર વધુ માફક આવતું હોય છે. હેક્ટરે 50 ટન, ખેતર તૈયાર કરતી વખતે આપવામાં આવે છે. આ ઉપરાંત રાસાયણિક ખાતર નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને પોટાશ 100–50–50 કિગ્રા. પ્રતિહેક્ટર આપવાની ભલામણ કરવામાં આવી છે, જેમાંથી અડધો નાઇટ્રોજન પાયામાં અને બાકીનો નાઇટ્રોજન વાવણી બાદ એક મહિના પછી આપવો જરૂરી છે. લસણને 5 કિગ્રા. બોરૉન, ઝિંક અને મોલિબ્ડેનમ આપવાથી વધુ ઉત્પાદન અને કળીની વધુ સારી ગુણવત્તા મળે છે.

લસણનો પાક ટૂંકા ગાળે વવાતો હોઈ ખેતરને નીંદામણરહિત રાખવું ખૂબ જ જરૂરી છે. પ્રથમ નીંદામણ વાવણી બાદ મહિને અને બીજું નીંદામણ પ્રથમ નીંદામણના એક મહિના પછી કરવામાં આવે છે. આંતરખેડ પણ કંદનો વિકાસ શરૂ થાય તે પહેલાં પૂર્ણ કરવાથી છોડ અને કંદનો વિકાસ સારો થાય છે. કંદનો વિકાસ શરૂ થયા પછી નીંદામણ કે આંતરખેડ કરવી હિતાવહ નથી. રાસાયણિક રીતે નીંદામણનો નાશ કરવા પેન્ડીમિથાલિન 3.5 લી./હેક્ટર, ઑક્સિડિયેઝોન ટ્રાઇવ્યુબિન 1.5 કિગ્રા./હેક્ટર, નાઇટ્રોફોન 2.0 કિગ્રા./હેક્ટર અથવા બાસાલીન 2.0થી 2.5 લિટર/હેક્ટર દવા 625 લિટર પાણીમાં ઓગાળી 7થી 15 દિવસ પછી છંટકાવ કરવો જરૂરી છે.

લસણના પાકને પ્રથમ પિયત વાવણી બાદ તુરત આપી 10થી 15 દિવસના અંતરે પાણી આપતા રહેવું પડે છે. ગરમીનું પ્રમાણ વધુ હોય તેવા સમયમાં 8થી 10 દિવસે પિયત આપવામાં આવે છે. ઉત્તમ ગુણવત્તાવાળા લસણનું વધુ ઉત્પાદન મેળવવા 20 મિમી.નાં બે પિયત ઑગસ્ટ–સપ્ટેમ્બરમાં અને 3 પિયત ઑક્ટોબર–નવેમ્બરમાં વહેલા રોપાયેલ પાક્ધો આપવામાં આવે છે.

લસણના કંદને સંગ્રહ દરમિયાન રોગો લાગુ પડે છે. જોકે પાક તુલનામાં ફૂગ કે કીટકો દ્વારા રોગોથી મુક્ત રહે છે. પરિપક્વ કંદ ઉપર ‘કાળી ફૂગ’નો રોગ Aspergillus niger દ્વારા થાય છે. આ રોગમાં કંદની સપાટી અને આવરણ વચ્ચે કાળા રંગની ભૂકીનો જથ્થો જોવા મળે છે. સૂકાં અને હવાવાળાં સ્થાનોએ કંદનો સંગ્રહ અને રોગિષ્ઠ કંદોને નિયમિતપણે અલગ કરી દેવાથી રોગનું નિયંત્રણ થાય છે.

સંગ્રહ દરમિયાન Sclerotium cepivorum Berk. દ્વારા ‘સફેદ સડો’ થાય છે, જેથી કળીઓ બદામી, ચીમળાયેલી અને સખત બને છે. Macrophomina phaseoli સંગૃહીત લસણના કંદોના ખાદ્ય ભાગને બદામી, લાક્ષણિક ગંધરહિત અને સખત જથ્થામાં ફેરવે છે.

Rhizopus oryzaeના ચેપથી સંગૃહીત કંદો વિકૃત બને છે. સંગ્રહ દરમિયાન લસણના કંદને Botrytis Spp. દ્વારા ગ્રીવાનો સડો, Fusarium spp. દ્વારા સૂકો સડો અને Macrosporium colletotrichum દ્વારા ડાઘનો રોગ લાગુ પડે છે.

