લઘુમતી અને લઘુમતીવાદ

January, 2004

લઘુમતી અને લઘુમતીવાદ : લઘુસંખ્યક જૂથ કે જે સમાન હિત, ધર્મ, જાતિ, ભાષા, વંશ આદિ કારણોસર બહુમતીથી કે વ્યાપક અને પ્રમુખ સમૂહ(dominant group)થી અલગ તરી આવે છે. શાબ્દિક સંદર્ભમાં સમગ્ર સમૂહના અડધા ભાગથી પણ નાનો અંશ તે લઘુમતી. આ લઘુમતી આમ તો બહુમતીની સાથે કે નજીક એક જ રાજકીય વિસ્તારની અંદર રહેતી હોય છે. લઘુમતીને પોતાની અસ્મિતા કે અલગ ઓળખ માટેનાં કારણો વિવિધ હોઈ શકે; જેમાં અલગ જાતિ, ભાષા, ધર્મ, વંશ જેવી બાબતો સમાવેશ પામતી હોય છે. જાતીય, વાંશિક, રાષ્ટ્રીય, ધાર્મિક કે ભાષાકીય લઘુમતીઓનો પ્રશ્ન સમાજવિજ્ઞાનોમાં મહત્વનો બન્યો છે. જાતીય લઘુમતી શરીરરચનાનો દેખાવ, રંગ, વાળ જેવી બાબતોના આધારે તો વાંશિક લઘુમતી તે સમૂહના આગવા સાંસ્કૃતિક વ્યવહારને આધારે, તેમની અસ્મિતા કે જીવનશૈલીને આધારે અલગ તરી આવે છે. લઘુમતીઓ અલગ અસ્મિતાને આધારે સામાજિક અને રાજકીય ક્ષેત્રે અલગ કે વિશિષ્ટ દરજ્જાની માંગ કરતી હોય છે. આ દરજ્જો તેમને મળે, ન મળે કે અમુક સીમિત માત્રામાં મળે એવી શકયતા રહેતી હોય છે. આમ બને ત્યારે લઘુમતી સાચી કે ખોટી રીતે અન્યાય થતો અનુભવે છે. આ અર્થમાં લઘુમતી મનોવૈજ્ઞાનિક સમસ્યાનું રૂપ ધારણ કરે એમ પણ બને. કેટલીક વાર એવું બને કે અધિકૃત સત્તા કે અવાજ દ્વારા અમુક જૂથનો બહિષ્કાર કરવા માટે તેમના પર ‘લઘુમતી’નો દરજ્જો લાદવામાં આવે, દાખલા તરીકે જિપ્સીઓ.

બહુમતી અને લઘુમતી વચ્ચે આદર્શ સંબંધો ધરાવતા દેશોની સંખ્યા ઓછી છે. સામાન્ય રીતે બહુમતી દ્વારા લઘુમતી ઉપર પોતાની જીવનશૈલી લાદવાના પ્રયત્નો થતા હોય છે યા લઘુમતીને એવો ભય લાગે છે. આથી લઘુમતી દ્વારા આવા પ્રયત્નોનો વિરોધ થતો હોય છે. આમાંથી કેટલીક વાર મોટા આંતરવિગ્રહો પણ થતા હોય છે. આવાં કારણોસર થતા આંતરવિગ્રહનો કડવો અનુભવ સુદાન, ઉત્તર આયર્લૅન્ડ અને નાઇજિરિયા જેવા દેશોએ કર્યો છે. જોકે બધી લઘુમતીઓ પ્રમુખ સમૂહ કે બહુમતીઓ માટે સમસ્યારૂપ બનતી નથી. તેમાં લઘુમતીની પોતાની અસ્મિતા વિશેની અલગતાની લાગણીની તીવ્રતા, રાષ્ટ્રીય પ્રવાહમાં કે નાગરિક સમાજમાં ભળવાની તેની તૈયારી, રાજકીય પ્રથામાં લઘુમતીઓને મળેલો બંધારણીય દરજ્જો, રાજકીય પ્રક્રિયાનું સ્વરૂપ – લોકશાહી પદ્ધતિ, આપખુદશાહી કે સર્વસત્તાધીશ વ્યવસ્થા – બહુ અગત્યનાં બને છે. કુલ વસ્તીમાં લઘુમતી નોંધપાત્ર પ્રમાણ ધરાવતી હોય અને અમુક ચોક્કસ ભૌગોલિક વિસ્તારોમાં તેનું કેન્દ્રીકરણ થયું હોય ત્યારે લઘુમતીનો પ્રશ્ન બહુમતી માટે ચિંતાજનક બને છે.

