લઠ્ઠો : કેફ અથવા નશો કરવા માટેનું ગેરકાયદેસર દારૂયુક્ત તથા ઝેરી અસર કરતું પીણું. આ પીણું તેમાં મિથાઇલ આલ્કોહૉલ અને ઇથાઇલ આલ્કોહૉલનું વધતી-ઓછી માત્રાનું મિશ્રણ હોય છે, જે ગુજરાતમાં ‘લઠ્ઠા’ તરીકે જ્યારે મહારાષ્ટ્રમાં ‘ખોપડી’ તરીકે ઓળખાય છે. નશા માટેનો પ્રમાણિત દારૂ મુખ્યત્વે ઇથાઇલ આલ્કોહૉલ (ઇથેનોલ) હોય છે. જેમાં લહેજત માટે કુદરતી કે કૃત્રિમ રંગ અને સુગંધ ઉમેરેલાં હોય છે.
બનાવટ : દારૂબંધીને કારણે તેમજ ઇથેનૉલ સરળતાથી અને સસ્તા ભાવે પ્રાપ્ત થતો ન હોવાથી ગેરકાયદેસર રીતે દારૂ ગાળનારા કે વેચનારા બજારમાંથી લાકડાની પૉલિશ કે રંગ-ઉદ્યોગો માટે ઉપયોગમાં લેવાતી ફ્રેન્ચ પૉલિશ, થિનર, ઔદ્યોગિક સૉલવન્ટ તરીકે વપરાતો મિથાઇલ આલ્કોહૉલ વગેરેમાંથી નશો કરવાનું ગેરકાયદેસર પીણું લઠ્ઠો બનાવે છે. સામાન્ય રીતે થિનર, સૉલવન્ટ તથા ડિનેચર્ડ સ્પિરિટ જેવાં રસાયણો અને પાણીના મિશ્રણમાં ફટકડી (એલમ) ઉમેરી સ્પિરિટને ફાડવામાં આવે છે, જેથી તેમાં રહેલાં રેઝિન અને આલ્કોહૉલને વિકૃત કરવા વપરાતા કૉર્ચિસીન જેવા પદાર્થો નીચે બેસી જાય છે. ઉપરનું નિતારણ કાઢી લઈ તેનો પીવા માટે સીધો ઉપયોગ કરાય છે અથવા આ નિતારણનું નિસ્યંદન (distillation) કરી નશા માટેનું ગેરકાયદેસર પીણું બનાવવામાં આવે છે. આવા હેતુ માટેની પેદાશો ક્યારેક બજારમાં ટૉયલેટ-પ્રીપેરેશનની છટકબારીના નેજા હેઠળ વેચાય છે. અંધારી આલમમાં આવું પીણું ‘ઘોડો’, ‘કૅટ’ જેવાં હુલામણાં નામથી પણ ઓળખાય છે. આ પ્રકારની અણઘડ બનાવટમાં જાણે કે અજાણે મિથાઇલ આલ્કોહૉલનો પ્રવેશ થાય છે. આ પીણાંના સેવનથી ગંભીર તેમજ સામૂહિક જીવલેણ અકસ્માતો સર્જાય છે, જે ‘લઠ્ઠાકાંડ’ તરીકે ઓળખાય છે. આ પીણાંનો સહેલાઈથી ભોગ બનનાર જૂથમાં ઔદ્યોગિક કામદારો અને આર્થિક રીતે નબળી વ્યક્તિઓ હોય છે.
ઘટકો : લઠ્ઠો, આમ મિથાઇલ અને ઇથાઇલ આલ્કોહૉલનું મિશ્રણ હોય છે, જેમાં તેની માત્રા નિશ્ચિત હોતી નથી. આ પીણામાં કેટલીક વખત ક્લૉરલ હાઇડ્રેટની હાજરી પણ હોય છે.
પરીક્ષણ : આવા પીણામાં મિથાઇલ આલ્કોહૉલની હાજરી ક્રોમોટ્રૉપિક ઍસિડ પરીક્ષણ અને સ્ટીફ રિએજન્ટ પરીક્ષણ દ્વારા થઈ શકે છે.
અસર : લઠ્ઠાના મિથાઇલ આલ્કોહૉલ ઘટકની અસર ઘણી ઝેરી હોય છે. તે લઠ્ઠાના સેવનના 12થી 72 કલાક બાદ જોવા મળે છે. આ સમયગાળા દરમિયાન આવા પીણાંનું સેવન ઘણી વ્યક્તિઓ કરે છે અને તેથી લઠ્ઠાકાંડની અસર એકલ-દોકલ વ્યક્તિના બદલે સમૂહમાં જોવા મળે છે.