Cladosporium echinulatum દ્વારા લસણના પાકને પાનના કરમાવાનો ગંભીર રોગ થાય છે. Oidiopsis torica અને Erysiphe tauricaના ચેપથી લસણને ભૂકીછારો થાય છે. Alternaria palanduli દ્વારા કરમાવો (blight) થાય છે. તેનાથી પાન ઉપર નાનાં સફેદ રંગનાં ટપકાં થાય છે, જે ઝડપથી વૃદ્ધિ પામી પાન અને પુષ્પની શાખાને સૂકવી નાખે છે. આવા છોડ પર પાકેલા કંદ સંગ્રહ વખતે સડી જાય છે. આ રોગના નિયંત્રણ માટે 1 % બોર્ડોમિશ્રણનો છંટકાવ કરવામાં આવે છે. Urocystis colchici દ્વારા લસણને અંગારિયાનો રોગ લાગુ પાડે છે.

Peronospora નામની ફૂગથી લસણને તળછારાનો રોગ થાય છે. ચેપવાળા ભાગોમાં સફેદ નાના જખમો કે ડાઘાઓ દેખાય છે. ડાઘાઓનું કદ વધતાં તે પર્ણદંડમાં પ્રવેશે છે અને પર્ણો ચીમળાઈ જાય છે. તેથી કંદ ઘણા નાના બને છે. રોગનિયંત્રણમાં તંદુરસ્ત બિયારણ પાકની ફેરબદલી, સારી નિતારવાળી જમીન અગત્યનો ભાગ ભજવે છે અને રોગ જણાય ત્યારે 0.15 % કેપટાફ કે 0.2 % ઝીનેબ કે મેનેબનો છંટકાવ કરવામાં આવે છે.

Puccinia દ્વારા લસણને ગેરુનો રોગ થાય છે. તેના ચેપથી પર્ણો શરૂઆતમાં પીળાં બની છેવટે કથ્થાઈ રંગનાં થાય છે. તેના પરના જખમો કે ડાઘા લાલ રંગનાં બને છે. તેની કવકજાળ શરૂઆતમાં કથ્થાઈ નિદાઘબીજાણુઓ (uredospores) અને પાછળથી કાળા કે ઘેરા રંગનાં અંતિમ બીજાણુઓ (tehiospores) ઉત્પન્ન કરે છે. આ રોગોના નિયંત્રણમાં રોગગ્રસ્ત છોડને ઉપાડીને બાળી નાખી નાશ કરવો જરૂરી છે. 0.2 % વાળું મેનેબ અથવા ઝીનેબનો છંટકાવ કરવાથી રોગનું અસરકારક નિયંત્રણ થાય છે.

Cercospora દ્વારા લસણનાં પર્ણોને ટપકાંનો રોગ થાય છે. તેથી પર્ણો ચીમળાઈ જઈ નાશ પામે છે. તંદુરસ્ત બીજની વાવણી, પાકની ફેરબદલી, મેનેબ કે ઝીનેબ ફૂગનાશકનો અથવા કાર્બેન્ડિઝમનો છંટકાવ રોગનિયંત્રણના અસરકારક ઉપાયો છે.

લસણને મોઝેકનો રોગ વાઇરસ દ્વારા થાય છે. તેનાથી નાના કંદો ઉત્પન્ન થાય છે. વાઇરસનો ફેલાવો Myzus persicae અને Aphis gossypii નામના કીટકો દ્વારા માત્ર લસણ પર જ થાય છે.

થ્રિપ (Thrips tabaci) અને ઇયળો વનસ્પતિના કોમળ ભાગોને કોરીને તેનો રસ ચૂસે છે. તેના નિયંત્રણ માટે 4 % કાર્બારિલ અથવા 0.05 % લિન્ડેન કે એન્ડોસલ્ફાન અથવા 800 ગ્રા. / 100 લિટર બીએચસીનો છંટકાવ કરવામાં આવે છે.