લોકશાહી વ્યવસ્થા મુખ્યત્વે પ્રતિનિધિત્વના ધોરણે કામ કરે છે. તેની એક મહત્વની સમસ્યા લઘુમતી અંગેની હોય છે અને તેમાંયે ‘રાજકીય લઘુમતી’ સવિશેષ મહત્ત્વની હોય છે. આવી રાજકીય લઘુમતી વાંશિકતા, ભાષા, જાતિ વગેરે કારણોસર વિવિધ સ્વરૂપ ધરાવે છે. લઘુમતીને પૂરતું પ્રતિનિધિત્વ આપવાની બાબત લોકશાહીમાં મહત્વની સમસ્યારૂપે સ્થાન ધરાવે છે. લઘુમતી અલગ અસ્મિતા જાળવી રાખવા પોતાની અલગ પહેચાન બનાવવાની મથામણ કરે છે. જૉન સ્ટુઅર્ટ મિલ જેવા વિચારકોએ પણ લઘુમતીને યોગ્ય પ્રતિનિધિત્વ આપવાના વિચારનું સમર્થન કર્યું છે. તેમના મતે તે વિના સાચી લોકશાહી સંભવિત નથી. આથી લોકશાહીમાં પ્રમાણસર પ્રતિનિધિત્વ હેર પ્રથા, યાદી પ્રથા જેવી વિવિધ ચૂંટણી-પદ્ધતિઓ દ્વારા લઘુમતીને પ્રતિનિધિત્વ કરવાની તક પૂરી પાડવામાં આવે છે.

ભારતમાં લઘુમતીના બે પ્રકારો પાડવામાં આવ્યા છે : અનૂસૂચિત જાતિઓ અને જનજાતિઓ. તેમના માટે ધારાસભાઓમાં, સરકારી નોકરીઓમાં અને શિક્ષણસંસ્થાઓમાં અનામતની વ્યવસ્થા કરવામાં આવી છે. એવી જ રીતે ધાર્મિક લઘુમતીઓને વિશિષ્ટ સાંસ્કૃતિક અધિકારો આપવામાં આવ્યા છે. કાળક્રમે હિંદુ બહુમતીઓને સ્પર્શતા કાયદાઓમાં ફેરફાર થયો છે, પરંતુ લઘુમતીઓને સ્પર્શતા લગ્ન, સંપત્તિ વગેરેને લગતા કાયદામાં ફેરફાર થયો નથી. શાસકો લઘુમતીની તરફેણમાં અને બહુમતીની વિરુદ્ધમાં ફેરફારો કરે છે એવી ફરિયાદ અને વ્યાપક અસંતોષ ઊભા થવા પામ્યાં છે.

લોકશાહી વ્યવસ્થામાં મૂળભૂત હકો ઉપરાંત લઘુમતીઓના મત અને મતબૅંક રાજકારણીઓને ઉપયોગી બને છે. લઘુમતીની સંખ્યાની ક્ષતિને પૂરવામાં પ્રમાણસર પ્રતિનિધિત્વ, કોમી પ્રતિનિધિત્વ મદદ કરે છે. સ્વિટ્ઝર્લૅન્ડ જેવા દેશમાં કૅબિનેટ-કક્ષાએ પ્રમાણસર અને ક્રમિક પ્રતિનિધિત્વ આપીને વિવિધ લઘુમતીઓને સંતોષવામાં આવે છે. લઘુમતીની લાગણી તેની ભાષાને રાષ્ટ્રીય ભાષાનો દરજ્જો આપવાની અને એવી બીજી જોગવાઈઓ સંતોષે છે એવી એક માન્યતા છે. જોકે આવી જોગવાઈઓ છતાં યુગોસ્લાવ રાષ્ટ્રનું સર્જન થયું નહિ અને તે ઝડપથી વિસર્જન પામ્યું. ટૂંકમાં, એક સ્થિર અને સુગ્રથિત રાષ્ટ્ર–રાજ્યનું સર્જન અને લઘુમતી ચર્ચા-વિચારણાનો વિષય બની રહે છે. લઘુમતીઓ હંમેશાં સત્તા ઝંખતી હોય છે એવું નથી. કેટલીક વાર લઘુમતી સત્તા પર હોય છે અને બહુમતી સત્તાની બહાર હોય છે. એશિયા અને આફ્રિકામાં ફેલાયેલા સંસ્થાનવાદ તેનું ઉત્તમ ઉદાહરણ હતા. રવાન્ડામાં તુત્સીઓ લઘુમતીમાં હોવા છતાં સત્તા પર રહ્યા છે. ઇરાકમાં સિયા લોકોની બહુમતી હોવા છતાં સુન્નીઓ સત્તા પર રહ્યા છે. ર્હોડેશિયા અને દક્ષિણ આફ્રિકા, કાળા લોકોની બહુમતીવાળા દેશો હોવા છતાં શાસન લઘુમતી ગોરાઓના હાથમાં રહ્યું છે. જોકે લઘુમતીનાં આવાં શાસનો લોકસ્વીકૃતિ પ્રાપ્ત કરી શકતાં નથી.

