લલ્લેશ્વરી (લલ દદ) (જ. આશરે 13૦૦થી 132૦, સિંહાપોર, કાશ્મીર; અ. 1377–138૦ આસપાસ, વિજેબ્રૂર, કાશ્મીર) : ચૌદમી સદીનાં પ્રખ્યાત કાશ્મીરી સંત અને કવયિત્રી. તેઓ ‘લલ્લા યોગીશ્વરી’, ‘લલ્લા યોગિની’, ‘લલ્લા આરિફા’ અને ‘લલ્લા માતશી’ તરીકે પણ જાણીતાં હતાં. સારસ્વત બ્રાહ્મણ કુળમાં જન્મ. 12 વર્ષની કુમળી વયે પામપોરના બ્રાહ્મણ કુટુંબમાં લગ્ન થયાં. ત્યાં પદ્માવતી નામથી ઓળખાતાં. પતિગૃહે તેમનાં સાસુનો ત્રાસ અને યાતનાઓ મૂંગે મોઢે સહન કરતાં કરતાં તેઓ સનાતનની ખોજમાં અડગ રહ્યાં. સિદ્ધ મૌલ તેમના આધ્યાત્મિક ગુરુ હતા.

આધ્યાત્મિક સિદ્ધિ પ્રાપ્ત થતાં તેમણે પતિગૃહનો ત્યાગ કરીને પરિભ્રમણ અને તપનો માર્ગ અપનાવ્યો, જે જીવનપર્યંત ચાલુ રહ્યો. તેઓ ઉચ્ચ કક્ષાનાં શિવ ‘યોગિની’ હતાં. સૂફીવાદના પ્રસાર પહેલાં કાશ્મીરી કવિતા પર શૈવ દર્શનનો પ્રથમ પ્રભાવ પાડનાર લલ્લેશ્વરી હતાં. તેમણે તેમનાં સમગ્ર કાવ્યોને શિવની ભક્તિ અને તેના ગુણોના પ્રસાર માટે સમર્પિત કર્યાં. તેમની કવિતા ‘વાક’ (Vakh) નામના કાવ્યપ્રકાર પર આધારિત છે, જેમાં સૂફીવાદ અને શૈવ મતનો વિલક્ષણ સંગમ છે. તેમની કાવ્યધારામાં ઠેકઠેકાણે શૈવ દર્શનનું સુંદર નિરૂપણ જોવા મળે છે. તેમના દ્વારા સમગ્ર દેશમાં સાદાઈ, માનવપ્રેમ અને ભક્તિની ધારાઓ વહેવા લાગી. શૈવ ધર્મ અથવા ‘ત્રિક’નો સિદ્ધાંત કોઈ ન્યાતજાત, પંથ કે વર્ણમાં માનતો નથી. આમ સામાન્ય માનવીને લોકબોલીમાં શૈવ ધર્મની સમજૂતી આપવામાં તેમનો ફાળો સૌથી મોટો છે.

સામાન્ય રીતે ‘વાક’ (વચન) ચાર કે તેથી વધુ પંક્તિઓવાળી કડી હોય છે. ‘વાકો’માં કાશ્મીરી ભાષાનો અમૂલ્ય ભંડાર ભરેલો છે. તેમનાં ‘વાકો’માં તેમની આધ્યાત્મિક ભાવનાનો અને સિદ્ધિઓ પ્રાપ્ત થયાનો ઉલ્લાસ છે. આ વાકો દ્વારા કાશ્મીરી કહેવતો, રૂપકો અને નીતિકથાઓ પ્રતિષ્ઠિત થઈ છે. તેથી દરેક કાશ્મીરી લોકગાયક તેમનાં વાકોના ગાનથી શરૂઆત કરે છે. લલ્લેશ્વરી ‘પરમશિવ’ના પદને પામ્યાં હોવાથી જ નહિ, પરંતુ તેમની કાવ્યરચના મહાન હોવાથી પણ મહાન લેખાયાં છે. તેમનો પ્રભાવ કાશ્મીરી કવિઓ, ખાસ કરીને કૃષ્ણ રાઝદાન, શાહ ગફૂર, ન્યામસાહેબ, શમ્સ ફકીર, રહમાન ડાર, અહમદ બટવારી, વાઝહ મહમૂદ જેવા સૂફી કવિઓ પર રહ્યો છે.

લલ્લેશ્વરીનાં વાકોના પ્રથમ કાવ્યસંગ્રહનું પહેલી વાર સંકલન અઢારમી સદીના શૈવ ભક્ત ભાસ્કર રાઝદાને કર્યું. તેમાં 6૦ વાકોનો સમાવેશ કરાયો છે. તેમાં સંકલનકાર દ્વારા તેનાં સંસ્કૃત ભાષાંતર અને સમજૂતી પણ આપવામાં આવ્યાં છે. તેની હસ્તપ્રત ભાસ્કર રાઝદાને શારદા લિપિમાં તૈયાર કરી હતી અને તે રાજ્ય સંશોધન વિભાગ દ્વારા પાછળથી 1919માં પ્રગટ થયેલી. તેની બે નકલો ઑક્સ્ફર્ડ યુનિવર્સિટીના સ્ટેન સંગ્રહમાં સચવાઈ છે. તેમાંનાં 3૦ વાકો બાબા ખલીલના અને 25 વાકો બાબા કમાલના ઋષિનામામાં સમાવિષ્ટ છે.

