લલ્લુલાલજી (જ. 1763 આગ્રા; અ. 1853, કોલકાતા) : હિંદી ખડી બોલી ગદ્યના પ્રારંભિક પ્રણેતાઓમાંના એક. તેઓ મૂળે ગુજરાતી ઔદિચ્ય બ્રાહ્મણ હતા. તેમના પિતા ચૈનસુખ કર્મકાંડી હતા. તેઓ ઈ. સ. 18૦૦માં કોલકાતાની ફૉર્ટ વિલિયમ કૉલેજમાં ‘ભાષામુનશી’ તરીકે નિમણૂક પામ્યા હતા. હિંદી ગદ્યગ્રંથોની રચના માટે તેમને કાઝિમ અલી ‘જવાં’ અને મઝહર અલી ‘વિલા’ એમ બે સહાયકો પણ આપવામાં આવ્યા હતા. એમનો સૌથી વધારે ચર્ચિત ગ્રંથ છે : ‘પ્રેમસાગર’. ખરેખર આ ગ્રંથ શ્રીમદભાગવતના બારમા સ્કંધના ચતુર્ભુજ મિશ્ર દ્વારા વ્રજભાષામાં કરાયેલ પદ્યાનુવાદનું હિંદી ખડી બોલીમાં ગદ્યમાં કરાયેલ રૂપાંતરણ છે. આ ગ્રંથની ભૂમિકામાં જ લલ્લુલાલજીએ સૌપ્રથમ વાર આગ્રા અને દિલ્લીમાં બોલાતી હિંદી ભાષાના સાહિત્યિક સ્વરૂપને ‘ખડી બોલી હિંદી’ નામ આપ્યું હતું. તેથી ફૉર્ટ વિલિયમ કૉલેજમાં કાર્ય કરવાવાળા અંગ્રેજ અધ્યાપકો લલ્લુજીને ખડી બોલી હિંદીના પ્રણેતા માનતા થયા હતા. જોકે લલ્લુલાલજીએ અંગ્રેજીમાં લખાયેલ પોતાના ગ્રંથ વ્રજભાષાના વ્યાકરણમાં સ્પષ્ટપણે નોંધ્યું છે કે ‘‘ખૂબ જ પ્રાચીન સમયથી દિલ્હી અને આગ્રામાં હિંદુઓમાં સામાન્ય રૂપે બોલાતી હિન્દી ભાષાને વ્રજભાષા બોલનારાઓ તેમજ મુસલમાનો ‘શિથિલ હિન્દી’, ‘નીચ હિન્દી’, ‘તુચ્છ હિન્દી’ જેવી ઉક્તિઓથી વર્ણવે છે. આ જ હિન્દી, અરબી અને ફારસી ભાષાના શબ્દોના મિશ્રણથી ‘રેખ્તા’ અને ઉર્દૂ તરીકે ઓળખાવા લાગે છે’’.
ઈ. સ. 1786માં લલ્લુલાલજી રોજી-રોટીની શોધમાં મુર્શિદાબાદ ગયા. તેઓ ત્યાંના નવાબ મુબારક ઉદ્દૌલાના સંપર્કમાં આવ્યા અને નવાબે એમની સમગ્ર આર્થિક જવાબદારી ઉપાડી લીધી. અંગત કારણોસર તેઓ ત્યાંથી કોલકાતા ગયા. કોલકાતામાં તેઓ ખ્રિસ્તી ધર્મ પ્રચારક પાદરી બુરનનાં સંપર્કમાં આવ્યા. અહીં જ ડૉ. રસેલ અને ડૉ. ગિલક્રાઇસ્ટના સંપર્કમાં આવ્યા. જેના પરિણામ સ્વરૂપે ઈ. સ. 18૦૦માં ફૉર્ટ વિલિયમ કૉલેજમાં હિન્દી ભાષાના ગદ્યગ્રંથોની રચના કરવા માટે તેમની નિમણૂક કરવામાં આવી. એમના દ્વારા રચિત ગ્રંથ નીચે પ્રમાણે છે :
‘સિંહાસન બત્તીસી’ (1799) – સુંદરદાસ કવીશ્વર દ્વારા રચાયેલ વ્રજભાષાના ગ્રંથનો કાઝિમ અલી ‘જવાં’ના સહયોગથી કરેલ અનુવાદ.
‘પ્રેમસાગર’ (18૦3) – શ્રીમદભાગવતના બારમા સ્કંધના ચતુર્ભુજ મિશ્ર દ્વારા કરાયેલ પદ્યાનુવાદનું હિંદી ખડી બોલીમાં રૂપાંતરણ.
‘રાજનીતિ’ (18૦9), ‘અંગ્રેજી બોલી’ (181૦), ‘લતા હફી હિન્દી’ (181૦), ‘બ્રજભાષા વ્યાકરણ’ (1818).
મહાવીરસિંહ ચૌહાન