લઘુપ્રબન્ધસંગ્રહ : પ્રાચીનતમ ઉપલબ્ધ પ્રબન્ધગ્રન્થ. ચાર હસ્તપ્રતોને આધારે જયન્ત ઠાકરે તૈયાર કરેલી સર્વતોમુખી અધ્યયન સાથેની સમીક્ષિત આવૃત્તિ વડોદરાના પ્રાચ્યવિદ્યામંદિરે મ. સ. વિશ્વવિદ્યાલય સંશોધન ગ્રંથમાળામાં 197૦માં પ્રકાશિત કરી છે. ‘પ્રબન્ધ’ એટલે ઐતિહાસિક આખ્યાયિકા. ઉત્તર ગુજરાતના અજ્ઞાત જૈન કર્તા રચિત દસ લઘુ પ્રબન્ધોમાં સૌથી મોટો ‘વિક્રમાદિત્યપંચદંડચ્છત્રપ્રબન્ધ’ (8 પૃષ્ઠ) અને નાનો ‘કૂંઆરીરાણા-પ્રબન્ધ’ (1 પૃષ્ઠ) છે. છ પ્રબન્ધોના અંશો અન્યત્ર મળે છે, જ્યારે ચાર માત્ર અહીં જ પ્રાપ્ય છે. આમાંના છ તો ગુજરાતના સુવર્ણયુગના વિધાયક સિદ્ધરાજ જયસિંહ અંગેના છે. રચના તેરમી સદીના ઉત્તરાર્ધમાં એટલે સિદ્ધરાજ પછી 1૦૦ વર્ષમાં જ થઈ છે. તેની રાજસભાના 45 સદસ્યોનાં નામ આપેલાં છે, જેમાં 13 જે તે ધંધાના પ્રતિનિધિઓ છે. 31 પૃષ્ઠનો આ લઘુગ્રંથ સમકાલીન ઇતિહાસ, સમાજ અને સંસ્કૃતિ ઉપર સારો પ્રકાશ નાખે છે. ‘જૈન સંસ્કૃત’ નામે ઓળખાતી મિશ્ર સંસ્કૃતભાષા તેમજ પ્રબન્ધશૈલીનાં સર્વ લક્ષણોથી તે સભર છે. સંસ્કૃતનો સુન્દર નમૂનો તે પૂરો પાડે છે. તેમાં ગુજરાતી શબ્દસમૂહો, પ્રયોગો, વાક્યો અને પ્રત્યયો યોજાયાં છે. શબ્દવ્યુત્પત્તિએ અધ્યયનનાં 56 પૃષ્ઠ રોક્યાં છે. આમ આ ગ્રંથ અનેક દૃષ્ટિએ મહત્વપૂર્ણ છે.

જયન્ત પ્રે. ઠાકર