લશ્કરી, બેચરદાસ અંબાઈદાસ

January, 2004

લશ્કરી, બેચરદાસ અંબાઈદાસ (જ. 1818, અમદાવાદ; અ. 1889) : ગુજરાતના અગ્રણી વ્યાપારી, ઉદ્યોગપતિ અને દાનવીર. ગુજરાતી ભાષાનો જરૂરિયાત પૂરતો અભ્યાસ કર્યા પછી સાહસિક વૃત્તિને અનુસરીને 1935માં લશ્કરમાં નોકરીએ જોડાયા. અહીં તેમને કૅપ્ટન કેલી નામના અંગ્રેજ અમલદારે અંગ્રેજી ભાષાનો અભ્યાસ કરાવ્યો. 1946માં પિતાનું અવસાન થતાં તેમનો નાણાંની ધીરધારનો ધંધો સંભાળ્યો. તેમના પિતા પેશવા, ગાયકવાડ તથા અંગ્રેજ લશ્કરી અમલદારોને નાણાં ધીરવાનો વ્યવસાય કરતા હતા, તેથી તેમનું કુટુંબ ‘લશ્કરી’ નામે ઓળખાય છે. 1849માં થયેલ શીખ યુદ્ધ અને 1857ના બળવા સમયે અંગ્રેજ સરકારને અને મુંબઈમાં સ્થપાયેલ યુરોપિયન પેઢીઓને નાણાકીય સહાય પૂરી પાડી તેમણે યશ મેળવ્યો હતો.

અંગ્રેજો સાથેના સંબંધોના ફળસ્વરૂપે તેમને મુંબઈમાં આયાત-નિકાસ પેઢીની શરૂઆત કરવા પ્રોત્સાહન મળ્યું. 1865માં તેમણે અમદાવાદમાં બેચરદાસ સ્પિનિંગ ઍન્ડ વીવિંગ મિલ્સની સ્થાપના કરી.

1862માં તેમની નિમણૂક અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર તરીકે કરવામાં આવી હતી. 1866માં સ્થાનિક ભંડોળ સમિતિના સભ્ય તરીકે તેમને નીમવામાં આવ્યા હતા. 1868માં તેમને પહેલા વર્ગના ન્યાયાધીશની સત્તા આપવામાં આવી અને 1873માં ‘રાવબહાદુર’નો ખિતાબ બક્ષવામાં આવ્યો.

1875માં તેમને મુંબઈની ધારાસભાના સભ્ય નીમવામાં આવ્યા હતા. તે જ વર્ષમાં તેમને અંગ્રેજ હકૂમત દ્વારા સી.એસ.આઈ.નો ઇલકાબ એનાયત કરવામાં આવ્યો હતો. તે ઉપરાંત, મુંબઈ યુનિવર્સિટીના ફેલો અને સેનેટના સભ્ય તરીકે પણ તેમની નિમણૂક કરવામાં આવેલી. મુંબઈ પૉર્ટ ટ્રસ્ટના તેઓ સભાસદ પણ હતા.

તેમણે કરેલી આશરે 2 લાખ રૂપિયાની સખાવતોમાં અમદાવાદમાં બેચરદાસ ડિસ્પેન્સરી, સંસ્કૃત પાઠશાળા તથા મહાલક્ષ્મી ફીમેલ ટ્રેનિંગ કૉલેજની સ્થાપના મુખ્ય ગણાય છે. પોતાની જ્ઞાતિમાં તેમણે ઘણા સુધારા કર્યા હતા. તેઓ ગુજરાતી ઉપરાંત, મરાઠી, ઉર્દૂ, હિંદુસ્તાની અને સંસ્કૃત ભાષાઓ જાણતા હતા.

જિગીશ દેરાસરી