આ ઉપરાંત મહિલાઓના વર્ગનો વિચાર કરીએ તો તેમની એક અલગ અસ્મિતા હોવા છતાં અને કેટલાક દેશોમાં મહિલાઓની બહુમતી હોવા છતાં મહત્વનાં સરકારી અને બિનસરકારી સ્થાનોની પ્રાપ્તિને લક્ષમાં લઈએ તો એ બહુમતી વાસ્તવિક લઘુમતી બની જાય છે.

લઘુમતીઓ ભાગ્યે જ બહુમતીની પ્રીતિનું પાત્ર બને છે. મોટે ભાગે તેઓ બહુમતીનો તિરસ્કાર, અણગમાનો શિકાર બને છે. કેટલીક વાર તેમને ખતમ કરવાના પ્રયત્નો થાય છે. યહૂદીઓને યુરોપના દેશોના શાસકો પાસેથી ઘણું સહન કરવું પડ્યું છે. એડૉલ્ફ હિટલરે તો જર્મનીના યહૂદીઓના જાતિવધનું ષડ્યંત્ર જ અમલમાં મૂકયું હતું. ઇન્ડોનેશિયા અને મલેશિયામાં ચીનાઓ પણ વિવિધ કારણોસર બહુમતીઓના અણગમાનો ભોગ બન્યા હતા.

લઘુમતીઓના પ્રશ્નો વિકાસશીલ દેશોમાં જ હોય છે તેમ નથી. વિકસિત દેશોમાં પણ વંશીય અને રાષ્ટ્રીય લઘુમતીઓના પ્રશ્નો છે જ. ભારતમાં શીખ, મુસ્લિમ લઘુમતીઓના, શ્રીલંકામાં તમિળ લઘુમતીના, મ્યાનમારમાં શાન અને કચીન લઘુમતીઓના, ઈરાન, ઇરાક, ટર્કીમાં કુર્દ લઘુમતીઓના તો રશિયામાં ચેચીન લઘુમતીઓના, ચીનમાં પણ મુસ્લિમ લઘુમતીના પ્રશ્નો છે. સોવિયેત સંઘનું વિઘટન બિન-રશિયન પ્રજાઓના અસંતોષમાંથી થયું તો યુગોસ્લાવિયા અને ઝેકોસ્લોવેકિયાનું વિભાજન પણ વિવિધ રાષ્ટ્રીયતાઓના અસંતોષમાંથી થયું. ઉત્તર આયર્લૅન્ડમાં આયરિશ, સ્પેનમાં બાસ્ક, ફ્રાન્સમાં કૉરસિકનસ, હંગેરીમાં રુમાનિયન અને કૅનેડામાં ફ્રેન્ચ લઘુમતીના પ્રશ્નો છે.

