લલકદાસ (18મી સદીનો ઉત્તરાર્ધ) : રામાનન્દ સંપ્રદાયના ગાદીધારી મહાત્મા. આ વૈષ્ણવ સંત રામોપાસક હતા અને પોતાની વિશાળ શિષ્યમંડળી સાથે મોટે ભાગે પર્યટન કરતા. તેઓ માધુર્યભક્તિના ઉપાસક હતા. ભક્તિ ઉપરાંત કાવ્યશાસ્ત્રમાં પણ અનુરાગ ધરાવતા હતા. કાવ્યશાસ્ત્ર પરત્વે તેમને કવિઓ સાથે વાદ-વિવાદના અનેક પ્રસંગો બનતા. એમની બે રચનાઓ પ્રસિદ્ધ છે : ‘સત્યોપાખ્યાન’ (રચના ઈ. સ. 1768) અને ‘ભાષાકૌશલ-ખંડ’ (રચના ઈ. સ. 1793) આ બંને ગ્રંથો મૂળ સંસ્કૃત ગ્રંથોના પદ્યબદ્ધ અનુવાદ છે. રામની વિલાસપ્રિય ક્રીડાઓનું વર્ણન એ આ ગ્રંથોનો મુખ્ય વિષય છે. ‘ભાષાકૌશલ-ખંડ’માં આ પ્રવૃત્તિ પરાકાષ્ઠાએ પહોંચેલી જોવા મળે છે. આ ગ્રંથ પૌરાણિક શૈલીએ શૂક-સૌનક સંવાદ રૂપે દોહા-ચોપાઈ છંદોમાં લખાયો છે.

પ્રવીણચંદ્ર પરીખ