લસણનો પાક લણણી માટે તૈયાર થતાં ઉપરનાં પાન પીળાં અથવા ભૂખરાં થવા માંડે છે અને ઢળીને નીચે પડે છે. લસણના કંદ જાત, જમીન અને ઋતુ પ્રમાણે 130થી 180 દિવસે તૈયાર થાય છે. જી–282 જાત સૌથી વહેલી પાકતી જાત છે. જો લણણી વહેલી કરવામાં આવે તો કંદ નાના ને હલકી ગુણવત્તાવાળા અને કળીઓ નાની અને પાતળી થાય છે. જો લણણી મોડી કરવામાં આવે તો ખેતરમાં જ કળીઓ ફાટી જાય અથવા ઊગી પણ જાય છે. ભારતમાં લસણની લણણી ખૂરપીથી કરવામાં આવે છે. હલકા પ્રકારની જમીનમાં છોડ ખેંચીને પણ લણણી કરવામાં આવે છે. જાત અને વિસ્તાર આધારિત લસણનું ઉત્પાદન 10,000 કિગ્રા.થી 12,000 કિગ્રા./હેક્ટર મળે છે. લસણના બીજનું ઉત્પાદન 850 કિગ્રા./હેક્ટર જેટલું મળે છે.

લસણના પાકનો વ્યવસ્થિત સંગ્રહ કરવામાં ન આવે તો 25 %થી 50 % જેટલું નુકસાન થાય છે. કંદને ખેતરમાં માટીના આવરણ હેઠળ ઉપરનું પડ સુકાય ત્યાં સુધી રહેવા દેવાથી વધારાનો ભેજ ઓછો થાય છે અને કંદ કઠણ બને છે. ત્યારબાદ કંદોને પર્ણો સાથે અથવા 2.0 સેમી.થી 2.5 સેમી. લંબાઈનાં પર્ણો રહે તે રીતે કાપીને છાંયડામાં કે હવાની અવરજવરવાળા ઢાળિયામાં 10 દિવસ રાખીને સૂકવવામાં આવે છે. આ રીતે સુકાઈને તૈયાર થયેલા કંદના માપ અને કળીઓની જાડાઈ પ્રમાણે સંગ્રહ અને વેચાણ કરવામાં આવે છે. જો 70 % ભેજમાં કોઈ પણ તાપમાને લસણનો સંગ્રહ કરવામાં આવે તો કળીઓ ઊગી જાય છે અને ફૂગનો વિકાસ થાય છે. કળીઓ 4.4° સે. તાપમાને પણ ઝડપથી ઊગી નીકળે છે. 0.5° સે. તાપમાને અને 60 %થી 70 % ભેજમાં સંગ્રહ કરવો જરૂરી છે. લસણની લણણી કરતા પહેલાં જો 3,000 પીપીએમ મેલિક હાઇડ્રેઝાઇડનો છંટકાવ કરવામાં આવે તો સંગ્રહશક્તિ વધે છે અને સંગૃહીત કંદનું વજન ઓછું ઘટે છે.

લસણના સૂકા કંદનું એક રાસાયણિક વિશ્લેષણ આ પ્રમાણે છે : પાણી 62.0 %, પ્રોટીન 6.3 %, મેદ 0.1 %, રેસો 0.8 %, કાર્બોદિતો 29.8 % અને ખનિજો 1.0 %; કૅલ્શિયમ 30 મિગ્રા., ફૉસ્ફરસ 310 મિગ્રા., લોહ 1.3 મિગ્રા., થાયેમિન 0.06 મિગ્રા., રાઇબોફ્લેવિન 0.23 મિગ્રા., નાયેસિન 0.4 મિગ્રા. અને એસ્કૉર્બિક ઍસિડ 13.0 મિગ્રા./100 ગ્રા., ફૉલિક ઍસિડ 6.15 મિગ્રા. અને આયોડિન 0.07 મિગ્રા./100 ગ્રા. પ્રાપ્ત થાય છે.

લસણમાંથી અલગ કરવામાં આવેલ γ-ગ્લુટામિલ પૅપ્ટાઇડો ડુંગળીના  γ-ગ્લુટામિલ પૅપ્ટાઇડો સાથે સમરૂપ છે. જેમાં γ-ગ્લુટામિલ-ફિનિલ એલેનિન, γ-ગ્લુટામિલ-એસ-મિથાઇલ સિસ્ટેઇન, γ-ગ્લુટામિલ-એસ-β-કાબૉર્ક્સિ-β-મિથાઇલ-ઇથાઇલ સિસ્ટેઇનિલ ગ્લાયસિન-એસ એલિલમર્કેપ્ટો-એલ-સિસ્ટેઇન અને γ-એલ-ગ્લુટામિલ-એસ-એલિલ- મર્કેપ્ટો-એલ-સિસ્ટેઇનનો સમાવેશ થાય છે. γ-એલ-ગ્લુટામિલ-એસ-એલિલ-એલ-સિસ્ટેઇન અને γ-એલ-ગ્લુટામિલ-એસ-પ્રોપિલસિસ્ટેઇન માત્ર લસણમાં જ મળી આવે છે.