લઘુમતીઓના પ્રકારો અને પ્રશ્નોનાં વિવિધ કારણો છે. લઘુમતીઓ સ્થાનિક કે મૂળ વતની (indigenous) પ્રકારની હોઈ શકે. એક વિસ્તારમાં બહારથી લોકો આવે, તેમને જીતી લે, તેમના પર શાસન સ્થાપે અને મૂળ વતનીઓનું શાસિતમાં રૂપાંતર કરે, તેમને નિર્માલ્ય કરી નાખે અને તેઓ બીજા દેશમાં વસતા હોય એવા પરાવલંબનની સ્થિતિમાં મૂકી દે. આવી આદિવાસી લઘુમતીઓ કે ટોળીઓનાં ઉદાહરણો અમેરિકા, કૅનેડા, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલૅન્ડ, બ્રાઝિલમાંથી મળી આવે છે. આમાંથી કેટલાક દેશોમાં આવી લઘુમતીઓ જાગ્રત થઈ છે અને તેમણે બંધારણમાં, રાજકીય પ્રથામાં અને મતદારમંડળમાં ક્યાંક સમાનતાની કે ક્યાંક વિશિષ્ટ દરજ્જાની માંગણી કરી છે અને 199૦ના દાયકામાં કૅનેડા અને ન્યૂઝીલૅન્ડમાં તેમને આ બાબતમાં સફળતા મળી છે.

આ સિવાય લઘુમતીઓ રાષ્ટ્રીય (national) અને વિસ્તાર-આધારિત હોઈ શકે. તેમની માંગણી અલગ અલગ સ્વતંત્ર સાર્વભૌમ રાજ્ય પ્રાપ્ત કરવાની હોઈ શકે કે શ્રીલંકાની તમિળ લઘુમતીની જેમ તદ્દન અલગ અને સ્વતંત્ર રાજ્યને બદલે લગભગ એવો જ દરજ્જો પ્રાપ્ત કરવાની હોઈ શકે. આવી લઘુમતીઓ વિવિધ પ્રકારના હક્કો અને તેના બંધારણીય રક્ષણની માંગણી કરી શકે. આજે લોકશાહી દેશોની પરખ કરવા માટે માત્ર નિયમિત રીતે અને મુક્ત રીતે થતી ચૂંટણીને પર્યાપ્ત માનવામાં આવતી નથી. બંધારણમાં મૂળભૂત હક્કો, તેના ન્યાયકીય રક્ષણની વ્યવસ્થા અને લઘુમતીઓના હક્કોના રક્ષણ માટે યોગ્ય વાતાવરણને પણ જરૂરી માનવામાં આવે છે. પશ્ચિમના દેશોમાં લઘુમતીઓના હક્કો સાંસ્કૃતિક જૂથહક્કોનું સ્વરૂપ ધારણ કરે છે, નહિ કે સામાજિક અને રાજકીય ભાગીદારીનું; કારણ કે એ હક્કો તેમને પ્રાપ્ત થઈ ચૂક્યા છે. રાષ્ટ્ર-રાજ્યની અંદર તેમની સંસ્કૃતિનું અવમૂલ્યન થયું છે એ તેમની ફરિયાદ છે. શ્રી ધીરુભાઈ શેઠ અને શ્રીમતી ગુરપ્રીત મહાજનના શબ્દોમાં ‘રાજ્યની સામાજિક, સાંસ્કૃતિક, શૈક્ષણિક નીતિઓમાં એકરૂપીકરણના પ્રયત્નોને બહાર પાડવાનો અને પડકારવાનો તેમનો યત્ન છે; નહિ કે નાના કદને કારણે રાજકીય ભાગીદારી હાંસલ કરવાનો.’

લઘુમતીઓ પ્રત્યે ત્યારે શંકાની નજરે જોવામાં આવે છે, જ્યારે તેઓ કોઈ અલગ રાજ્યની રચના કરશે એવી બીક રહેલી હોય. જોકે એ એક કારણ છે, જે લઘુમતીઓના હકોનું રક્ષણ કરવા લઘુમતીઓને પ્રેરે છે. આ સિવાય ઐતિહાસિક કરારોને લીધે પણ લઘુમતીઓના હકોનું જતન થાય છે. એનાં ઉદાહરણોમાં કૅનેડા, ન્યૂઝીલૅન્ડનાં ઉદાહરણો આપી શકાય. સૌથી મહત્વની વસ્તુ એ છે કે ઉદારમતવાદી લોકશાહી સલામત, લાંબા ગાળા માટે અસ્તિત્વ ધરાવતા લઘુમતી સમુદાયનું મૂલ્ય સમજે છે. વધુમાં આવા લઘુમતી સમુદાયને તેઓ કોઈક ને કોઈક રીતે રાજ્યવ્યવસ્થામાં આવરી લે છે.