યુરોપિયન પ્રાચ્યવિદ્યાવિશારદોનું ધ્યાન ખેંચનાર કાશ્મીરી કવિઓમાં લલ્લાનું સ્થાન પ્રથમ આવે છે. તેમનાં વાકોને પહેલી વાર એકત્રિત કરી તેમનો અંગ્રેજી અનુવાદ કરનાર હતા જ્યૉર્જ અબ્રાહમ ગ્રિયર્સન. મુખ્ય ભાગ રોમનમાં અને એલ. ડી. બાર્નેટની વિગતવાર પ્રસ્તાવના સાથે ‘લલ્લા વાક્યાની’ નામક ગ્રંથ 192૦માં લંડનમાંથી પ્રગટ થયો. ત્યારબાદ 1924માં રિચર્ડ ટેમ્પલે તેમનાં વાકોને લગતું ‘ધ વર્લ્ડ ઑવ્ લલ્લા’ નામક પુસ્તક ફરીથી અંગ્રેજીમાં પ્રગટ કર્યું.

પછી છેક 1961માં જમ્મુ અને કાશ્મીર સાંસ્કૃતિક અકાદમી દ્વારા જયલાલ કૌલ અને એન. એલ. તાલિબ દ્વારા પદ્ય સ્વરૂપે સંપાદિત ઉર્દૂ ભાષાંતર સાથે લલ્લાનાં વાકોની વિવેચનાત્મક કૃતિ પ્રગટ થઈ. તેની 3 આવૃત્તિઓ થઈ ચૂકી છે. તેમનાં વાકોનું હિંદી ભાષાંતર તૈયાર કરીને એસ. એન. ભટ્ટા હલીમે ‘લલ દદ નમ્બર ઑવ્ કોશુર સમાચાર’ રૂપે 1971માં પ્રગટ કર્યું. ત્યારબાદ આ જ ભાષાંતર પુસ્તક રૂપે રાજ્ય સાંસ્કૃતિક અકાદમી દ્વારા પ્રગટ કરાયું. તે પછી ‘સ્પેશિયલ નમ્બર ઑવ્ કોશુર સમાચાર’માં લલ દદનાં વાકોનું અંગ્રેજી ભાષાંતર જે. એન. ભાણ દ્વારા પ્રગટ થયું. 1973માં સાહિત્ય અકાદમીએ જયલાલ કૌલ દ્વારા તૈયાર કરાયેલ ‘લલ દદ’ શીર્ષક હેઠળ તેમના પરનું વિવરણાત્મક પુસ્તક પ્રગટ કર્યું. આ પુસ્તકમાં 138 વાકોના અંગ્રેજી અનુવાદ સાથે કાશ્મીરનાં જીવન અને ભાષા તથા સંસ્કાર ઘડવામાં તેમણે ભજવેલ ભૂમિકાનો ખ્યાલ પણ અપાયો છે. આ જ પુસ્તકનો હિંદી અનુવાદ એસ. કે. રૈના દ્વારા 198૦માં અને મોતીલાલ ‘સાકી’ દ્વારા કરાયેલ ઉર્દૂ અનુવાદ સાહિત્ય અકાદમી દ્વારા પ્રગટ થયો છે.

198૦–81નું વર્ષ તો જમ્મુ અને કાશ્મીર રાજ્યમાં ‘લલ દદ’ વર્ષ તરીકે ઊજવાયું હતું. તે વખતે મા લલ્લાનાં જીવન અને કવન વિશે વિવિધ પરિસંવાદો, ચર્ચાસભાઓ અને મુશાયરા યોજાયાં હતાં. વળી વાકોના ડોગરી અને પંજાબી અનુવાદ પણ રાજ્ય સાંસ્કૃતિક અકાદમી દ્વારા પુસ્તક રૂપે પ્રગટ થયા. શીરાઝના (કાશ્મીરી, ઉર્દૂ અને પાહરી) રચેલા ખાસ સ્મારક-ગ્રંથો પણ પ્રગટ કરાયા. સાંસ્કૃતિક અકાદમી દ્વારા તેમનાં વાકો પર આધારિત ચિત્ર-હરીફાઈ પણ યોજાઈ. આ ઉપરાંત તેમના માનમાં દેશભરના પંડિતો અને વિદ્વાનો તથા સંશોધકોને નિમંત્રી 3 દિવસનો રાષ્ટ્રીય સેમિનાર ઊજવવામાં આવ્યો હતો.

લલ દદનાં વાકોનો કન્નડ અનુવાદ 197૦ના દશકામાં પ્રગટ થયો. બી. એન. પારિમોએ 1982માં લલ દદનાં જીવન અને કવન વિશે ‘ઍસેન્ટ ઑવ્ સેલ્ફ’ નામક સર્વગ્રાહી અને છેલ્લો ગ્રંથ આપ્યો હતો. આમ તેમના વિશે અત્યાર સુધીમાં 3૦થી વધુ ગ્રંથો પ્રગટ થયા છે. એ રીતે કાશ્મીરી સાહિત્યમાં તેમની અનન્યતા છે.

કાશ્મીરી ફિલસૂફ લલ્લેશ્વરી છેક તેમના જમાનામાં હિંદુ-મુસલમાન ધર્મને સમાન ગણનાર મહાન સંત હતાં. આ વિદુષી નારી ભક્તિરસમાં એટલાં તો તરબોળ રહેતાં કે ક્યારેક વસ્ત્રોનું પણ ભાન રહેતું નહિ. કાશ્મીરી બાનીમાં તેમની રચનાઓ અદભુત ગણાય છે. તેઓ કહેતાં કે, વિશ્વના કણકણમાં શિવતત્ત્વ પ્રવર્તમાન છે. હિંદુ, મુસલમાન કે તુર્કમાં કોઈ ભેદ નથી. તમે બુદ્ધિમાન હો તો આત્માને જાણો એ જ પ્રભુ સાથેનું સાચું તાદાત્મ્ય છે.

બળદેવભાઈ કનીજિયા