કંદમાં લ્યુસિન, મિથિયોનિન, એસ-પ્રોપિલ-એલ-સિસ્ટેઇન, (–)-એસ-પ્રોપેનિલ-એલ-સિસ્ટેઇન, એસ-મિથાઇલ સિસ્ટેઇન, એસ-એલિલ-સિસ્ટેઇન, એસ-એલિલ-સિસ્ટેઇન સલ્ફૉક્સાઇડ (ઍલિઇન), એસ-ઇથાઇલ-એલ-સિસ્ટેઇન સલ્ફૉક્સાઇડ અને એસ-બ્યુટાઇલ – એલ-સિસ્ટેઇન-સલ્ફૉક્સાઇડ નામના ઍમિનો ઍસિડો હોય છે. ઍલિનેઝ ઉત્સેચકની હાજરી પણ કંદમાં જોવા મળી છે; જેના દ્વારા ઍલિઇનનું ઍલિસિનમાં રૂપાંતર થાય છે. કંદમાં થાયોગ્લાયકોસાઇડ હોય છે. તેનું એગ્લિકોન ઘટક Escherichia coliનો નાશ કરે છે. સ્કૉર્ડિન અને સ્કૉર્ડિનિન A1, A2 અને Bનું કંદમાંથી અલગીકરણ કરવામાં આવ્યું છે. સ્કૉર્ડિન ફૂગનાશક અને પ્રતિ-સૂક્ષ્મજીવીય (antimicrobial) સક્રિયતા દર્શાવે છે. સ્કૉર્ડિનિન A1 રેશમના કીડાને આકર્ષે છે. કંદમાં સાયનિડિન-3-ગ્લુકોસાઇડ (ઍન્થોસાયનિન) પણ હોય છે.

બાષ્પનિસ્યંદન દ્વારા કંદમાંથી 0.06 %થી 0.1 % જેટલું બાષ્પશીલ તેલ મળે છે. તે બદામી પીળા રંગનું હોય છે અને અણગમતી લસણની વાસ ધરાવે છે. તેલમાં એલિલ આલ્કોહૉલ, એલિલપ્રોપાઇલડાઇસલ્ફાઇડ, મિથાઇલ એલિલડાઇસલ્ફાઇડ, ડાઇએલિલડાઇ-સલ્ફાઇડ, ડાઇમિથાઇલટ્રાઇસલ્ફાઇડ, મિથાઇલ એલિલ ટ્રાઇસલ્ફાઇડ અને ડાઇએલિલ ટ્રાઇસલ્ફાઇડ હોય છે. તેનો વિવિધ ઔષધોના નિર્માણમાં અને માંસની વિવિધ વાનગીઓ સૂપ, ડબ્બાબંધ નીપજો અને સૉસને સુગંધિત કરવામાં ઉપયોગ થાય છે.

લસણનો મુખ્યત્વે મસાલા તરીકે અને ખોરાકની નીપજો જેવી કે દાળ, અથાણાં વગેરેને સુગંધિત કરવા અને પરિપક્વન માટે ઉપયોગમાં લેવાય છે. ખોરાક સાથે પૂરતા પ્રમાણમાં લસણ મિશ્ર કરવાથી આંતરડામાં સૂક્ષ્મજીવસમૂહના સંતુલનમાં ફેરફાર થાય છે, જેથી લૅક્ટિક સૂક્ષ્મજીવોમાં વધારો થતાં ખોરાકમાં રહેલાં ખનિજોના શોષણ પર અનુકૂળ અસર થાય છે.