રાષ્ટ્રીય લઘુમતીઓ ઉપરાંત કેટલીક લઘુમતીઓ આંતરરાષ્ટ્રીય કે રાષ્ટ્રોપરિ (transnational) હોઈ અનેક દેશોમાં ફેલાયેલી હોય છે; જેમ કે, યહૂદીઓ, પૅલેસ્ટિનિયનો. પરંતુ આવી લઘુમતીઓનો હેતુ તો રાષ્ટ્રરાજ્યની સ્થાપના કરવાનો હોય છે. આમાં યહૂદીઓ સફળ થયા હતા. જ્યારે પૅલેસ્ટિનિયન આરબો સફળ થયા નથી. એક દેશમાંથી ત્રસ્ત લઘુમતીઓ બીજા દેશમાં આશરો લે છે. આ આશરો ટૂંક સમય માટે કે લાંબા સમય માટે હોઈ શકે. આવી લઘુમતીઓને કાં તો આવકારવામાં આવે છે કે કાં તો ધુતકારવામાં આવે છે અને ક્યારેક બાંગલાદેશના સર્જન પહેલાં કે પછીની જેમ અમુક પ્રમાણમાં તેમનો રાજકીય ઉપયોગ કરવામાં આવે છે. આવાં ઉદાહરણો ભૂતકાળના ઇતિહાસમાંથી પણ મળી આવે છે, જ્યારે પોલૅન્ડ અને ચેકોસ્લોવેકિયાના જર્મનોના રક્ષણના બહાના હેઠળ હિટલરે આ દેશો પર આક્રમણો કર્યાં હતાં. આવી લઘુમતીઓની માંગણી ઓછી હોય છે અને મુશ્કેલીથી મળતી નાગરિકતા જો મળે તો તેઓ સંતોષ પામે છે. કેટલાંક જૂથો આર્થિક કારણોસર જ વિદેશગમન કરતાં હોવાથી પણ આવું બને છે. આવી લઘુમતીઓને શરૂઆતમાં આવકારવામાં આવે (લાગતાવળગતા દેશની જરૂરિયાતને કારણે), ઘણી વાર તેમની ઉપેક્ષા કરાય તો ઘણી વાર સ્થાનિક જૂથોનાં આર્થિક હિતોને નુકસાન કરતા હોવાથી તેમનો ઉગ્ર વિરોધ પણ થાય એવું બને છે, જે કેટલીક વાર હિંસક સ્વરૂપ ધારણ કરે છે અને જાતીય સ્વરૂપની કે રંગભેદની હિંસાનું સ્વરૂપ પણ લે છે.

ઘણી લઘુમતીઓ જે દેશમાં જાય ત્યાં વિવિધ જૂથોમાં બનેલા સમાજસમૂહોમાં ભળી જાય છે અને અમેરિકાની જેમ સંકીર્ણ સમૂહ(melting pot)નો ભાગ બને છે. લઘુમતીની સંખ્યાની આ સમાજમાં ભળવાની જરૂરિયાત કે શાસનની લઘુમતી પ્રત્યેની નીતિ તેમાં મહત્વનો ભાગ બને છે. ઘણા દેશોમાં આથી ઊલટું, લઘુમતીઓ વર્ષો પછી પણ પોતાનું આગવું વ્યક્તિત્વ વિસ્તારી શકતી નથી અને મોડે મોડે પણ સ્વતંત્ર રાજ્ય બનવાની ખ્વાહિશ રાખે છે અને ઘણા દેશોમાં અનેક તણાવોની વચ્ચે બહુમતી અને લઘુમતીઓ સાથે નિભાવ્યે રાખે છે; કારણ કે તેમને એ સિવાય કોઈ શક્ય અને વાજબી વિકલ્પ દેખાતો નથી.

