લવાઉફ, એન્ડ્રે (Lwoff, Andre) (જ. 8 મે 19૦2, Ainay-le-Chateau (Allier), ફ્રાન્સ; અ. 1994) : સન 1965ના ફ્રાન્ક જૅકોબ (Francois Jacob) તથા જૅક્સ મોનોડ સાથેના નોબેલ પારિતોષિકના વિજેતા. તેમને ઉત્સેચકો (enzymes) અને વિષાણુના સંશ્લેષ્ણ (virus synthesis) પરના જનીનીય નિયંત્રણ અંગેની શોધ અંગે આ સન્માન પ્રાપ્ત થયું હતું. તેઓ 19 વર્ષની ઉંમરે પૅરિસની પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટમાં જોડાયા અને પ્રયોગશાળામાં કામ કરતાં કરતાં સ્નાતક બન્યા. સન 1921માં તેઓ એડુઅર્ડ એટોન સાથે શીખવા માટે જોડાયા અને 17 વર્ષ સુધી તેમની સાથે રહ્યા. તેમનું પ્રથમ સંશોધન પરોપજીવી પક્ષ્મધારીઓ(parasitic ciliates)ના વિકાસચક્ર અને રૂપપરિવર્તન સંદર્ભે રહ્યું. ત્યારબાદ તેઓએ પ્રાદિજીવો(protozoans)ના પોષણ અંગે કાર્ય કર્યું અને સન 1927માં એમ. ડી. અને સન 1932માં Ph.D.ની ઉપાધિ મેળવી.

એન્ડ્રે લવાઉફ

1932–33માં રૉકફેલર ફાઉન્ડેશનના અનુદાનની મદદથી તેઓએ ઑટો મેયેરહોફની હાઇડેબર્ગમાં આવેલી પ્રયોગશાળામાં અનુભવ મેળવ્યો. ત્યાં તેમણે કશાધારી (flagellates) સજીવના વૃદ્ધિ ઘટકો  હિમેટિન અને પ્રોટોહિમેટિન પર સંશોધનો કર્યાં. ત્યારબાદ 1936માં રૉકફેલર ફાઉન્ડેશનના અનુદાનની મદદથી હિમોફિલસ ઇન્ફ્લ્યુએન્ઝી નામના જીવાણુ અંગે કેમ્બ્રિજમાં આવેલી ડેવિડ કેલિનની પ્રયોગશાળામાં કાર્ય કર્યું. તેમણે ત્યારબાદ કશાધારીઓ અને ધ્વજિકાધારી સજીવો પર સંશોધનો કર્યાં. ત્યારબાદ તેઓ વિલયનજનક (lysogenic) જીવાણુના અભ્યાસ તરફ વળ્યા. સન 1936માં તેઓ પાશ્ચર ઇન્સ્ટિટ્યૂટમાં વિભાગીય વડા બન્યા અને 1959માં તેઓ વિજ્ઞાનના શિક્ષણ વિભાગમાં સૂક્ષ્મજીવવિદ્યાના પ્રાધ્યાપક બન્યા. તેમણે દર્શાવ્યું કે વિલયનજનક જીવાણુઓ જીવાણુનિયંતા(bacteriophage)ને ઉત્પન્ન કરતા નથી, પરંતુ તેઓ તેને બહારથી પ્રાપ્ત કરે છે અને તેથી તેમનો નાશ થાય છે. આ સંકલ્પના માટે તેઓએ લુઈ સિમિનોવિચ અને નીલ્સ જેલ્ગાર્ડ સાથે કામ કર્યું અને તેમાં પારજાંબલી વિકિરણો વડે થતાં પ્રારંભક નિપ્રેરણ (induction) અંગે પણ સંશોધન કર્યું. સન 1954થી તેઓ પોલિયો વિષાણુ વિશે સંશોધન કરવા લાગ્યા. તેમણે તે વિષાણુની તાપમાન સંવેદિતતા તથા ચેતાલક્ષી તીવ્રવિષકારિતા(neuro-virulence)નો અભ્યાસ કરીને આ વિષાણુથી લાગતા ચેપ વિશે અભ્યાસ કર્યો. તેમણે દર્શાવ્યું કે અચોક્કસ પરિબળો આ પ્રકારના ચેપમાં મહત્વનો ભાગ ભજવે છે. તેમને સન 1956થી 1962 સુધીમાં 4 મહત્વનાં સન્માનો પ્રાપ્ત થયાં. તેઓ સૂક્ષ્મજીવવિદ્યાકીય મંડળના આંતરરાષ્ટ્રીય સંઘના પ્રમુખ બન્યા હતા. તેમને વિદેશી તબીબી સંઘોમાં માનાર્હ કે વિદેશી સભ્યપદ પ્રાપ્ત થયું હતું અને વિવિધ યુનિવર્સિટીઓ તરફથી ડૉક્ટરેટ-ઇન-સાયન્સ, ડૉક્ટર ઑવ્ લૉ, ડૉક્ટરેટ ઑવ્ મેડિસિન જેવી માનાર્હ ઉપાધિઓ પણ પ્રાપ્ત થઈ હતી.

શિલીન નં. શુક્લ