લસણની ઉગ્ર વાસ અસંતૃપ્ત સલ્ફાઇડોની હાજરીને લઈને હોય છે. ગંધરહિત લસણ ઉત્પન્ન કરવા માટેની કેટલીક પદ્ધતિઓની પેટન્ટ મેળવવામાં આવી છે. જાપાનમાં લસણની ગંધરહિત જાત સતત પસંદગીમય ઉછેર દ્વારા વિકસાવવામાં આવી છે. આ જાતનું લસણ ખાવામાં ન આવે ત્યાં સુધી તેનો સ્વાદ અને ગંધ લસણ જેવાં જ રહે છે, પરંતુ ખાતાં તેની વાસ જતી રહે છે. આ જાત છ પેઢી સુધી ગંધરહિત રહે છે.

લસણ કેટલાક ઔષધીય ગુણધર્મ ધરાવે છે. તે ઉત્તેજક, પ્રસ્વેદક (diaphoretic), કફઘ્ન (expectorant), મૂત્રલ (diuretic) અને બલ્ય (tonic) છે. બહારથી લગાડવાથી તે રક્તિમાકર (rubefacient) છે. તેનો કૃમિનાશક (anthelmintic) અને આર્તવજનક (emmena-gogue) તરીકે ઉપયોગ થાય છે. જઠરના અમીબીય મરડા સહિત વિવિધ રોગોમાં તેનો રસ આપવામાં આવે છે. તેનો ઉપયોગ પ્રતિક્ષયી (anti-tubercular) ઔષધ તરીકે અને વાઈ(epilepsy)ની સારવારમાં પણ થાય છે. તે કૉલેરારોધી છે અને રુધિરમાં શર્કરાનું પ્રમાણ ઘટાડે છે. તે ઑક્સિટોસીય સક્રિયતા દર્શાવતું ફળદ્રૂપતારોધી (anti-fertility) ઔષધ છે.

તે બધા પ્રકારના વા અને શરદીની દીર્ઘકાલીન  નિરોધક (preventive) ચિકિત્સાઓ પર અસરકારક છે. તે રંગહીન ઉંદરોમાં ફૉર્મેલિન-પ્રેરિત સંધિવા સામે પ્રતિશોથ (anti-inflammatory) સક્રિયતા દાખવે છે. ઍલિસિન અને ઍલિનેઝ ધરાવતો સક્રિય ઘટક આમવાત સંધિશોથ(rheumatoid arthritis)માં અસરકારક સિદ્ધ થયો છે. ઍલિસિન ધરાવતા લસણના રસનો ઉંદરમાં કૅન્સરની વૃદ્ધિ અટકાવવા ઉપયોગ થાય છે. સાંશ્લેષિક ઍલિસિન કૅન્સરના કોષોના વિકાસ ઉપર અવરોધક અસર દર્શાવે છે.

મંદ એલૉક્સન (alloxan) મધુપ્રમેહ ધરાવતાં સસલાંઓને લસણનો નિષ્કર્ષ આપતાં ટોલ્બુટેમાઇડ સાથે તુલના કરી શકાય તેવી અલ્પગ્લુકોઝરક્તતા (hypoglycaemic) અસર દાખવે છે. તે ગ્લુકોઝ-સહિષ્ણુતામાં નોંધપાત્ર સુધારણા કરે છે અને રુધિરમાં ઇન્સ્યુલિનનું પ્રમાણ વધારે છે. ઍલિસિનનાં ધાત્વીય સંકુલો ગ્રામ ધનાત્મક અને ગ્રામ ઋણાત્મક બૅક્ટેરિયા અને કેટલીક ફૂગ સામે સક્રિય હોય છે. ઔદ્યોગિક સીસાના વિષાક્તન(poisoning)ની ચિકિત્સામાં લસણનો ઉપયોગ કરવામાં આવે છે.