ગુજરાતમાં વેરાવળ, અમદાવાદ તથા સૂરત જેવાં સ્થળોએ લઠ્ઠાકાંડ સર્જાતાં મોટી જાનહાનિ નોંધાયેલી છે. મહારાષ્ટ્રમાં પણ ‘ખોપડી’ જેવા પીણાના સેવનથી મોટી જાનહાનિ થયાનું નોંધાયેલ છે. તામિલનાડુ રાજ્યમાં પણ આવી સામૂહિક જાનહાનિ નોંધાયેલી છે. આવા તમામ સામૂહિક જાનહાનિના કિસ્સાઓમાં ગેરકાયદેસરના કેફી પીણામાં મિથાઇલ આલ્કોહૉલની હાજરી નોંધાયેલી છે.
લક્ષણો : આવા પીણાનો ભોગ બનેલ વ્યક્તિઓમાં ચક્કર આવવાં, માથાનો દુખાવો થવો તમ્મર આવવી, અણગમો તેમજ ઊલટી થવી, પેટમાં દુખાવો થવો, આંખની દૃષ્ટિમાં ઝાંખપ આવવી કે આંશિક કે સંપૂર્ણ અંધાપો થવો, શ્વાસ ચઢવો, સન્નિપાત થવો, તાણ કે આંચકી આવવી, શ્વાસનું રૂંધાવું તથા મૃત્યુ નીપજવું જેવાં લક્ષણો જોવા મળે છે.
વિઘટન : શરીરમાં મિથાઇલ આલ્કોહૉલની ચયાપચયની ક્રિયા ઘણી ધીમી થતી હોવાથી લોહીમાં તેની હાજરી થોડા દિવસો સુધી જોવા મળે છે. લોહીમાં રહેલા મિથેનૉલનું યકૃતમાંના ઉત્સેચકો દ્વારા ઑક્સિડેશન થઈ ફૉર્મેલ્ડિહાઇડ અને ત્યારબાદ વધુ ઑક્સિડેશન થતાં, ફૉર્મિક ઍસિડમાં રૂપાંતર થાય છે, જે શરીરમાં ઝેરી અસર ઉત્પન્ન કરે છે. ફૉર્મિક ઍસિડનું ઉત્સર્જન મૂત્ર દ્વારા થાય છે. આ ઉત્સર્જનની પ્રક્રિયા, મિથાઇલ આલ્કોહૉલના સેવનની માત્રા અનુસાર 6થી 8 દિવસો સુધી ચાલે છે. યકૃતમાં રહેલા આલ્કોહૉલનું વિઘટન કરનારા ઉત્સેચકોની પસંદગી, મિથેનૉલ કરતાં ઇથેનૉલ તરફ વધુ હોય છે. લોહીમાં જ્યાં સુધી ઇથેનૉલ હાજર હોય ત્યાં સુધી મિથેનૉલનું ઑક્સિડેશન ખૂબ જ ધીમું કે નહિવત્ થાય છે. લોહીમાં ઇથેનૉલનું પ્રમાણ ઘટતાં મિથેનૉલનું ઑક્સિડેશન ઝડપી બને છે અને સેવન કરનાર વ્યક્તિ ઉપર માઠી અસર વર્તાય છે.
સારવાર : ગરમ પાણીમાં સોડા બાયકાર્બના દ્રાવણથી જઠરને સાફ કરવામાં આવે છે. અતિઅમ્લતાવિકાર (acidosis) રોકવા સોડિયમ બાય-કાર્બોનેટને યોગ્ય માત્રામાં લોહીમાં નસ વાટે સીધો પ્રવેશ કરાવી શકાય છે. હાઇપૉકેલેમિયાની અસર ન થાય તે માટે પોટૅશિયમને નસ વાટે અપાય છે. ઝેરી દ્રવ્યનું ઉત્સર્જન ઝડપી બનાવવા માટે સલાઇન પણ અપાય છે. તાણ કે આંચકીની રાહત માટે સ્નાયુમાં પેરાલ્ડિહાઇડ કે અન્ય આંચકીવિરોધી ઔષધ અપાય છે. આંખો પ્રકાશથી અંજાઈ ન જાય તે માટે તેને ઢાંકેલી રાખવામાં આવે છે.
મિથાઇલ આલ્કોહૉલની ચયાપચય અને ઑક્સિડેશનની પ્રક્રિયાઓ મંદગતિએ થાય તે માટે સમયાંતરે મોઢા વાટે 1૦થી 2૦ સી. સી. ઇથાઇલ આલ્કોહૉલ આપવામાં આવે છે. સમય જતાં વિઘટન થયા વગરના મિથાઇલ આલ્કોહૉલનું પેશાબ, પરસેવો કે શ્વસન મારફતે ઉત્સર્જન થાય છે.
મરણોત્તર લક્ષણો : મિથાઇલ આલ્કોહૉલથી મૃત્યુ પામેલ વ્યક્તિના મરણોત્તર પરીક્ષણ(postmortum examination)માં જઠરમાં રુધિરસ્રાવનાં ચકામાં સાથેનો સોજો જોવા મળે છે. ફેફસાં, મગજમાં પણ રુધિરભારિતા (congestion) અને સોજો જોવા મળે છે. આંખોમાં દૃષ્ટિપટલ(retina)નું અપજનન (degeneration) થાય છે.
જિતેન્દ્ર કાંતિલાલ દવે