લઘુમતીઓના સંદર્ભમાં ઊભો થતો એક પ્રશ્ન છે બહુમતીવાદ અને લઘુમતીવાદનો. લોકશાહી વ્યવસ્થામાં બહુમતીમતને એક વ્યાવહારિક વ્યવસ્થા તરીકે અપનાવવામાં આવે છે, પરંતુ બહુમતીવાદ તેનાથી અલગ બાબત છે. જ્યારે હિંદુ બહુમતીને એક રાજકીય બહુમતી તરીકે દર્શાવી તેને ભારતીય રાષ્ટ્ર-રાજ્યના આધાર તરીકે ગણવામાં આવે છે ત્યારે પ્રશ્ન એ છે કે એ બહુમતી એક એકમ છે ખરી ? તેમાં કેટલાંયે વિભાજનો છે. આ બહુમતીને એક એકમ બનાવવાના પ્રયત્ન થાય છે અને લઘુમતીઓએ તેના ભાગ બનવું એવો આગ્રહ રખાય છે. આની સામે લઘુમતીવાદ એ લઘુમતીના સ્વતંત્ર સાંસ્કૃતિક અસ્તિત્વ પર એટલો બધો ભાર મૂકે છે કે જેને કારણે બંધારણમાં સ્વીકારાયેલા આદર્શો, જેવા કે સમાન નાગરિક સંહિતા(સિવિલ કોડ)નો પણ તેઓ વિરોધ કરે છે. પ્રશ્ન એ છે કે સમાન નાગરિકોના સર્જનના અને નાગરિક સમાજ(civil society)ના સર્જનમાં અવરોધ ઊભો થાય છે તેનું શું ? વળી આવો લઘુમતીવાદ તો અંતે ભવિષ્યમાં બહુમતીવાદના સર્જન તરફ જ દેશને લઈ જાય તેનું શું ? મધુ કીસ્તવર લઘુમતીવાદની વ્યાખ્યા અલગ રીતે આપતાં લખે છે કે લઘુમતીવાદ એટલે ‘પોતાને અગત્યના લાગતા (સ્પર્શતા ?) બધા પ્રશ્નો પર બિનશરતી રીતે નિષેધ અધિકારના ઉપયોગનો લઘુમતીઓનો હક.’ પરંતુ આ ઝીણાનો અભિગમ હતો. જેની પાકિસ્તાનના સર્જન પછી પ્રસ્તુતિ નથી. વ્યવહારમાં તેમ છતાં રાજકારણીઓ આ ખ્યાલનો ઉપયોગ કરે છે. આજના ભારતમાં એક બાજુએ લઘુમતીનો દરજ્જો પ્રાપ્ત કરવા માટે પણ હરીફાઈ થાય છે તો બીજી બાજુએ લઘુમતીનો દરજ્જો જાળવી રાખવા માટે પણ સ્થાપિત હિતો ઊભાં થાય છે. દીપાંકર ગુપ્તા ‘લઘુમતીકરણ’ (minoritization) શબ્દનો ઉપયોગ કરે છે. કાયમી લઘુમતીના ખ્યાલ કરતાં તે લઘુમતીકરણના ખ્યાલને વધુ મહત્વનો ગણે છે. ઐતિહાસિક અને સામાજિક કારણોસર સ્વયંભૂ રીતે સમગ્ર સમુદાયમાંથી લઘુમતી અંગેની જાગૃતિ ઊભી થાય છે. પરંતુ ઘણીવાર બહુમતી દ્વારા યા અન્ય સ્રોત દ્વારા પણ લઘુમતીઓ અંગે નિર્દેશ થાય છે. શીખો અને મુંબઈના દક્ષિણ ભારતીઓ તેનાં દૃષ્ટાંતો છે. આવી લઘુમતીકરણની પ્રક્રિયામાંથી સર્જાયેલી લઘુમતીઓના પ્રશ્નો વધુ મુશ્કેલ બને છે.

બહુમતી–લઘુમતીના પરિપ્રેક્ષ્યમાં સ્ટીફન કોહેનના મત મુજબ, કેટલીક લઘુમતીઓ પોતાને પોતાના આંતરરાષ્ટ્રીય સમાજના ભાગ તરીકે જુએ છે અને એક પ્રકારની બહુમતી ગણવા પ્રેરાય છે; જ્યારે બહુમતીઓ લઘુમતીના વિશ્વસ્તરના ફેલાવાને લક્ષમાં રાખી પોતે લઘુમતીપણાનો અનુભવ કરે છે. આમ બહુમતી અને લઘુમતીના ખ્યાલનો સંદર્ભ માત્ર સંખ્યા સાથે નથી, પણ બંનેના માનસ સાથે પણ છે.

બહુમતી–લઘુમતીના માળખાનો પ્રશ્ન વૈચારિક રીતે જટિલ છે અને અનેક પ્રશ્નો સર્જે છે; પણ આ રૂઢ થયેલા માળખાનો સંતોષકારક વિકલ્પ એ સંશોધનનો મહત્વનો વિષય બની રહ્યો છે.

મહેન્દ્રભાઈ ઠા. દેસાઈ