કૉલેસ્ટેરોલ આપેલાં સસલાંઓને લસણ આપતાં કુલ, મુક્ત, ઍસ્ટર કૉલેસ્ટેરોલ અને ફૉસ્ફોલિપિડનું રુધિરમાં પ્રમાણ ઘટે છે. જેથી ઍથિરોકાઠિન્ય(atherosclerosis)ની માત્રા મંદ પડે છે. લસણનું બાષ્પશીલ તેલ કે લસણનો રસ મેદ-પ્રેરિત પોષણ (alimentary), અતિવસારક્તતા (hyperlipaemia) પર અવરોધક અસર કરે છે. અને ફાઇબ્રિન-લયન (fibrinolytic) સક્રિયતામાં થતા ઘટાડાને અને રુધિર ગંઠાવાના સમયને ઘટાડે છે. લસણની અલ્પવસારક્તી (hypolipaemic) સક્રિયતા દ્વારા મળમાં કૉલેસ્ટેરોલની અંતિમ નીપજોના ઉત્સર્જનમાં વધારો થાય છે અને કૉલેસ્ટેરોલના અંતર્જાત સંશ્લેષણમાં ઘટાડો થાય છે. રક્તપિત્ત(leprosy)ની સારવારમાં લસણ આપવાથી જીવાણુવિદ્યાકીય આંક(bacteriological index)માં ફેરફાર થાય છે અને દર્દીઓની ચિકિત્સીય સ્થિતિમાં સુધારો થાય છે. લસણ એક શક્તિશાળી નૈસર્ગિક, સ્વચ્છક અને ચેપરોધી માધ્યમ છે. લસણનો નિષ્કર્ષ પ્રતિજીવાણુક (anti-bacterial) સક્રિયતા દર્શાવે છે અને Escherichia coli, Salmonella typhosa, Shigella dysentriae  અને Micrococcus pyogenes var. aureusની વૃદ્ધિને અવરોધે છે. આ પ્રતિજીવાણુક સક્રિયતા ઍલિસિનની હાજરીને કારણે હોય છે. તેથી તેનો આંતરડાનાં રોગોમાં અને ઘણા ચેપી રોગોમાં પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે. લસણનો નિષ્કર્ષ ફૂગરોધી અસર દર્શાવે છે.

લસણના નિષ્કર્ષમાંથી ખૂબ અસરકારક જંતુનાશક દવા વિકસાવવામાં આવી છે. મચ્છરની કેટલીક જાતિઓ ઉપર લસણનું તેલ 100 % અસર આપે છે. તે ઘરમાખી અને અન્ય મુખ્ય નુકસાનકારક કીટકો માટે પણ વિનાશક ખોરાક હોવાથી તેના દ્વારા ડી.ડી.ટી.થી થતી વિપરીત અસરોથી મુક્તિ પ્રાપ્ત થઈ શકે તેમ છે. લસણમાં રહેલા ડાઇએલિલડાઇસલ્ફાઇડ અને ડાઇએલિલટ્રાઇ-સલ્ફાઇડ સક્રિય મુખ્ય ઘટક છે, જે 5 પીપીએમ.ની સાંદ્રતાએ પણ ઇયળોનો નાશ કરે છે. આ સંયોજનો વનસ્પતિરોગજનક ફૂગના બીજાણુ-અંકુરણ અને કવકજાલની વૃદ્ધિને અવરોધે છે.

લસણનો પાઉડર કે તેની ગોળીઓ બજારમાં હવે સુલભ છે, જેનો મરીમસાલા તરીકે અને ઔષધીય હેતુઓ માટે સરળતાથી ઉપયોગ થઈ શકે છે. લસણના બીજમાંથી મેળવેલું તેલ બલ્ય, ઉત્તેજક અને કૃમિનાશક (vermifuge) છે. તેનો વાળ ખરી પડવાના રોગો(alopecia)માં ઉપયોગ થાય છે. લસણનાં સૂકાં પર્ણો ઘેટાં-બકરાંઓ ખાય છે.

આયુર્વેદ અનુસાર લસણ ગુરુ, ઉષ્ણ, વૃષ્ય, વીર્યપ્રદ, પાકકાળે અને રસકાળે તીખું, રસાયન, તીક્ષ્ણ, સ્નિગ્ધ, પાચક, મધુર, ભગ્નસંધાનકારક, કંઠપ્રિય, પિત્તલ, રક્તકોપન, બલકર, વર્ણકર, મેધાકારક, ચક્ષુષ્ય, સ્વાદુ, સારક, અગ્નિદીપક અને કેશ્ય છે. અરુચિ, કફ, વાયુ, કૃમિ, હૃદરોગ, સોજો, હેડકી, દમ, જ્વર, કોઢ, આમ, પીનસ, શ્વાસ, કુષ્ઠ, ગુલ્મ, શૂળ, જીર્ણજ્વર, અગ્નિમાંદ્ય, જાલાવષ્ટંભ, ઉધરસ, રાજ્યક્ષ્મા (ક્ષય) અને કુક્ષિશૂળનો નાશ કરે છે. તેનાં મૂળ તીખાં, પર્ણો કડવાં, દંડ તૂરો, દંડનો અગ્ર ભાગ ખારો અને બીજ મધુર હોય છે. લસણ અતિસારવાળા, મેહી, ગર્ભિણી, રક્તપિત્તી, શોષી અને ઊલટીવાળાઓને આપવું નહિ. તેના ઉપર ખાટા, મદ્ય, માંસ વગેરે પદાર્થ હિતકારક થાય છે અને વ્યાયામ, દૂધ, ક્રોધ, વધારે પડતું પાણી, તડકો અને ગોળનું સેવન કરવાથી વિકૃતિ થાય છે.

