લલનપિયા (19મી સદીનો ઉત્તરાર્ધ–2૦મી સદીનો પૂર્વાર્ધ) : ઠૂમરી નામક ઉપશાસ્ત્રીય ગીતોના જાણીતા રચનાકાર. તેમનું વતન ઉત્તર પ્રદેશનું ફર્રુખાબાદ નગર. તેમનો જન્મ એક સારસ્વત બ્રાહ્મણ પરિવારમાં થયો હતો. પરિવારની આર્થિક સ્થિતિ અત્યંત ખરાબ હોવાથી લલનપિયાનું સમગ્ર જીવન ગરીબીમાં વીત્યું હતું. ઠૂમરીની કોઠાસૂઝને કારણે જ તેઓ ઠૂમરીની રચના કરતા, દરેક રચનાને જુદા જુદા શાસ્ત્રીય રાગોમાં ઢાળતા અને પોતે રચેલી બંદિશોને પોતે જ ગાતા. તેમણે કોઈ ગુરુ સ્વીકાર્યો ન હતો તથા કોઈ શિષ્ય પણ બનાવ્યો ન હતો. ઠૂમરી ગીતોની રચના ઉપરાંત તેમણે કેટલાંક કાવ્યો પણ લખ્યાં છે, જે ઉત્તરપ્રદેશના ગાયકોમાં આજે પણ પ્રખ્યાત છે. ભાષા તથા અર્થસભરતા – આ બંને દૃષ્ટિએ તેમની રચનાઓ ઉચ્ચકોટિની ગણાય છે. લય અને તાલમાં પણ તેઓ નિપુણ હતા.

લલનપિયાએ ‘લલન સાગર’ નામનું એક પુસ્તક પણ લખ્યું છે, જેમાં ઠૂમરી ગાયનપ્રકારની તલસ્પર્શી માહિતી આપવામાં આવી છે. તેઓ ઠૂમરીના ગાયક કરતાં બંદિશોના રચનાકાર તરીકે વિશેષ જાણીતા છે.

ઓગણીસમી સદીનો ઉત્તરાર્ધ અને વીસમી સદીના પ્રથમ બે દાયકા  એ તેમનો જીવનકાળ ગણવામાં આવે છે.

બાળકૃષ્ણ માધવરાવ મૂળે