લર્નર, ઍલન જેઈ (જ. 31 ઑગસ્ટ 1918, ન્યૂયૉર્ક સિટી; અ. 1986, ન્યૂયૉર્ક) : અમેરિકન સ્વરનિયોજક, ગીતકવિ અને સંગીતનાટ્યકાર (librettist). બ્રૉડવેમાં ફ્રેડરિક લોઇની સાથે તેમનાં ‘બ્રિગેડૂન’ (1947), ‘પેઇન્ટ યૉર વૅગન’ (1951), ‘માય ફેર લેડી’ (1956), ‘કૅમેલૉટ’ (196૦) નામનાં સંગીતનાટકોએ લોકોની ભારે પ્રશંસા મેળવી હતી. તેમણે નિર્માણ કરેલું ‘જીજી’ ચલચિત્ર પણ લોકપ્રિય થયું હતું.

માતાપિતાની દુકાનમાં ધમધોકાર ધંધો ચાલતો હતો. લર્નરે પોતાનું શિક્ષણ ઇંગ્લૅન્ડમાં ‘બીડેલ્સ’, અમેરિકામાં કનેક્ટિકટ રાજ્યની ‘વૉલિંગફર્ટ શૉટે સ્કૂલ’ અને ન્યૂયૉર્ક સિટીની ‘જુલિયાર્ડ સ્કૂલ ઑવ્ મ્યૂઝિક’ અને હાર્વર્ડ યુનિવર્સિટીમાં લીધું હતું. હાર્વર્ડમાં અભ્યાસ કરતા હતા ત્યારે ‘હેસ્ટી પુડિંગ’ના શો માટે તેમણે સંગીતમઢ્યાં ઊર્મિગીતો રચ્યાં હતાં. રેડિયો માટે તેમણે 3૦૦થી વધુ નાટકોની રચના 194૦–42 દરમિયાન કરી હતી. શરૂઆતમાં તેમનાં સર્જનોને ઝાઝી સફળતા મળી નહોતી.

‘માય ફેર લેડી’ સંગીતનાટકની રચના તેમણે જ્યૉર્જ બર્નાર્ડ શૉના ‘પિગ્મેલિયન’ નાટક પરથી કરેલી. અમેરિકન રંગભૂમિ પર આ અગાઉના કોઈ પણ સંગીતનાટકને આવી સફળતા મળી નહિ હોય. કોલંબિયા બ્રૉડકાસ્ટિંગ સિસ્ટિમે તેનું નિર્માણ સંભાળ્યું હતું. લંડન કે ન્યૂયૉર્કમાં આ નાટક પહેલાંના તમામ વિક્રમોને આંબી ગયું. 2૦થી વધુ દેશોમાં તે પ્રદર્શિત થયું. 11થી વધુ ભાષાઓમાં તેના અનુવાદ કે રૂપાંતર થયાં હતાં. અમેરિકાનાં અનેક શહેરોમાં વરસો સુધી તેના પ્રયોગો ચાલ્યા હતા. 198૦ પછી પણ તેને વારંવાર જોવા માટે લોકો હંમેશ આતુર રહેતા હતા. બ્રૉડવેમાં તે સંગીતનાટકની ઑડિયો કૅસેટ્સનું વેચાણ 5૦ લાખની સંખ્યાને વટાવી ગયું હતું. આ નાટકને આધારે જે ચલચિત્રનું નિર્માણ થયું તેને 8 અકાદમી ઍવૉર્ડ પ્રાપ્ત થયા હતા. ગુજરાતીમાં ‘માય ફેર લેડી’ પરથી ‘સંતુ રંગીલી’ નાટક અને ચલચિત્રે ભારે આકર્ષણ ઊભું કરેલું. અમદાવાદમાં પણ તે ચલચિત્ર અંગ્રેજીમાં પ્રદર્શિત થયેલું. તેમાં નાયિકા તરીકે અમેરિકન અભિનેત્રી ઑડ્રી હેપ્બર્નનો અભિનય અદભુત હતો. આની સફળતાને અનુલક્ષીને અગાઉનાં સંગીતનાટકોનાં ચલચિત્રોમાં થયેલાં રૂપાંતરોમાં ‘બ્રિગેડૂન’ (1954), ‘પેઇન્ટ યૉર વૅગન’ (1969) અને ‘કૅમેલૉટ’ (1967) પણ ઘણાં લોકપ્રિય બન્યાં હતાં. ‘કૅમેલૉટ’ અંગ્રેજ લેખક ટી. એચ. વ્હાઇટની નવલકથા ‘ધી વન્સ ઍન્ડ ફ્યૂચર કિંગ’ પરથી સંગીતબદ્ધ થયું હતું. ‘જીજી’ ચલચિત્રને 9 અકાદમી ઍવૉર્ડ મળેલા.

‘કર્ટવેલ’ના ‘લવ લાઇફ’ (1948) માટેનું ગદ્યરૂપાંતર અને ઊર્મિગીતો પણ લર્નરે લખ્યાં. ‘ઍન અમેરિકન ઇન પૅરિસ’ (1951) ચલચિત્ર માટે તેમણે ગીતસંગીત આપ્યાં અને તે માટે લેખકને અકાદમી ઍવૉર્ડ પણ એનાયત થયો. તેમણે લેન નામના સંગીતકાર સાથે ‘કાર્મેલિના’ (198૦) માટે કાર્ય કર્યું. આન્દ્રે પ્રેવિન સાથે ‘ઑન કોકો’ (1969) અને લિયોનાર્ડ બર્નસ્ટાઇન સાથે ‘16૦૦ પેનસિલ્વેનિયા ઍવન્યૂ’ (1977) માટે પણ જોડીદાર તરીકે કાર્ય કર્યું હતું.

વિ. પ્ર. ત્રિવેદી