કાન વહેતો હોય અને સણકા થતા હોય તે ઉપર તેલમાં લસણ કઢવી તે તેલ કાનમાં પાડવામાં આવે છે. નવા વ્રણની ગાંઠ, પાકે નહિ તેવાં ગૂમડાં (ઉઠાણું), ગડું (વિદ્રધિ), કાખમાંજરી ઉપર લસણ ચોળતાં તે ફૂટે છે, અથવા લસણ અને મરીનો લેપ કરવામાં આવે છે. લસણ, રાળ અને હિંગની ધૂણી આપવાથી શીતળાના ક્ષતમાં કીડા પડતા નથી. લસણનો રસ નાકમાં પાડવાથી આધાશીશીમાં રાહત રહે છે. બરોળ ઉપર લસણ, પીપળીમૂળ અને હરડે એકત્રિત કરી આપવામાં આવે છે અને તે ઉપર ગોમૂત્રનો ઘૂંટડો પિવડાવાય છે. લોહીવાળા અને આમવાળા મરડા ઉપર 45 ગ્રા. લસણ છોલી, આકડાનાં થોડાં કુમળાં પાન ભેગાં વાટી તેનો રસ ગરમ કરીને પાવામાં આવે છે. લસણનો સર્વ વાયુ ઉપર ઉપયોગ થાય છે. 45 ગ્રા. લસણ છોલી તેમાં હિંગ, જીરું, સિંધવ, સંચળ, સૂંઠ, મરી અને લીંડીપીપરનું ચૂર્ણ ઉમેરી, તેની ગોળીઓ કરી ખવડાવાય છે અને તે ઉપર એરંડમૂળનો કાઢો આપવામાં આવે છે. તેથી પક્ષાઘાત, સર્વાંગ-વાયુ, ઊરુસ્તંભ, કૃમિ, શૂળ, કટિશૂળ, કુક્ષિશૂળ અને પેટમાંનો વાયુ વગેરે બધા પ્રકારના વાયુ દૂર થાય છે. વ્રણ સંબંધી, કૃમિ દૂર કરવા, કૂતરાના વિષ ઉપર, બાળકોના આમ, સંગ્રહણી અને મરડા ઉપર, અપસ્માર અને અર્દિત વાયુ (મોઢું વાંકું થવું) ઉપર, શરદીને લીધે કાનમાં ધાક પડી હોય તે ઉપર અને આમવાત ઉપર લસણ ઉપયોગી છે. અસ્થિભંગ ઉપર લશુનાદિ કલ્ક આપવામાં આવે છે. લસણના કલ્કમાં તલનું તેલ અને સિંધવ નાખી સવારે સેવન કરવાથી વિષમજ્વર અને સંપૂર્ણ વાતવ્યાધિ મટે છે. ઉદરરોગ, વાળો, શૂળ, હઠીલું અજીર્ણ, જીર્ણ જ્વર, નબળાઈથી આવેલી બહેરાશ અને શરીરમાંની ગરમીથી અંગ ઉપર પ્રસરતાં લાલ ચાંદાં અને દાદર પર લસણનો ઉપયોગ થાય છે.

સારી રીતે સુકાયેલું લસણ 190 ગ્રા., દૂધ 500 ગ્રા. અને પાણી 4 લિ. લઈ બધું ઉકાળી આ દૂધનું સેવન કરવાથી વાતગુલ્મ, ઉદાવર્ત, ગૃધ્રસી, વિષમજ્વર, હૃદયરોગ અને સોજો મટે છે.

પરેશ હરિપ્રસાદ ભટ્ટ

સુરેશ યશરાજભાઈ પટેલ

ભાલચન્દ્ર હાથી

બળદેવભાઈ પટેલ

હિંમતસિંહ લાલસિંહ ચૌહાણ